Turkey Oil Tanker Attack in Black Sea : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તૂર્કેઈના ઓઈલ ટેન્કર પર રહસ્યમય હુમલો થયો છે. આ હુમલો કોણે કર્યો, તેની હજુ સુધી વિગતો સામે આવી નથી. જોકે તુર્કેઈ સરકારનું માનવું છે કે, એક ક્રૂ વગરની હોળીમાંથી આ હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે તૂર્કેઈના પ્રવાસન મંત્રી અબ્દુલ કાદિર ઉરાલોગ્લૂએ કહ્યું કે, ‘અમારા દેશની એક કંપની રશિયાથી ક્રૂડ ઓઈલ ભરેલા ટેન્કરો લઈને પરત આવી રહી હતી, ત્યારે ગુરુવારે સવારે એક અનમૈન્ડ સરફેસ વ્હીકલે એટલે કે ક્રૂ વગરની હોળી દ્વારા અમારા જહાજ પર હુમલો થયો હોવાની આશંકા છે.’
જહાજના એન્જીન રૂમમાં વિસ્ફોટ
પ્રવાસન મંત્રીએ સત્તાવાર નિવેદન આપીને કહ્યું કે, ‘રશિયાથી ક્રૂડ ઓઈલ લઈને આવી રહેલું જહાજ પર ગુરુવારે સવારે હુમલો કરાયો છે. તૂર્કેઈની કંપનીના આ જહાજ પર સિએરા લિયોનનો ધ્વજ હતો. જહાજના ક્રૂ સભ્યોએ એન્જીન રૂમમાં વિસ્ફોટ થયો હોવાની ઈમરજન્સી કૉલ સેન્ટરને સૂચના આપી હતી. ત્યારબાદ અમે રાહત અને બચાવ માટે તુરંત ઘટનાસ્થળે ટીમ મોકલી દીધી છે. હાલ અમારી ટીમ ત્યાંની સ્થિતિ પર નજર રાખી રહી છે.’
જહાજને સંપૂર્ણ નષ્ટ કરવાનું ષડયંત્ર હોવાની આશંકા
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારું માનવું છે કે, જહાજ પર હુમલો કરીને એન્જીન રૂમમાં વિશેષ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ડ્રોનથી નહીં, પરંતુ પાણી પર ક્રૂ વગરના વ્હીકલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આખા જહાજને સંપૂર્ણ નષ્ટ કરવાનું ષડયંત્ર હોવાની પણ આશંકા છે, જોકે અમે હુમલાખોરોનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે.’ જોકે પરિવહન મંત્રીએ એવી માહિતી આપી નથી કે, હુમલો વખતે તુર્કેઈનું જહાજ તેમના જળ વિસ્તારમાં હતું કે નહીં. સ્થાનીક મીડિયા રિપોર્ટ મુજબ, બોસ્ફોરસ જળમાર્ગથી લગભગ 30 કિલોમીટર અંદર હુમલો કરવામાં આવ્યો હતો.
તુર્કેઈ ટેન્કર પર ડ્રોન હુમલો : મોસાદને દાવો
બીજીતરફ ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના નામ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવ્યું છે. મોસાદના હેન્ડલ પર લખાયું છે કે, ‘રશિયાના નોવોરોસિસ્કથી આશરે 1,40,000 ટન ઓઈલ ભરીને નીકળેલા તુર્કીના ઓઈલ ટેન્કર 'અલ્તુરા' પર ઈસ્તંબુલ સ્ટ્રેટથી લગભગ 14 માઈલ દૂર મધરાત્રે ડ્રોન હુમલો થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ હુમલાને કારણે જહાજના બ્રિજ ભાગને નુકસાન પહોંચ્યું છે અને એન્જિન રૂમમાં પાણી ભરાઈ ગયું હોવાની વિગતો સામે આવી છે.’
તૂર્કેઈ સરકારે યુદ્ધ અંગે પણ આપી માહિતી
પ્રવાસન મંત્રી ઉરાલોગ્લૂ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે માહિતી આપતા કહ્યું છે કે, મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધમાં હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે, જેના કારણે સીરિયા (અલેપ્પો સિવાય), ઈરાક, ઈરાન અને ઈઝરાયેલનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, કતાર, કુવૈત અને બહેરીન જેવા દેશોના આકાશ પર પણ સુરક્ષાના કારણોસર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ તંગદિલીને જોતા તુર્કિશ એરલાઇન્સ, પેગાસસ, એજેટ અને સનએક્સપ્રેસ જેવી મુખ્ય વિમાન કંપનીઓએ આગામી 31 માર્ચ સુધી આ રૂટની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો અને બંધ એરપોર્ટ્સ પર કોઈ પણ પ્રકારનું સંચાલન ન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાની 40 ટકા ઓઇલ નિકાસ ઠપ થતાં સંકટ વધ્યું, ભારત પર શું થશે અસર?


