- ગૂગલ, મેટા, ટિકટોક સહિતની કંપનીઓના વિરોધ વચ્ચે
- ન્યુઝ સંસ્થાઓ સાથે સમજૂતી ન કરતી ટેક કંપનીઓએ ઓસ્ટ્રેલિયન આવકમાંથી 2.25 ટકા ચૂકવવા પડશે
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાની સરકારે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ પોતાની આવકમાંથી અમુક હિસ્સો આપીને પત્રકારત્વમાં આર્થિક યોગદાન આપે. આ યોજનાનો હેતુ મેટા, ગૂગલ અને ટિકટોક જેવી કંપનીઓને ન્યુઝ સંગઠનો સાથે સોદા કરવા પ્રોત્સાહિત કરવાનો છે. સરકારનો જુલાઈના પ્રારંભ સુધી સુધી સંસદમાં બિલ રજૂ કરવાનો ઈરાદો છે અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી પત્રકારત્વ સાથે સંકળાયેલ સામગ્રી માટે યોગ્ય વળતર સુનિશ્ચિત કરવા આવશ્યક પગલુ ગણાવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની એલ્બેનીસે જણાવ્યું કે પત્રકારત્વ એક લોકશાહી સમાજમાં આવશ્યક દરજ્જો ધરાવે છે અને તેને યોગ્ય વળતર મળવું જોઈએ. તેમણે દલીલ કરી કે વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ ન્યુઝ સામગ્રીમાંથી નોંધપાત્ર લાભ હાંસલ કરતી હોય છે માટે તેમણે તેના રચયિતાઓ સાથે આવક શેર કરવી જ જોઈએ. આ પ્રસ્તાવ પેમેન્ટનું નિયમન કરવાનો ઓસ્ટ્રેલિયાનો બીજો પ્રયાસ રહેશે. અગાઉ તેણે ૨૦૨૧ ન્યુઝ મીડિયા બારગેનિંગ કોડ રજૂ કર્યો હતો, જેમાં પ્રારંભમાં પ્લેટફોર્મ્સને પ્રકાશકો સાથે સ્વૈચ્છિક કમર્શિયલ સમજૂતી કરવા પ્રેરિત કરાયા હતા.
જો કે અનેક પ્લેટફોર્મ્સ ત્યાર પછી આવા કરારોમાંથી ખસી ગયા હતા અને કેટલાક કિસ્સામાં આર્થિક જવાબદારી ટાળવા તેમણે ન્યુઝ સામગ્રી હટાવી દીધી હતી. નવા પ્રસ્તાવમાં ન્યુઝ બારગેનિંગ ઈન્સેન્ટીવ રજૂ કરાયું છે જેમાં સોદો કરવાનો ઈન્કાર કરતા કંપનીઓ માટે ઓસ્ટ્રેલિયન આવક પર ૨.૨૫ ટકા વેરો લાદવામાં આવશે. સરકારને તેમાંથી દર વર્ષે ૨૦૦-૨૫૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની આવક થવાની અપેક્ષા છે.
ટેક કંપનીઓએ આ યોજનાની આકરી ટીકા કરી છે અને તેને જાહેરાત ઈકોસીસ્ટમ ન સમજી શકતા ગેરવાજબી ડિજિટલ સર્વિસીસ ટેક્સ ગણાવ્યો છે. તેમની દલીલ છે કે પ્રકાશકો પારસ્પરિક લાભ માટે સ્વૈચ્છિક રીતે તેમનો કન્ટેન્ટ શેર કરતા હોય છે. તેમણે ચેતવણી આપી છે કે બળજબરીપૂર્વકની ચૂકવણી ઉદ્યોગનું સંતુલન બગાડી શકે છે. અમેરિકા તરફથી સંભવિત અવળા પ્રતિસાદ છતાં ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું છે કે સ્વતંત્ર પત્રકારિત્વને ટકાવી રાખવા તે રાષ્ટ્રીય હિતમાં કામ કરી રહી છે.


