'લોકોનું મનોરંજન કરતાં-કરતાં ખુદ ડ્રામા બની ગયો છું', અભિનેતા રાજપાલ યાદવ 1.15 કરોડ ચૂકવવા રાજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajpal Yadav Check Bounce Case: કરોડો રૂપિયાના ચેક બાઉન્સ મામલે ઘેરાયેલા લોકપ્રિય બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. રાજપાલ યાદવ બુધવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયો હતોઅને તે દેવાની કુછ રકમ ચૂકવવા માટે તૈયાર થયો છે. તેના હાથમાં 1.15 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ હતો, જ્યારે બાકીના 85 લાખ રૂપિયા જમા કરાવવા માટે તેણે 13 ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો છે. ન્યાયાધીશ સમક્ષ સુનાવણી દરમિયાન રાજપાલ યાદવનું દર્દ છલકાયું હતું અને તેણે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા'ને લઈને ડૂબી ગયેલા નાણાં વિશે વાત કરી હતી.
'લોકોનું મનોરંજન કરતાં-કરતાં હું ખુદ એક ડ્રામા બની ગયો છું'
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ દ્વારા મજાકમાં કહેવામાં આવ્યું કે, 'તમારી ફિલ્મોની જેમ તમારા પૈસા પણ અતા-પતા લાપતા (ગાયબ) છે.' તેના જવાબમાં રાજપાલ યાદવે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, 'લોકોનું મનોરંજન કરતાં-કરતાં હું ખુદ એક ડ્રામા બની ગયો છું'
ચીફ જસ્ટિસ (CJI) એ પૂછ્યું કે શું તેઓ કોઈ ધારાવાહિક કે ફિલ્મ બનાવી રહ્યા છે કે પછી આમ જ ફરી રહ્યા છે? આના પર રાજપાલ યાદવે કોર્ટમાં જણાવ્યું કે, 'મારા ઘણા પૈસા ડૂબી ગયા છે. આ ફિલ્મમાં મને 17 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. છેલ્લા 13 વર્ષથી સામેવાળા લોકોએ મારી ફિલ્મ બનવા દીધી નથી અને સ્ટે ઓર્ડર મેળવી લીધો હતો. તેમણે બદલાની ભાવનાથી પોતાના 5 કરોડ રૂપિયાના ચક્કરમાં મારું 22 કરોડ રૂપિયાનું નુકસાન કરાવી દીધું છે.'
રાજપાલ યાદવે વધુમાં જણાવ્યું કે, 'શરૂઆતમાં મને કહેવામાં આવ્યું હતું કે હું 100 કરોડ રૂપિયાનો માણસ છું અને પછી મને ધમકી આપવામાં આવી કે તે મને કોર્ટમાં ઘસડી જશે. હું વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છું, પરંતુ હવે મારી જિંદગી બરબાદ કરી દેવામાં આવી છે. મેં 200 ફિલ્મો કરી છે અને હવે મને ફરીથી કામ મળવા લાગ્યું છે, હું તેમનું સમગ્ર દેવું ચૂકવી દઈશ.'
સુપ્રીમ કોર્ટનો આદેશ અને સમગ્ર વિવાદ
ચીફ જસ્ટિસે રાજપાલ યાદવને સલાહ આપતા કહ્યું કે, 'તમે કેટલીક સારી ફિલ્મો બનાવો અને લોકોનું મનોરંજન કરો.' આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે અભિનેતાને બે અઠવાડિયાની મોહલત આપી છે. આ સમયગાળા દરમિયાન રાજપાલ યાદવ નાણાં ચૂકવવાની વ્યવસ્થા કરશે.
ઉલ્લેખનીય છે કે આ મામલો મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા ચેક બાઉન્સના કેસનો છે. દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને દોષી ઠેરવતા આ મામલામાં 3 મહિનાની સજા સંભળાવી હતી. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવના વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે વારંવાર કોર્ટના આદેશ છતાં રકમ જમા કરાવવામાં આવી નથી.




