Get The App

સંધિ ખત્મ થતાં જ, યુએસ-ચીનમાં તકરાર બે મહાશક્તિઓએ ખેંચી તલવાર : સંકટ ગંભીર બન્યું

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
સંધિ ખત્મ થતાં જ, યુએસ-ચીનમાં તકરાર બે મહાશક્તિઓએ ખેંચી તલવાર : સંકટ ગંભીર બન્યું 1 - image

- ત્રિપક્ષીય મંત્રણામાં સામેલ થવા ચીનનો ઇન્કાર

- અમેરિકાએ ગુપ્ત રીતે પરમાણુ પરિક્ષણ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ચીને તે આક્ષેપોને પાયા વિનાના અને ખોટા પ્રચાર તરીકે જણાવ્યા છે

નવી દિલ્હી : પરમાણુ શસ્ત્રો નિયંત્રિત કરવા માટે, અમેરિકા અને રશિયા વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સંધિ START (ન્યુ સ્ટ્રેટેજિક આર્મ્સ રીડકશન ટ્રીટી) ૫મી ફેબ્રુઆરી ૨૦૨૬માં પૂરી થઈ ગઈ છે. સાથે વૈશ્વિક સલામતી અંગે ચિંતા વધી રહી છે. તેવામાં અમેરિકા અને ચીન સામસામા ઘૂરકી રહ્યા છે. અમેરિકાએ ચીન ઉપર ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્ર પ્રયોગ કરવાનો આક્ષેપ મુક્યો છે. ચીને તે આક્ષેપને મૂળથી જ નકાર્યો છે અને તેને પાયા વિનાનો તથા ખોટા પ્રચાર સમાન કહ્યો છે.

ચીને આ ઘૂઘવાટ તે સમયે શરૂ કર્યો છે કે, જ્યારે દુનિયાના ૮૦ ટકા જેટલા પરમાણુ શસ્ત્રો ધરાવતી બે મહાશક્તિઓ અમેરિકા અને રશિયા તે સ્ટાર્ટ જેવી સંધિ ફરી કરવા માટે વહેલામાં વહેલી તકે મંત્રણા કરવા તૈયાર થયા છે.

જીનીવામાં સંયુકત રાષ્ટ્ર સમર્થિત નિ:શસ્ત્રીકરણ સંમેલનમાં બોલતાં, અમેરિકાના ટોચના શસ્ત્ર નિયંત્રણ અધિકારી, થોમસ ડીનાનોએ કહ્યું હતું કે, ચીન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્ર પરિક્ષણ કરી રહ્યું છે. તેમાં સેંકડો ટનની નિર્ધારિત ક્ષમતાનાં પરિક્ષણો પણ સામેલ છે. ચીનની પરમાણુ નીતિને કોઈ સીમા જ નથી. કોઈ પારદર્શિતા નથી. કોઈ નજર પણ રાખતું નથી. જે વિશ્વ સલામતી માટે ગંભીર ખતરો છે. ચીને અમેરિકાના આ આક્ષેપોને જડ મૂળથી નકાર્યા છે અને તેને ચીન વિરૂધ્ધના અપપ્રચાર સમાન કહ્યા હતા.

ઉલ્લેખનીય તો તે છે કે ન્યૂ સ્ટાર્ટ સંધિ ખત્મ થતાં અમેરિકા કે રશિયાના પરમાણુ બોમ્બ પ્રયોગો ઉપર કોઇ કાનૂની નિયંત્રણ જ રહ્યું નથી. આ સંધિ બંને દેશોને તેમના એટમ-બોંબની સંખ્યા, ૧૫૫૦ સુધી જ સીમિત રાખવા ફરજ પાડતી હતી. હવે તે મર્યાદા આવી ગઈ છે.

બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માર્કોરૂબિયાએ કહ્યું હતું કે આ સંધિમાં ચીનને સામેલ કરવું જરૂરી છે. ચીન તેનો પરમાણુ ભંડાર વધારતું જાય છે. ૨૦૨૦માં તેની પાસે આશરે ૨૦૦ બોંબ હતા, જે વધીને ૬૦૦ થયા છે. ૨૦૩૦ સુધીમાં તેની પાસે ૧૦૦૦ એટમ બોંબ હશે. ચીને તેનો ઇનકાર કરતાં કહ્યું છે તે દ્વિપક્ષીય મંત્રણામાં સામેલ નહીં થાય.