- જેના હાથ લોહીભર્યા છે તે પાક. મંત્રણા માટે યોગ્ય સ્થળ છે
- ઇસ્લામાબાદ જવા ઉપડતાં પહેલાં ઘાલીબાફે કહ્યું : તહેરાનને યુએસ માટે સદભાવ જરૂર છે પરંતુ અમને તેનો જરા પણ વિશ્વાસ નથી
વિમાનમાં : આજની શાંતિ મંત્રણામાં ભાગ લેવા તહેરાનથી ઇસ્લામાબાદ જતાં વિમાનમાં બેસતાં પૂર્વે ઇરાનની મજલિસ (સંસદ)ના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ઘાલીબાફે અમેરિકાને એક કઠોર સંદેશો પાઠવી દીધો છે. મંત્રણા તો શરૂ થવાને વાર હતી તે પૂર્વે જ વિમાનમાં ખાલી સીટો ઉપર મિનાબ શહેરમાં થયેલા મિસાઇલ હુમલામાં મૃત્યુ પામેલા બાળકોના ફોટા તેમણે ખાલી સીટો પર ગોઠવ્યા હતા. સાથે તે બાળકોની લોહીથી ખરડાયેલી સ્કૂલ બેગો પણ તે શીટો ઉપર મુકી હતી.
આ યુદ્ધના પહેલા જ દિવસે ઇરાનનાં મિનાબ શહેરમાં આવેલી એક શાળા ઉપર પડેલાં એક મિસાઇલને લીધે તે શાળાનાં મકાનને પણ ઘણું નુકસાન થયું હતું અને શાળામાં રહેલાં કેટલાંયે બાળકોને ઇજાઓ થઇ હતી. જ્યારે કેટલાયે મૃત્યુ પામ્યાં હતાં.
આ બાળકોના ફોટા અને રક્તરંજિત સ્કૂલ બેગો અને તે બાળકોના ફોટાઓ પાસે તેમણે પુષ્પગુચ્છો પણ મુક્યા હતા.
તે સર્વ વિદિત છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તેના પહેલા જ દિવસે અમેરિકાએ ઇરાનનાં વિવિધ શહેરો ઉપર અમેરિકા ઇઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા અને મિસાઇલ હુમલા કર્યા હતા. તેથી મિનાબ શહેર ઉપર પ્રચંડ હુમલા કરતાં અનેક મકાનો ધ્વસ્ત થયાં હતાં તે પૈકી શાળાનું મકાન પણ ધ્વંસ થઇ ગયું હતું. અનેક બાળકો માર્યા ગયા હતા. તેમના ફોટા ઘાલીબાફે ખાલી સીટ પર ગોઠવ્યા તે દર્શાવી આપે છે કે આ મંત્રણામાં ઇરાનનું વલણ કેવું રહેશે.
બીજી તરફ ઇસ્લામાબાદને મંત્રણાનું સ્થળ રાખ્યું તે સામે કેટલાક નિરીક્ષકો પૂછે છે પોતાના સ્વાતંત્ર્ય સમયથી હજી સુધી કાશ્મીર તે પછી તે સમયનાં પૂર્વ પાકિસ્તાન અને છેલ્લે પહેલગામ હુમલાને લીધે જેના હાથ હુમલાથી પરંપરાથી લોહીથી ખરડાયેલા રહ્યા છે તે પાકિસ્તાન મંત્રણા માટે યોગ્ય સ્થળ છે ખરૂં ?


