'5 કરોડ રૂપિયા લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટી...' વિવાદિત દાવા વચ્ચે વિરાટ કોહલીનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virat Kohli Statement on 5 Crore to Meet Premanand maharaj : શિષ્ય રસિક દુહારીના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ વૃંદાવનમાં આવેલા પૂજ્ય પ્રેમાનંદ મહારાજનો ‘કેલીકુંજ આશ્રમ’ ચર્ચા અને વિવાદોના વંટોળમાં ઘેરાયો છે. આ વિવાદ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર એક સનસનાટીભર્યો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે ₹5 કરોડ ચાર્જ કરીને પ્રેમાનંદ મહારાજના આશ્રમે ગયો હતો. આ ગંભીર અને સનસનીખેજ આરોપો સામે હવે વિરાટ કોહલીની ટીમે સત્તાવાર નિવેદન જારી કરીને વળતો પ્રહાર કર્યો છે.

વિરાટ કોહલીની ટીમનો ખુલાસો
વિરાટ કોહલીના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દેવામાં આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા વિરાટ કોહલી અંગે કરવામાં આવેલા તમામ દાવા સંપૂર્ણપણે અસત્ય, નિરાધાર અને તથ્યવિહીન છે. વિરાટ કોહલી પૂજ્ય પ્રેમાનંદ મહારાજ પ્રત્યેની પોતાની વ્યક્તિગત શ્રદ્ધા અને અસીમ આસ્થાના કારણે જ તેમની મુલાકાતે જાય છે, કોઈ વ્યાવસાયિક લેણદેણ માટે નહીં." આ સાથે જ કોહલીની ટીમે મીડિયાને અપીલ કરી છે કે આવા ભ્રામક અને તથ્યહીન નિવેદનોને અહેવાલ તરીકે દર્શાવતા પહેલા સત્યતાની પૂરેપૂરી તપાસ કરવી અને જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવું.
શું હતો ફલાહારી મહારાજનો સનસનાટીભર્યો દાવો?
નોંધનીય છે કે, ‘શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસ’ ના અધ્યક્ષ અને ‘ફલાહારી મહારાજ’ તરીકે ઓળખાતા દિનેશ શર્માએ એક ટીવી ચેનલ પર દાવો કર્યો હતો કે રાજસ્થાનની એક ખાનગી કંપની અને પ્રોપર્ટી બિલ્ડર લોબીએ વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમે લાવવા માટે ₹5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. રસિક દુહારીના રહસ્યમય મોત બાદ ફલાહારી મહારાજના આ દાવાથી ધાર્મિક અને ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો હતો.
જાન્યુઆરી 2023 થી શરૂ થઈ હતી આસ્થાની સફર
વિરાટ કોહલી અને તેની પત્ની તથા બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા જાન્યુઆરી 2023 માં પ્રથમ વખત વૃંદાવન ખાતે પ્રેમાનંદ મહારાજના આશ્રમે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ત્યાર બાદ પણ આ દંપતી અવારનવાર મહારાજજીના સત્સંગ અને દર્શન માટે આવતું રહે છે. પરંતુ આશ્રમ સાથે જોડાયેલા વિવાદમાં અચાનક નાણાકીય આક્ષેપો થતાં વિરાટ કોહલીની ટીમે કડક વલણ અપનાવી સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.




