કેનેડાની જાહેરાત: ટેરિફ મુદ્દે માથા સાટે માથું લઈશું, પાછા નહીં હટીએ આ અમારા પર આર્થિક હુમલો છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Canada Trade War : અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલેલી 3 દિવસની ગહન વ્યાપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાનું આર્થિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડાથી આવતા ઉત્પાદનો પર 50% જેટલો ભારે ટેરિફ ઝીંકવામાં આવ્યો છે. આ નિર્ણયના જવાબમાં કેનેડાએ પણ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઓટાવા ખાતે સત્તાવાર જાહેરાત કરી છે કે 8 સપ્ટેમ્બરથી અમેરિકાથી આવતી તમામ ચીજવસ્તુઓ પર 'ડૉલર ટુ ડૉલર' વળતો ટેરિફ લાગુ કરવામાં આવશે.
"અમારા પર હુમલો થયો છે, અમે બહાદુરીથીલડીશું": વડાપ્રધાન કાર્ની
પત્રકારોને સંબોધતા વડાપ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે, જ્યારે તમારા દેશ પર આર્થિક હુમલો થાય ત્યારે તે યુદ્ધ જેવી સ્થિતિ બની જાય છે. અમેરિકા તરફથી પ્રસ્તાવિત શરતો અસ્વીકાર્ય અને આર્થિક રીતે કેનેડા માટે નુકસાનકારક હતી. તે કેનેડાની સાર્વભૌમત્વને નબળી પાડતી હતી અને નવા વ્યાપારિક કરારો કરવાની ક્ષમતાને સીમિત કરતી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે કેનેડા પોતાના શ્રમિકો, ખેડૂટો, પરિવારો અને સ્થાનિક વ્યવસાયોની સુરક્ષા માટે અમેરિકાના આ આકરા નિર્ણયોનો મજબૂતીથી સામનો કરશે.
20 અબજ ડૉલરના વેપાર પર ગંભીર અસર
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા કરને કારણે શરાબ, ફર્નિચર, ડેરી ઉત્પાદનો, સિમેન્ટ, કપડાં અને હોકી સાધનો જેવા અનેક ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. આ ટેરિફ અમેરિકામાં થતી કેનેડાની કુલ નિકાસના 5.5% એટલે કે આશરે 20 અબજ ડૉલર મૂલ્યના સામાનને આવરી લે છે. કેનેડાના વળતા પ્રહાર હેઠળ અમેરિકી સ્ટીલ, ડેરી અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો પર દંડનીય કર લાગશે. જોકે, કાર્નીએ ઉમેર્યું કે જો અમેરિકા ટેરિફ ઘટાડશે, તો કેનેડા પણ વળતા પગલાં પર પુનર્વિચાર કરવા તૈયાર છે.
કેનેડામાં મોંઘવારી વધવાનું જોખમ છતાં આકરું વલણ
ઉલ્લેખનીય છે કે કેનેડા પોતાની જરૂરિયાતો માટે અમેરિકા પર વધુ નિર્ભર છે અને લગભગ 70% જેટલી ચીજવસ્તુઓ અમેરિકાથી આયાત કરે છે. આ સંજોગોમાં નવા ટેરિફથી કેનેડામાં મોંઘવારીનો ભય તોળાઈ રહ્યો છે. તેમ છતાં વડાપ્રધાન કાર્નીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે જૂના સંબંધો પુનઃસ્થાપિત થવા મુશ્કેલ છે. કેનેડા પોતાની સાર્વભૌમત્વ અને મહત્ત્વપૂર્ણ ઉદ્યોગોના ભોગે કોઈ સમજૂતી નહીં કરે.









