US President Donald Trump's Murder Plan Case in New York Court : અમેરિકા-ઈઝરાયેલના ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ‘ટ્રમ્પની હત્યાના કાવતરા’ મામલે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં ખળભળાટ મચાવતો ખુલાસો થયો છે. કેસમાં સામેલ પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચેન્ટે જજો સામે કહ્યું છે કે, ઈરાનના ગુપ્ત એજન્ટોએ તેને બળજબરીથી અમેરિકાના પ્રમુખની હત્યાના ષડયંત્રમાં સામેલ કર્યો હતો. મર્ચેન્ટ પર આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો અને કોન્ટ્રાક્ટ કિલિંગનો આરોપ છે. મર્ચેન્ટ દાવો કર્યો છે કે, ઈરાની ઈસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉપ્ર્સ (IRGC)ના એક હેન્ડલર મેહરદાદ યૂસુફે એપ્રિલ-2024માં તેને અમેરિકા મોકલ્યો હતો અને કહ્યું હતું કે, કદાચ કોઈની હત્યા કરવી પડશે.
ટાર્ગેટ - ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઈડેન, નિક્કી હેલી
આસિફના દાવા મુજબ, ઈરાની હેન્ડલરે તેને ત્રણ સંભવિત ટાર્ગેટ કહ્યા હતા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઈડેન, નિક્કી હેલીનું નામ સામેલ છે. તે સમયે ટ્રમ્પ અને બાઈડેન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી-2024માં પ્રમુખ પદના ઉમેદવાર હતા. જ્યારે નિક્કી હેલી ચૂંટણીના એક મહિના પહેલા જ પ્રમુખ પદના દાવેદારમાંથી બહાર થઈ ગયા હતા.
દસ્તાવેજો ચોરી કરવાનું પણ ષડયંત્ર રચાયું હતું
મર્ચેન્ટે કોર્ટમાં કહ્યું કે, તેણે 2022 અથવા 2023માં ઈરાની જાસૂસો સાથે કામ શરૂ કર્યું હતું. તેણે અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે મની લોન્ડ્રિંગમાં જાસૂસોની મદદ કરી હતી. ત્યારબાદ ઈરાની હેન્ડલરે તેને અમેરિકાના મુખ્ય નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવા અને કેટલાક દસ્તાવેજો ચોરી કરવાનું કામ સોંપ્યું હતું.
આ પણ વાંચો : ઈરાન VS અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ: 6 દિવસમાં 1200થી વધુના મોત, અનેક દેશો લોહીલુહાણ
‘મને ધમકી અપાઈ, મારી પાસે કોઈ વિકલ્પ ન હતો’
આસિફ મર્ચન્ટે ન્યૂયોર્કની કોર્ટમાં કહ્યું કે, ‘મારા પરિવારને ધમકી અપાઈ હતી. ઈરાનમાં રહેતા મારા સંબંધીઓ પર દબાણ કરાયું હતું. મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.’ તેણે કહ્યું કે, તેની પત્ની પાકિસ્તાનમાં તેના ત્રણ બાળકો સાથે રહે છે અને ઈરાનમાં પણ તેના પરિવારના સભ્યો રહે છે. આસિફના જણાવ્યા મુજબ, ઈરાની હેન્ડલરે તેના ઘરની બહાર આવીને પરિવારને હથિયારો દેખાડી ડરાવ્યા-ધમકાવીને દબાણ કરાયું હતું.
FBIએ હિડન કેમેરો ગોઠવ્યો હતો, જેમાં જૂન-2024માં મર્ચન્ટને ક્વીંસની એક મોટલમાં એક રિપબ્લિક નેતા (કોર્ટના દસ્તાવેજોમાં ટ્રમ્પનો ઉલ્લેખ કરાયો તે)ની હત્યાનું ષડયંત્ર રચતા રેકોર્ડ કરાયો હતો. એફબીઆઈના જણાવ્યા મુજબ, ઈરાની હેન્ડલરે આસિફને 5000 ડૉલર એડવાન્સ આપ્યા હતા.
વીડિયોમાં આસિફ બોલી રહ્યો છે કે, ‘આ ટાર્ગેટ છે, આ કેવી રીતે મરશે?’
તેણે કોર્ટમાં આપેલા નિવેદનમાં કહ્યું કે, તે જાણતો હતો કે તેની ધરપકડ કરવામાં આવશે. મને લાગતું હતું કે, ષડયંત્ર સફળ નહીં થાય. મને 5000 ડૉલર મળ્યા હતા. કોઈ આટલા ઓછા પૈસામાં હત્યા ન કરે. હું માનસિક રીતે તૈયાર હતો કે, હું પકડાઈ જઈશ. તેણે દાવો કર્યો કે, તે અમેરિકન સરકારને ષડયંત્રની માહિતી આપવા માંગતો હતો અને ગ્રીન કાર્ડ માટે અરજી કરવા ઈચ્છતો હતો. મર્ચન્ટે પોતાના પર લાગેલા આતંકવાદી અને કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપોનો ઈન્કાર કર્યો છે અને નિર્દોષ હોવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો : હિંદ મહાસાગરમાં ઈરાનના વધુ એક જહાજ પર ખતરો! શ્રીલંકા પાસે માંગી મદદ


