Iran-US Conflict : અમેરિકાની સબમરીને ચોથી માર્ચે શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા પાસે ઈરાની યુદ્ધજહાજ પર ટોર્પિડોથી હુમલો કર્યો હતો, જેમાં જહાજ ડૂબી જવાની સાથે 80 લોકોના મોત થયા હતા, ત્યારે આ જ હિંદ મહાસાગરમાં વધુ એક ઈરાની જહાજ પર ખતરો મંડરાઈ હોવાનું સામે આવ્યું છે. શ્રીલંકાએ કહ્યું કે, તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ઈરાનનું વધુ એક જહાજ ઊભું છે અને તેમણે ઈમરજન્સી મદદ માંગી છે.
શ્રીલંકન સરકારે વધુ એક ઈરાની જહાજ ફસાયું હોવાની માહિતી આપી
શ્રીલંકાએ આજે (5 માર્ચ) કહ્યું છે કે, હિંદ મહાસાગરમાં એક ઈરાની જહાજ ઊભું છે, જે અમારા જળવિસ્તારમાં પ્રવેશ કરવા માટે મંજૂરી માંગી રહ્યા છે. શ્રીલંકન સરકારના પ્રવક્તા અને મંત્રી નલિંદા જયથિસાએ સંસદમાં કહ્યું છે કે, હિંદ મહાસાગરમાં વધુ એક ઈરાની જહાજ ફસાયું હોવાનું સરકારને માહિતી મળી છે અને સરકાર જહાજ પરના લોકોને સુરક્ષિત સુનિશ્ચિત કરતાં પગલાંઓ પર વિચારણા કરી રહી છે. સરકાર ક્ષેત્રીય શાંતિ જાળવી રાખવા માટે અને જહાજ પરના તમામ લોકોની સુરક્ષા માટેના પ્રયાસ કરી રહી છે.
મદદની રાહ જોઈ રહ્યું છે ઈરાની જહાજ
શ્રીલંકન સરકારના પ્રવક્તાના જણાવ્યા મુજબ, હાલ શ્રીલંકાના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ઊભું રહેલું ઈરાની જહાજ મદદની રાહ જોઈ રહ્યું છે, જોકે હજુ તેઓએ અમારા દેશની જળસીમામાં પ્રવેશ કર્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, જહાજે ઈમરજન્સી મદદ માંગી છે.
આ પણ વાંચો : અમેરિકન સબમરીને શ્રીલંકન દરિયાકાંઠા પાસે ઈરાનનું જહાજ ડૂબાડ્યું, 80 લોકોના મોતની આશંકા
અમેરિકાના હુમલામાં ઈરાની જહાજ ડૂબ્યું, 80થી વધુના મોત
ઉલ્લેખનીય છે કે, ચોથી માર્ચના રોજ અમેરિકન સબમરીને પાણીની અંદરની મિસાઇલ ‘ટોર્પિડો’થી ઈરાની જહાજ પર હુમલો કર્યો હતો, જેમાં 80થી વધુ લોકના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે 35 લોકોને બચાવી લેવાયા છે. અમેરિકાએ કોઈપણ ચેતવણી આપ્યા વગર શ્રીલંકાના ગાલે શહેરથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર ઈરાની નૌસેનાના યુદ્ધજહાજ IRIS ડે પર હુમલો કર્યો હતો, જેમાં જહાજ ડૂબી ગયું હતું. રિપોર્ટ મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે દરિયાઈ ક્ષેત્રમાં આ પહેલી ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.
જહાજ પર હુમલા મામલે ઈરાનની અમેરિકાને ચેતવણી
જહાજ પર હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકાને ધમકી આપી છે. અરાઘચીએ એક પોસ્ટમાં લખ્યું છે કે, અમેરિકાએ ઈરાન દરિયાકિનારાથી 2000 માઇલ દૂર દરિયામાં એક જધન્ય અપરાધ કર્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘અમેરિકાએ ભારતીય નૌસેનાના મહેમાન 130 નાવિકોને લઈ જઈ રહેલા જહાજ પર હુમલો કર્યો, તેણે કોઈપણ ચેતવણી આપ્યા વગર આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં હુમલો કરીને અપરાધ કર્યો છે. મારી વાત યાદ રાખજો કે અમેરિકાને આ ગંભીર કૃત્ય બદલ મોટો પસ્તાવો થશે.’
આ પણ વાંચો : 'અમેરિકાએ પસ્તાવું પડશે...' હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી


