- વિદેશમંત્રી જયશંકરને અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રૂબિઓએ રોકડું પરખાવ્યું
- ભારત યુએનમાં આજીજી કરતું રહ્યું અને અમેરિકાએ સંભળાવી દીધું : મોદી અમારા મિત્ર છે, પરંતુ અમેરિકાના હિતના ભોગે નહીં
- અમેરિકા સાથે વચગાળાની સમજૂતી પહેલા થશે, મંત્રણા પછી કરવામાં આવશેઃ ઇરાન
- ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના અંતિમ સંસ્કાર જુલાઈમાં થશે તેવો ઇરાનીયન ટીવીનો દાવો
વોશિંગ્ટન : અમેરિકાના હુમલામાં ભારતના ત્રણ ખલાસીઓ માર્યા ગયા તેના સંદર્ભમાં વિદેશપ્રધાન માર્કો રૂબિઓએ જણાવ્યું હતું કે હોર્મુઝમાં અમેરિકાની ઘેરાબંધીને માનવી જ પડશે અને તેનો ભંગ કરીને ઇરાનને ગેરકાયદેસર રીતે ઓઇલ પહોંચાડનાર પર અમેરિકન લશ્કર ચોક્કસ હુમલો કરશે. તેમણે ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરને પણ સ્પષ્ટપણે આ વાત જણાવી દીધી હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે બધા જ વેપારી જહાજોએ હોર્મુઝમાં શાતિ અને સુરક્ષા જાળવવા માટે ્અમેરિકન લશ્કરી દળોનો આદેશ માનવો પડશે. અમેરિકાની ઘેરાબંધી તોડવાની અને ઇરાનના ઓઇલને ગેરકાયદેસર રીતે બહાર પહોંચાડવાની વાતને કોઈપણ રીતે ચલાવી નહીં લેવાય. આ સપ્તાહે જુદાં-જુદાં ત્રણ જહાજો પર અમેરિકન લશ્કરે કરેલા હુમલામાં કુલ ત્રણ ભારતીય ખલાસીના મોત થયા છે. ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરે રૂબિયો સાથે વાત કરીને જયશંકરે સોશિયલ મીડિયા પર કરેલા પોસ્ટમાં જણાવ્યું હતું કે કોમર્સિયલ શિપિંગ સામે આ પ્રકારના આકરા પગલાં સ્વીકાર્ય નથી.
આ સપ્તાહે ઓમાનના દરિયાકાંઠે ત્રણ જુદાં-જુદા જહાજો પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીયોના મોત પછી વિદેશપ્રધાન એસ જયશંકરે આ વાત અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રૂબિયો સમક્ષ ઉઠાવી હતી. જો કે અગાઉ ભારતીય જહાજો પર ડ્રોન હુમલા માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને જવાબદાર ઠેરવ્યું હતું. ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેની પરમાણુ મંત્રણા પછીના તબક્કામાં થશે. હવે પ્રસ્તાવિત વચગાળાની સમજૂતીને અમલમાં મૂકાશે નહીં ત્યાં સુધી પરમાણુ કરારની મંત્રણા આગળ વધશે નહીં.
તેમણે જણાવ્યું હતું કે વચગાળાની સમજૂતીમાં હોર્મુઝની ખાડી ખોલવાની અને કેટલાય મોરચા પર ચાલતા સંઘર્ષને તાત્કાલિક ખતમ કરવાનો સમાવેશ થશે. તેમણે જણાવ્યું હતું કે હજી સુધી કોઈ સમજૂતી પર સહીસિક્કા થયા નથી અને હજી પણ તેમા ફેરફાર થઈ શકે છે. હોર્મુઝ પર ઇરાન-ઓમાનનો અધિકાર છે. ઇરાન તેના દ્વારા જહાજોની આવનજાવન સલામત રીતે થાય તે સુનિશ્ચિત કરશે.
અમેરિકા સાથેની સમજૂતીમાં સકારાત્મક વલણ પછી યુએઈએ ઇરાનના ફ્રીઝ કરેલા ૧૦ અબજ ડોલરની રકમ છૂટી કરવાનો નિર્ણય લીધો છે.
જો કે તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સમજૂતી હેઠળ ત્રણ અબજ ડોલરનો પહેલો હપ્તો જારી પણ કરી દેવાયો છે. યુએઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે પ્રાદેશિક તનાવ ઘટાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ઇરાન પાસે આ જ પ્રકારની પહેલની અપેક્ષા અન્ય ખાડી દેશોને પણ છે. ઇરાનના કુલ ૨૪ અબજ ડોલર વિદેશમાં ફ્રીઝ થયેલા છે.
ઇરાનના સુપ્રીમ લીડર મોજતબાએ અમેરિકાની સુરક્ષાના દાવાનો છેદ ઉડાડતા જણાવ્યું હતું કે અમેરિકા જે પોતાના લશ્કરી થાણાઓની રક્ષા પણ કરી શક્યું ન હતુ તે હવે બીજા ખાડી દેશોની સુરક્ષા કરવાનો દાવો કઈ રીતે કરી શકે છે.
ઇરાનના હુમલા સામે અમેરિકા પોતાના લશ્કરી થાણા બચાવી શક્યું નથી. હવે આ અમેરિકા બીજા ખાડી દેશોને સલામતી કઈ રીતે પૂરી પાડશે. તેમણે જણાવ્યું હતું કે ખાડી દેશોએ હવે પોતાની સુરક્ષા માટે બહારની તાકાતો પર નિર્ભર બનવાના બદલે આત્મનિર્ભર થવું જોઈએ. તેમણે ખાસ કરીને રણનીતિક સહયોગને લઈને અમેરિકા પર નિર્ભર રહેતા દેશોની આકરી ટીકા કરી હતી.
આના દ્વારા ઇરાને વિશ્વને તે સંદેશો આપ્યો છે કે મધ્યપૂર્વમાં હવે અમેરિકાનું પ્રભુત્વ પહેલા જેવું નથી. તેનું વર્ચસ્વ ઘટી રહ્યુ છે. શક્તિ સંતુલન બદલાઈ રહ્યુ છે.
અમેરિકન લશ્કરનો દાવો છે કે ઇરાને હોર્મુઝમાં કોમર્સિયલ જહાજો પર ઘણા બધા હુમલા કર્યા હતા અને તેને અમેરિકન લશ્કરે નિષ્ફળ બનાવ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ઇરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં વાહનોને નિશાન બનાવવા કેટલાય ડ્રોન છોડયા હતા, જેને અમેરિકન લશ્કરે ખતમ કરી દીધા છે. અમેરિકન પ્રમુખ હોર્મુઝની ખાડીની ચર્ચા આગામી સપ્તાહે ફ્રાન્સમાં યોજાનારી જી-૭ની બેઠકમાં કરે તેવી સંભાવના છે. જી-૭ના સભ્ય બ્રિટન અને ફ્રાન્સે પણ આ સંઘર્ષ ઉકેલાય પછી મહત્ત્વના જળમાર્ગને સલામત કરવામાં મદદ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.ટ્રમ્પ આ શિખર પરિષદ દરમિયાન ઇજિપ્ત, કતાર અને યુએઈના નેતાઓને મળીને યુદ્ધ ખતમ કરવા પર ચર્ચા કરી શકે છે.
ઇરાનના સત્તાવાર ટીવીએ જણાવ્યું હતું કે ઇરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનેઈની અંતિમ વિધિનો સમારંભ જુલાઈમાં થઈ શકે છે, અમેરિકાર-ઇરાન યુદ્ધ ખતમ કરવાના કરારની નજીક પહોંચવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાનનું કહેવું છે કે આ યુદ્ધનો અંત આવવો જોઈએ, ઇરાને કહ્યુ હતું કે યુદ્ધ તો અમે પણ ખતમ કરવા માંગીએ છીએ, પરંતુ ઉતાવળ નહીં કરીએ.


