ગંગાનું પાણી મળશે પછી જ સંબંધો સુધરશે! 30 વર્ષ જૂની સંધિ મુદ્દે બાંગ્લાદેશની ભારતને ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Links Ties with India to Ganges Water Sharing Treaty : દક્ષિણ એશિયાના ભૂરાજકારણમાં નદીઓના પાણી હંમેશાથી માત્ર સરહદો જ નહીં, પરંતુ બે દેશોના ભવિષ્યને પણ નક્કી કરતા આવ્યા છે. હાલમાં જ બાંગ્લાદેશમાં સત્તા પર આવેલી 'બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી' (BNP) એ ભારત સાથેના સંબંધોને લઈને એક એવો મોટો દાવ ખેલ્યો છે, જે બાદ નવી દિલ્હીમાં હલચલ વધી છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના તેના સંબંધોનો રસ્તો હવે ગંગા નદીના પાણીની વહેંચણી પર જ નક્કી થશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી સંધિ હવે અંતિમ તબક્કામાં
બાંગ્લાદેશ માટે આ માત્ર એક નદીનો વિવાદ નથી, પરંતુ તેના 17 કરોડ લોકોમાંથી ત્રીજા ભાગની વસ્તીની આજીવિકા અને પર્યાવરણનો સવાલ છે. વર્ષ 1996માં થયેલી 30 વર્ષની ઐતિહાસિક સંધિ હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે બાંગ્લાદેશના આ નવા આક્રમક વલણે બંને દેશો વચ્ચેના ભવિષ્યના સંબંધો પર સવાલો ઉભા કરી દીધા છે.
નવી સંધિ થાય ત્યાં સુધી જૂની સંધિ ચાલુ રાખવા અપીલ
બાંગ્લાદેશની સત્તાધારી BNP સરકારે ભારતને ચેતવણી આપી છે. 1996માં શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી 'ગંગા વોટર શેરિંગ ટ્રીટી' આ વર્ષે એટલે કે ડિસેમ્બર 2026માં પૂરી થઈ રહી છે. બાંગ્લાદેશના ગ્રામીણ વિકાસ મંત્રી મિર્ઝા ફખરુલ ઈસ્લામ આલમગીરે ઢાકામાં એક કાર્યક્રમ દરમિયાન ભારતને સંદેશ આપ્યો છે કે હવે નવી સંધિ બાંગ્લાદેશના લોકોની અપેક્ષાઓ અને હિતોને ધ્યાનમાં રાખીને જ થવી જોઈએ. બાંગ્લાદેશની માગ છે કે જ્યાં સુધી નવી સંધિ ફાઇનલ ન થાય ત્યાં સુધી જૂની વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ, અને હવે પછી જે પણ કરાર થાય તે કોઈ ચોક્કસ સમય મર્યાદા માટે સીમિત ન હોવો જોઈએ.
ભારતમાંથી વહીને બાંગ્લાદેશના ચપાઈ નવાબગંજ જિલ્લામાંથી પ્રવેશતી ગંગા નદીને ત્યાં 'પદ્મા' તરીકે ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશ એક એવો દેશ છે જે ભારતમાંથી વહેતી 54 જેટલી નદીઓ પર નિર્ભર છે.
ભારત સાથે સારા સંબંધો સ્થાપિત કરવાની તક ગંગા જળ વહેંચણી કરાર અથવા ફરાક્કા કરાર પર હસ્તાક્ષર કરવા પર નિર્ભર રહેશે.
— મિર્ઝા ફખરુલ ઈસ્લામ આલમગીર, મંત્રી અને BNP જનરલ સેક્રેટરી
ફરાક્કા બેરેજ મુદ્દે પણ મતભેદ
બાંગ્લાદેશનો આરોપ છે કે ભારતે બનાવેલા ફરાક્કા બેરેજના કારણે ઉનાળાની ડ્રાય સીઝનમાં બાંગ્લાદેશ તરફ પાણીનો પ્રવાહ ઘટી જાય છે. આનાથી તેમના દેશમાં ખારાશ વધી રહી છે, નદીઓ સુકાઈ રહી છે અને કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ, ભારતનું હંમેશાથી કહેવું રહ્યું છે કે કોલકાતા પોર્ટને કાંપથી બચાવવા અને હુગલી નદીમાં પાણીનો પ્રવાહ જાળવી રાખવા માટે ફરાક્કા બેરેજ જરૂરી છે.
પદ્મા નદી પર મેગા બેરેજ બનાવશે બાંગ્લાદેશ
આ વિવાદ વચ્ચે બાંગ્લાદેશે એક એવો મોટો આર્થિક પ્રોજેક્ટ પાસ કર્યો છે જે ભારત સાથેના સંબંધોમાં ઘી હોમવાનું કામ કરી શકે છે. વડાપ્રધાન તારિક રહેમાનની અધ્યક્ષતામાં બાંગ્લાદેશે પદ્મા નદી પર એક મેગા બેરેજ બનાવવાની મંજૂરી આપી દીધી છે. બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી શાહિદુદ્દીન ચૌધરી અનીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ 2033 સુધીમાં પૂરો થશે અને આ માટે ભારત સાથે કોઈ કન્સલ્ટેશન કરવાની જરૂર નથી કારણ કે આ બાંગ્લાદેશના રાષ્ટ્રીય હિતનો મામલો છે.









