કેમિકલ ટેન્ક ગમે ત્યારે ફાટવાનો ડર, કેલિફોર્નિયામાં 40000 લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

California Chemical Scare: અમેરિકાના કેલિફોર્નિયામાં એક ખતરનાક કેમિકલ ટેન્ક અંગે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓરેન્જ કાઉન્ટીના ગાર્ડન ગ્રોવ વિસ્તારમાં એક ઈન્ડસ્ટ્રિયલ સાઈટ પર સ્થિત ઝેરી રસાયણોથી ભરેલી ટાંકી વધુ ગરમ થઈ જતાં અધિકારીઓએ આશરે 40,000 લોકોને તાત્કાલિક અસરથી વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટાંકીમાં મિથાઈલ મેથાક્રાયલેટ(MMA) નામનું રસાયણ હતું, જેનો ઉપયોગ પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. આ રસાયણને અત્યંત જ્વલનશીલ, ઝેરી અને વિસ્ફોટક માનવામાં આવે છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો ટાંકી ફાટી જાય અથવા ગેસ લીક થાય તો લોકો શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં બળતરા, ચક્કર અને ઉલટી જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો ભોગ બની શકે છે.
ઓરેન્જ કાઉન્ટી ફાયર ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટાંકીનું તાપમાન સતત વધી રહ્યું હતું, જોકે હવે તેમાં કેટલાક અંશે ઘટાડો કરવામાં આવ્યો છે. અધિકારીઓના મતે, ટાંકીનું "સુરક્ષિત તાપમાન" લગભગ 50 ડિગ્રી માનવામાં આવે છે, જ્યારે શુક્રવાર(22 મે) સાંજ સુધીમાં તેનું તાપમાન આશરે 61 ડિગ્રી નોંધાયું હતું.
તંત્ર સામે બે મુખ્ય ખતરાઓ
ફાયરના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, પરિસ્થિતિ અત્યંત નાજુક છે. તેઓ જણાવે છે કે, ટાંકીમાં રહેલા આશરે 7,000 ગેલન કેમિકલને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ખામીયુક્ત વાલ્વને કારણે તે થઈ શક્યુ ન હતું. આમ, તંત્ર માટે હવે બે મુખ્ય ખતરાઓનો સામનો કરવાની સ્થિતિ પેદા થઈ છે. જેમાં કાં તો ટાંકી વિસ્ફોટ થઈ શકે છે, અથવા ભંગાણને કારણે ઝેરી કેમિકલ બહાર નીકળે.
શાળાઓ અને કોલેજો પણ બંધ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 9 ચોરસ માઇલનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. આશરે 13 શાળાઓ અને બે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરવામાં આવી છે. અધિકારીઓના મતે, લગભગ 15 ટકા લોકો હજુ પણ વિસ્તાર છોડવા તૈયાર નથી.
આ ઈન્ડસ્ટ્રિયલ સાઈટ પ્રખ્યાત ડિઝનીલેન્ડથી લગભગ પાંચ માઇલ દૂર આવેલી છે. અધિકારીઓ સતત હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ઘટનાના થોડા સમય બાદ હવામાં ઝેરી કેમિકલની હાજરીની પુષ્ટિ થઈ નથી. ફાયર અધિકારીઓએ લોકોને અફવાથી દૂર રહેવા અને તાત્કાલિક સલામત સ્થળોએ જવા અપીલ કરી છે.









