| (AI IMAGE) |
Russia Deploys Submarine Near Venezuela: છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે વિશ્વયુદ્ધ જેવી ગંભીર સ્થિતિ તરફ આગળ વધી રહ્યો હોય તેમ લાગે છે. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હુમલો કરી પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીની ધરપકડ કર્યા બાદ આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. રશિયાએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને હવે પોતાના મિત્ર દેશ વેનેઝુએલાના સમર્થનમાં રશિયાએ દરિયામાં પોતાની ઘાતક સબમરીન તહેનાત કરી દીધી છે.
ઓઇલ ટેન્કર બચાવવા રશિયાનું મોટું પગલું
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં ફસાયેલા એક ખરાબ ઓઇલ ટેન્કરને અમેરિકાના કબજામાંથી બચાવવા માટે રશિયાએ પોતાની સબમરીન અને નૌકાદળના જહાજો રવાના કર્યા છે. આ ટેન્કર હાલમાં 'મરીનરા' નામે ઓળખાય છે, જે અગાઉ 'બેલા-1' તરીકે જાણીતું હતું. અમેરિકન કોસ્ટ ગાર્ડ આ જહાજ પર સતત નજર રાખી રહ્યા છે, કારણ કે અમેરિકાને શંકા છે કે આ જહાજનો ઉપયોગ રશિયા દ્વારા ગેરકાયદેસર ઓઇલની હેરાફેરી માટે કરવામાં આવતો હતો.
અમેરિકી જપ્તીથી બચવા રશિયાનો માસ્ટરસ્ટ્રોક: રાતોરાત બદલાયું જહાજનું નામ
ડિસેમ્બર 2025માં જ્યારે અમેરિકન અધિકારીઓએ મધદરિયે આ જહાજ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જહાજના ક્રૂ મેમ્બરોએ જીવના જોખમે નાસી છૂટવા માટે અત્યંત આશ્ચર્યજનક દાવપેચ અજમાવ્યા હતા. આ ભાગદોડ દરમિયાન ક્રૂ મેમ્બરોએ ખુલ્લા સમુદ્રમાં જ જહાજની બહારના ભાગે ઉતાવળે રશિયાનો મોટો ધ્વજ ચીતરી દીધો હતો અને રાતોરાત જહાજનું નામ બદલીને 'મરીનરા' કરી નાખ્યું હતું.
આટલું જ નહીં, કોઈપણ પ્રકારના પૂર્વ નિરીક્ષણ કે સામાન્ય ઔપચારિકતાઓ વગર રશિયાએ પણ તત્કાલ ધોરણે આ જહાજનું રજિસ્ટ્રેશન પોતાના દેશમાં કરી લીધું હતું, જે નિષ્ણાતોના મતે અત્યંત અસાધારણ બાબત છે. રશિયાનું આ વ્યૂહાત્મક પગલું અમેરિકા દ્વારા કરવામાં આવતી જપ્તીની કાર્યવાહીને કાયદાકીય ગૂંચવણમાં નાખવા અને જહાજને સુરક્ષા પૂરી પાડવા માટે લેવામાં આવ્યું હોવાનું મનાય છે.
શા માટે વધ્યું જોખમ?
વેનેઝુએલા દાયકાઓથી રશિયાનું વ્યૂહાત્મક ભાગીદાર રહ્યું છે. હવે જ્યારે અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખને જ કસ્ટડીમાં લઈ લીધા છે, ત્યારે રશિયાએ તેની સબમરીન તહેનાત કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે પોતાના હિતો અને સાથી દેશોની સુરક્ષા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આ વિસ્તારમાં અમેરિકન કોસ્ટ ગાર્ડ અને રશિયન સબમરીનની હાજરીને કારણે ગમે ત્યારે ઘર્ષણ થઈ શકે છે.


