World

દરિયામાં 700 મીટર નીચે સંતાયેલો સોનાનો અખૂટ ભંડાર મળ્યો, ભારતના મિત્ર દેશને લાગી 'લોટરી'

By GS Team
15 Jul 20264 mins read
TukuTouch Logo
વૈજ્ઞાનિકોને જાપાનના દરિયાકિનારે ઊંડા સમુદ્રમાં આવેલા એક સક્રિય જ્વાળામુખીના ક્રેટરમાંથી 'ફૂલ્સ ગોલ્ડ' (પાઇરાઇટ)ની અંદરથી અસલી સોનાનો વિશાળ ભંડાર મળ્યો છે. શિઝુઓકા, વાસેડા અને ટોક્યો યુનિવર્સિટીના સંશોધકોની ટીમે 700 મીટર ઊંડેથી રોબોટિક સબમરીન દ્વારા સેમ્પલ લીધા. આ ખનીજમાં સોનાની સાંદ્રતા 1.9% જેટલી રેકોર્ડબ્રેક ઊંચી છે, જે ભવિષ્યમાં સોનાની નવી ખદાનો શોધવાનો માર્ગ ખોલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દરિયામાં 700 મીટર નીચે સંતાયેલો સોનાનો અખૂટ ભંડાર મળ્યો, ભારતના મિત્ર દેશને લાગી 'લોટરી'

Real Wealth Inside Fool's Gold: વિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્રના ઇતિહાસમાં એક અત્યંત ચોંકાવનારી અને ઐતિહાસિક કહી શકાય તેવી સફળતા વૈજ્ઞાનિકોને મળી છે. સામાન્ય રીતે જે ખનીજને જોઈને લોકો છેતરાઈ જાય છે અને જેને સદીઓથી ‘ફૂલ્સ ગોલ્ડ’ એટલે કે ‘મૂર્ખાઓનું સોનું’ કહેવામાં આવે છે, તેની અંદરથી વૈજ્ઞાનિકોએ અસલી સોનાનો વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે. જાપાનના દરિયા કિનારે ઊંડા સમુદ્રમાં આવેલા એક સક્રિય જ્વાળામુખીના ક્રેટરમાંથી આ અદ્રશ્ય સોનું મળી આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે, આ ખનીજમાં સોનાની સાંદ્રતા અત્યાર સુધી વૈશ્વિક સ્તરે નોંધાયેલી તમામ કિંમતો કરતાં રેકોર્ડબ્રેક સ્તરે વધારે છે. આ શોધે ભવિષ્યમાં વિશ્વભરમાં સોનાની નવી ખદાનો શોધવાનો આખો માર્ગ બદલી નાખ્યો છે.

શું છે સમગ્ર સંશોધન અને ક્યાં મળી આવ્યું સોનું?

જાપાનની પ્રતિષ્ઠિત શિઝુઓકા યુનિવર્સિટી, વાસેડા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ટોક્યોના સંશોધકોની એક સંયુક્ત ટીમે આ અદભુત સંશોધન કર્યું છે. આ સંશોધન અહેવાલ વિજ્ઞાન જગતના જાણીતા જર્નલ 'સાયન્ટિફિક રિપોર્ટ્સ'માં પ્રકાશિત થયો છે.

જાપાનની રાજધાની ટોક્યોથી આશરે 360 કિલોમીટર દક્ષિણમાં પ્રશાંત મહાસાગરમાં જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર ‘હિગાશી-આઓગાશિમા કેલ્ડેરા’ આવેલો છે. આ એક અંડરવોટર જ્વાળામુખી ક્રેટર વિસ્તાર છે, જે સમુદ્રની સપાટીથી લગભગ 700 મીટરની ઊંડાઈએ સ્થિત છે. વૈજ્ઞાનિકોએ આ ઊંડા સમુદ્રના તળિયે સંશોધન કરવા માટે હાઈટેક રોબોટિક સબમરીન (પનડુબ્બી)નો ઉપયોગ કરીને ખડકોના સેમ્પલ એકત્ર કર્યા હતા. આ શોધે વૈશ્વિક સ્તરે જીઓલોજિસ્ટ્સને ભારે આશ્ચર્યમાં મૂકી દીધા છે.

‘ફૂલ્સ ગોલ્ડ’ એટલે કે પાઇરાઇટની અંદર છુપાયેલું છે રહસ્ય

જે ખનીજમાંથી આ સોનું મળ્યું છે તેનું વૈજ્ઞાનિક નામ ‘પાઇરાઇટ’ છે, જે એક પ્રકારનું આયર્ન સલ્ફાઇડ અયસ્ક છે. આ ખનીજનો રંગ પીળો અને તેની ચમક ધાતુ જેવી હોવાથી સામાન્ય અનુભવ વગરના લોકો તેને પહેલી નજરે અસલી સોનું સમજી બેસે છે, એટલા માટે જ તેને ‘ફૂલ્સ ગોલ્ડ’ કહેવાય છે.

સમુદ્રના તળિયે આ સોનું કોઈ સામાન્ય ખદાનોની જેમ દ્રશ્યમાન દાણા કે ટુકડાના સ્વરૂપમાં નથી, પરંતુ તે સીફ્લોર પાઇરાઇટના સ્ફટિક લૅટિસની અંદર એક ‘સોલિડ સોલ્યુશન’ના સ્વરૂપમાં મોજૂદ છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં આ પથ્થરોમાં અત્યંત ઝીણા છિદ્રો કરીને સેકન્ડરી-આયન માસ સ્પેક્ટ્રોમેટ્રી (SIMS) ટેકનોલોજી દ્વારા તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ પાઇરાઇટના કણોમાં 1.9% (વજનના ટકાવારીના આધારે) જેટલી ઊંચી સાંદ્રતામાં અસલી સોનું છુપાયેલું છે, જે વૈજ્ઞાનિકો માટે એક મોટો સરપ્રાઈઝ સાબિત થયો છે.

