US-Israeli War With Iran : અમેરિકા અને ઈરાન વચ્ચે આજે યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. શરૂઆતમાં અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત હુમલાઓ કરતાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક ટોચના અધિકારીઓ અને નેતાઓના મોત થયા હતા. ખામેનેઈની મોત બાદ ભયાનક સ્થિતિ ઊભી થઈ ગઈ છે. બંને દેશો એકબીજા પર મિસાઇલ અને ડ્રોનથી સતત હુમલાઓ કરી રહ્યા છે. ઈરાને વળતો જવાબ આપીને ઈઝરાયલના તેલ અવીવ, જેરુસલેમ સહિત અનેક શહેરોને ટાર્ગેટ કર્યા છે. એટલું નહીં તેણે મધ્ય-પૂર્વના દેશો કતર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર પણ હુમલાઓ ચાલુ રાખ્યા છે, જેમાં અનેક નાગરિકો અને સૈનિકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ઈરાનના અનેક દેશો પર હુમલા બાદ મધ્ય-પૂર્વમાં સંપૂર્ણ સ્થિતિ બગડી
અમેરિકા-ઈઝરાયલનો ઈરાન પર હુમલો અને ઈરાન દ્વારા મધ્ય-પૂર્વના અનેક દેશો પર હુમલા બાદ મધ્ય-પૂર્વમાં સંપૂર્ણ સ્થિતિ વણસી ગઈ છે. એટલું જ નહીં આ યુદ્ધની અસર છેક શ્રીલંકા પાસે હિંદ મહાસાગરમાં પણ થઈ છે, જેમાં અમેરિકન સબમરીને ટોર્પિડોથી હુમલો કરીને ઈરાનનું યુદ્ધજહાજ તોડી પાડતાં 80થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. આ ઘર્ષણથી સ્પષ્ટ થઈ ગયું છે કે, યુદ્ધની અસર દૂર દૂર સુધી ફેલાઈ રહી છે.

ઈરાનમાં 1230 લોકોના મોત
યુદ્ધમાં સૌથી વધુ ઈરાનને નુકસાન થયું છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 175 વિદ્યાર્થીનીઓ અને શાળાનો સ્ટાફ સહિત 1230 લોકોના મોત થયા છે. ઈરાનની માનવીય સંસ્થા ઈરાની રેડ ક્રેસેન્ટ સોસાયટીએ કહ્યું હતું કે, યુદ્ધના પહેલા જ દિવસે દક્ષિણ શહેર મિનાબમાં એક પ્રાથમિક શાળા પર મિસાઇલ ઝિંકવામાં આવી હતી, જેમાં 175 વિદ્યાર્થીઓના મોત થયા છે. જોકે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કેટલા સૈનિકોના મોત થયા, તેની માહિતી હજુ સામે આવી નથી.

જુઓ કયા દેશોના કેટલા લોકોના મોત
- ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.
- લેબેનૉનના આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ, દેશમાં 77 લોકોના મોત થયા છે.
- બેહરીનના ગૃહમંત્રાલયના રિપોર્ટ મુજબ, મિસાઇલને અટકાવવાની કાર્યવાહી કર્યા બાદ સલમાન ઇન્ડસ્ટ્રિયલ શહેરમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
- કુવૈતના આરોગ્ય અને વિદેશ મંત્રાલયના રિપોર્ટ મુજબ, દેશ પર ઈરાની હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે કુવૈતી સૈનિકો પણ સામે છે.
- ઓમાન દરિયાકાંઠા પાસે માર્શલ આઇલૅન્ડના ધ્વજવાળા ટેન્કર એમકેડી વ્યોપર એક પ્રોક્ટાઇલ ઝિંકાઈ હતી, જેમાં એકનું મોત થયું છે.
- સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે ત્રણ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે.
- અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના રિપોર્ટ મુજબ, કુવૈતમાં એક સૈન્ય ઠેકાણા પર હુમલામાં છ અમેરિકન સૈનિકોના મોત થયા છે.
- સીરિયાના દક્ષિણ શહેર સ્વેઈદામાં એક ઇમારત પર ઈરાની મિસાઇલ પડી હતી, જેમાં ચાર લોકોના મોત થયા છે.
- ઈરાકના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, દેશમાં 13 લોકોના મોત થયા છે, જેમાં 11 મેલિશાયાના લોકો, એક સેનાનો જવાન અને એક નાગરિક સામેલ છે.



