Get The App

Explainer: માદુરોની ધરપકડ માટે ટ્રમ્પ જેવો ડાન્સ જવાબદાર, જાણો કેમ છે દુનિયાભરના દેશોમાં આવી ચર્ચા

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: માદુરોની ધરપકડ માટે ટ્રમ્પ જેવો ડાન્સ જવાબદાર, જાણો કેમ છે દુનિયાભરના દેશોમાં આવી ચર્ચા 1 - image


US-Venezuela Tensions : કોઈ કલ્પના પણ કરી શકે કે ડાન્સ મુવ્સના કારણે કોઈ દેશનો રાષ્ટ્રપ્રમુખ મોટી મુશ્કેલીમાં મૂકાઈ જાય? બીજા કોઈ નહીં, વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો સાથે તાજેતરમાં એવું જ બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાન્યુઆરીની શરુઆતમાં અમેરિકાના સ્પેશિયલ ફોર્સના સૈનિકોએ માદુરોને પકડ્યા અને તેમને અમેરિકા લઈ ગયા, જ્યાં તેમના પર ડ્રગ્સની હેરાફેરી અને આતંકવાદને મદદ કરવાના ગંભીર આરોપો લગાવાયા. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો મુજબ માદુરોએ જાહેરમાં એકથી વધુ વખત ડાન્સ કરીને ટ્રમ્પ પર કરેલા વ્યંગેને કારણે તેમની આવી હાલત થઈ છે. 

ચાલો જાણીએ કે માદુરોના ડાન્સમાં એવું તો શું હતું, જેના કારણે તેમને વેનેઝુએલાના કારાકાસમાંથી અમેરિકાના કારાવાસમાં ધકેલી દેવાયા. 

માદુરોને જાહેર મંચ પર ડાન્સ કરવો ભારે પડ્યો 

ધરપકડ પહેલાંના કેટલાક મહિનામાં માદુરો (Nicolas Maduro) અનેક જાહેર કાર્યક્રમોમાં ગીતો ગાતા અને ડાન્સ કરતા નજરે પડ્યા હતા. નવેમ્બર 2024માં તેમણે જોન લેનનનું પ્રસિદ્ધ ગીત ‘ઇમેજિન’ ગાઈને શાંતિનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ કારાકાસમાં યોજાયેલી વિદ્યાર્થી રેલીમાં તેઓ સ્ટેજ પર નાચતા જોવા મળ્યા હતા. નાચતી વખતે તેઓ વારંવાર તેમની મુઠ્ઠી હવામાં વીંઝતા હતા, જાણે કે એમ કરીને જીતનો જશ્ન મનાવતા હતા. તેમના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. બોડી લેન્ગ્વેજ એક્સપર્ટ્સનું કહેવું છે કે માદુરોના ડાન્સમાં અમેરિકા વિરોધી ભાવનાઓ સ્પષ્ટ દેખાતી હતી.

માદુરોનો ડાન્સ ટ્રમ્પને અપમાનજનક લાગ્યાનો દાવો

અમેરિકાના અગ્રણી અખબાર ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર માદુરોના આવા વર્તનથી ટ્રમ્પ (US President Donald Trump) અને તેમના સલાહકારો નારાજ થઈ ગયા હતા. તેમને લાગ્યું હતું કે માદુરો અમેરિકાની સૈન્ય કાર્યવાહી કરવાની ચેતવણીને ગંભીરતાથી લેતા નથી અને મજાક ઉડાવી રહ્યા છે. ટ્રમ્પના એક સલાહકારે તો એમ પણ કહ્યું હતું કે, ‘માદુરોના ડાન્સ મૂવ્ઝ વધારે પડતા બોલકા હતા.’

આ મુદ્દો ટ્રમ્પ માટે વ્યક્તિગત રીતે ઇજ્જતનો સવાલ બની ગયો હોવાનું કહેવાય છે. અને એટલે જ એવું કહેવાય છે કે, ટ્રમ્પે માદુરો સામે આ જ કારણસર કડક પગલાં લીધા છે. 

‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ અને ધરપકડ

3 જાન્યુઆરી 2025ની રાતે અમેરિકાની ‘ડેલ્ટા ફોર્સ’એ કારાકાસ સ્થિત માદુરોના સત્તાવાર નિવાસ સ્થાને ગુપ્ત કાર્યવાહી કરી હતી. એ મિશનને ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ નામ અપાયું હતું. કડક સુરક્ષા વ્યવસ્થા ભેદીને માદુરો અને તેમના ત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરાઈ હતી. 

આ પણ વાંચો : અમેરિકાની ભારતીય વિદ્યાર્થીઓને ધમકી, કહ્યું ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશું’

માદુરો સામે અમેરિકન કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે

5 જાન્યુઆરીએ માદુરો અને તેમના પત્નીને ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરાયા હતા. તેમના પર ડ્રગ્સની હેરાફેરી અને આતંકવાદને મદદ કરવાના ગંભીર આરોપો મૂકાયા. કોર્ટમાં માદુરોએ પોતાને વેનેઝુએલાના કાયદેસર રાષ્ટ્રપ્રમુખ ગણાવ્યા અને તમામ આરોપોને નકારી કાઢ્યા. હાલ આ માટે કાયદેસરની લડાઈ ચાલુ છે.

રાજકારણમાં આવો બદલો અભૂતપૂર્વ ગણાય

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વ્યક્તિગત અપમાન અને અહંકાર કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે. માદુરોનો ડાન્સ માત્ર મનોરંજન ન રહ્યો, પરંતુ અમેરિકાની ચેતવણીને અવગણવાનું પ્રતીક બની ગયું. ટ્રમ્પે તેને પોતાનું અપમાન માનીને કડક કાર્યવાહી કરી. આ ઘટનાએ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોમાં નવી તણાવભરી સ્થિતિ સર્જી છે, જેને લઈને વિશ્વભરમાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

આ પણ વાંચો : વેનેઝુએલામાં અમેરિકાના હુમલા બાદ રશિયા આવ્યું મેદાનમાં, તાત્કાલિક સબમરીન કરી તહેનાત