હાઇડ્રોથર્મલ વેન્ટ્સ અને અગાઉના આંકડાઓ સાથે તુલના

હિગાશી-આઓગાશિમા કેલ્ડેરાના તળિયે 3 સક્રિય હાઇડ્રોથર્મલ ફિલ્ડ આવેલા છે, જેમાં સેન્ટ્રલ કોન, સાઉથઇસ્ટ અને ઇસ્ટ સાઇટનો સમાવેશ થાય છે. આ સ્થાનો પર પૃથ્વીના ક્રસ્ટની નીચેથી મિનરલ્સથી ભરપૂર સુપરહીટેડ પ્રવાહી (અત્યંત ગરમ પાણી) સતત બહાર ફેંકાય છે, જેના કારણે અહીં કાળા ધુમાડાવાળી ચિમનીઓ અને સલ્ફાઇડના મોટા ટીલાઓ બનેલા છે.

વૈજ્ઞાનિકોએ વર્ષ 2015માં આ વિસ્તારમાં પોતાનું સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. તે સમયે પ્રાથમિક તપાસમાં પથ્થરોમાં સરેરાશ 102 પાર્ટ પર મિલિયન સોનું જોવા મળ્યું હતું. આ આંકડો પણ વિશ્વના અન્ય ડીપ-સી ડિપોઝિટ્સ (જ્યાં સોનાનું પ્રમાણ માત્ર 0.01 થી 43 PPM સુધી જ હોય છે)ની સરખામણીમાં ઘણો વધારે હતો. આ વખતે સંશોધકોએ તમામ સક્રિય સાઇટ્સ પરથી સેમ્પલ લીધા હતા અને તેમના કદના આધારે તેને 4 ભાગોમાં વહેંચ્યા હતા.

કઈ રીતે કરાયું પરમાણુ સ્તરે પરીક્ષણ?

આ અદ્રશ્ય સોનાના રહસ્યને ખોલવા માટે વૈજ્ઞાનિકોએ નીચે મુજબની ઝીણવટભરી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અપનાવી હતી:

  • કેટલાક પથ્થરોને પીસીને બારીક પાવડર બનાવવામાં આવ્યો અને માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી તેમાં રહેલા સોના અને આર્સેનિકનું સચોટ માપ લેવાયું.
  • ઇલેક્ટ્રોન બીમ ટેકનોલોજી દ્વારા સીસું, તાંબું અને આર્સેનિક જેવા અન્ય મેટલ્સનું ડિસ્ટ્રિબ્યુશન તપાસવામાં આવ્યું.
  • ત્યારબાદ અલ્ટ્રા-સેન્સિટિવ માઇક્રો-એનાલિટિકલ ટુલ્સનો ઉપયોગ કરીને પથ્થરોના સ્ફટિક માળખાની અંદર પરમાણુ દર પરમાણુ સ્તરે છુપાયેલા સોનાને શોધી કઢાયું.

ક્રિસ્ટલની અંદર સોનું છુપાવાનું રાસાયણિક રહસ્ય

સંશોધકો એ વાતથી સૌથી વધુ હેરાન હતા કે આ સોનું પાઇરાઇટમાં મુક્ત કણો તરીકે નહીં, પરંતુ તેના પરમાણુ માળખામાં વણાયેલું હતું. સંશોધનમાં ખુલાસો થયો છે કે જ્યારે કેલ્ડેરામાં આર્સેનિક, સીસું અને તાંબુ જેવા તત્વો હાજર હોય છે, ત્યારે તેઓ પાઇરાઇટ લૅટિસના બંધારણમાં ફેરફાર કરે છે. આ ફેરફારને કારણે સ્ફટિકમાં ખાલી જગ્યા ઊભી થાય છે, જ્યાં સોનાના મોટા આયનો સરળતાથી ફિટ થઈ જાય છે. પથ્થરોમાં જેમ-જેમ આર્સેનિકનું પ્રમાણ વધે છે તેમ-તેમ સોનાની સાંદ્રતા પણ વધતી જોવા મળી છે, કારણ કે આર્સેનિક સલ્ફરનું સ્થાન લઈ લે છે અને સોનાના પરમાણુઓ માટે જગ્યા બનાવે છે.

ભવિષ્યની સંભાવનાઓ અને ફાયદા

આ સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે તમામ પ્રકારના પાઇરાઇટમાં સોનાનું પ્રમાણ એકસરખું હોતું નથી. તે કઈ જગ્યાએ અને કેવા તાપમાન કે પરિસ્થિતિમાં બન્યા છે તેના પર આધાર રાખે છે. સૌથી વધુ સોનાનો જથ્થો ‘સેન્ટ્રલ કોન’ સાઇટ પર જોવા મળ્યો છે, જ્યાં ગરમ હાઇડ્રોથર્મલ લિક્વિડ સીધું સમુદ્રના ઠંડા પાણી સાથે ટકરાય છે.

આ શોધ સાબિત કરે છે કે આધુનિક માઇક્રો-એનાલિટિકલ સાધનો પૃથ્વી પર છુપાયેલી એવી કિંમતી ધાતુઓને શોધી શકે છે જેને પહેલાં નકામી સમજીને નજરઅંદાજ કરવામાં આવતી હતી. ભવિષ્યમાં પથ્થરોના ટેક્સચર અને કેમિકલ ફિંગરપ્રિન્ટના આધારે દુનિયાના સૌથી સમૃદ્ધ ગોલ્ડ ઝોનની ઓળખ ખૂબ જ સરળતાથી થઈ શકશે.