Get The App

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની BNPની 'ડબલ સેન્ચુરી', 17 વર્ષ બાદ સત્તામાં પુનરાગમન નિશ્ચિત

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની BNPની 'ડબલ સેન્ચુરી', 17 વર્ષ બાદ સત્તામાં પુનરાગમન નિશ્ચિત 1 - image

Bangladesh Election Results 2026 :  બાંગ્લાદેશમાં વર્ષ 2024ના લોહિયાળ સત્તાપલટા અને વિદ્યાર્થી આંદોલન બાદ યોજાયેલી પ્રથમ ઐતિહાસિક સામાન્ય ચૂંટણીમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. 12 ફેબ્રુઆરીએ થયેલા મતદાન બાદ આજે શુક્રવારે જાહેર થઈ રહેલા વલણો અને અનૌપચારિક પરિણામોમાં 'બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી' (BNP) એ સ્પષ્ટ બહુમતી તરફ દોટ મૂકી છે.

વલણોમાં BNPની ડબલ સેન્ચુરી 

બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP) એ 13મી સંસદીય ચૂંટણીમાં ભવ્ય જીત મેળવતા અનૌપચારિક પરિણામોમાં 200 બેઠકનો આંકડો પાર કરી લીધો છે. જોકે જમાત એ ઈસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ખાતામાં ફક્ત 68 જ બેઠક આવી છે. આજે બપોર સુધીમાં તમામ 299 સીટના સત્તાવાર પરિણામ જાહેર થઇ જશે. 

17 વર્ષનું વનવાસ ખતમ, હવે તારિક રહેમાન બનશે PM?

બાંગ્લાદેશની રાજનીતિમાં 17 વર્ષ સુધી નિર્વાસિત રહ્યા બાદ તારિક રહેમાનનું પુનરાગમન હવે સત્તાના શિખર સુધી પહોંચતું દેખાય છે. શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ અને ગેરલાયકાતને કારણે આ ચૂંટણીમાં તેમની પાર્ટી મેદાનમાં નહોતી, જેના કારણે BNP માટે રસ્તો સાવ ખુલ્લો થઈ ગયો હતો. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની દેખરેખ હેઠળ થયેલી આ ચૂંટણીમાં બાંગ્લાદેશના લોકોએ 'જૂના શાસન' ને ઉખેડી ફેંકીને લોકશાહીના નવા પ્રકરણ પર મહોર મારી છે.

તારિક રહેમાન સામે 84 કેસ હતા? 

અહેવાલો અનુસાર, તારિક રહેમાન પર લગભગ 84 કેસ હતા, જેમાં ડઝનબંધ ગુનાહિત અને ભ્રષ્ટાચાર સંબંધિત આરોપોનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2024 માં શેખ હસીનાની સરકારના પતન પછી કાનૂની વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર થયો અને 2026 ની શરૂઆતમાં, તેમને મોટાભાગના મોટા કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આમાં 2004 માં શેખ હસીનાની રેલી પર ગ્રેનેડ હુમલો પણ શામેલ હતો, જેના માટે તેમને 2018 માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

નથી કરવાનું કોઈ જશ્ન: શાદગી સાથે વિજયની ઉજવણી

ચૂંટણીમાં ઐતિહાસિક જીત દેખાતા જ BNP નેતૃત્વએ પરિપક્વતા બતાવી છે. તારિક રહેમાને સમર્થકોને અપીલ કરી છે કે આ જીતનો ઉત્સવ રસ્તા પર રેલીઓ કાઢીને નહીં, પરંતુ શુક્રવારની નમાઝમાં સામેલ થઈને શાંતિથી ઉજવવો જોઈએ. પાર્ટીએ પોતાના કાર્યકરોને કોઈપણ પ્રકારની હિંસા કે વિવાદથી દૂર રહેવા કડક સૂચના આપી છે.

મતગણતરીમાં ગરબડના આક્ષેપો

એક તરફ જ્યાં BNP જીતની ઉજવણી કરી રહી છે, ત્યારે બીજી તરફ જમાત-એ-ઇસ્લામીના નેતા મૌલાના મમનુલ હકે ઢાકા-13 બેઠક પર ગરબડના આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે બેલેટ પેપરની ખામીયુક્ત ડિઝાઇનને કારણે તેમના હજારો મતો રદ કરવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી પંચે અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.