World

ભારતે રોકાણ કર્યું છે તે ચાબહાર પોર્ટ પર અમેરિકાનો મોટો હુમલો! કંટ્રોલ ટાવર અને સૈન્ય ઠેકાણા ધ્વસ્ત

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ ઈરાનના દક્ષિણ-પૂર્વીય ચાબહાર બંદર પર પહેલીવાર મોટો સૈન્ય હુમલો કર્યો છે. આ હુમલામાં ઈરાનના દરિયાઈ માળખા અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાયા છે, જેના કારણે બ્લાસ્ટ અને વીજળી ગુલ થઈ હતી. આ હુમલાથી આંતરરાષ્ટ્રીય તણાવ વધ્યો છે. ભારત માટે ચાબહાર બંદર મહત્ત્વનું છે કારણ કે તે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર માટે ભારતીય રોકાણનું કેન્દ્ર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે રોકાણ કર્યું છે તે ચાબહાર પોર્ટ પર અમેરિકાનો મોટો હુમલો! કંટ્રોલ ટાવર અને સૈન્ય ઠેકાણા ધ્વસ્ત

US strikes Chabahar port Iran: અમેરિકાએ ઈરાનના દક્ષિણ-પૂર્વીય બંદર શહેર ચાબહાર પર પહેલીવાર મોટો સૈન્ય હુમલો કર્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં થયેલા સીઝફાયર બાદ આ વિસ્તારમાં અમેરિકાની આ પ્રથમ મોટી સૈન્ય કાર્યવાહી છે. આ હુમલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા હવે હોર્મુઝથી આગળ વધીને ઈરાનના હિંદ મહાસાગર સાથે જોડાયેલા દરિયાકાંઠાના વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે.

ચાબહારમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ, વીજળી ગુલ

હુમલા દરમિયાન ચાબહાર શહેરમાં એક પછી એક અનેક બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સતત થયેલા ધડાકા બાદ રાહત અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીઅને નુકસાનની સમીક્ષા શરૂ કરી હતી.

સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો

અમેરિકન સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઈરાનના માત્ર એ દરિયાઈ માળખા અને સૈન્ય ઠેકાણાઓને જ નિશાન બનાવાયા છે, જેનો ઉપયોગ વેપારી જહાજોને ધમકાવવા માટે થતો હતો. અહેવાલો મુજબ, આ હુમલામાં પોર્ટની જેટી, મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવર અને આસપાસના સૈન્ય મથકોને નુકસાન થયું છે, જ્યારે સામાન્ય નાગરિકોના વિસ્તારો અને ઓઇલ જેવા મહત્ત્વના માળખાને જાણીજોઈને નુકસાનથી બચાવી લેવાયા છે.

ભારત માટે કેમ મહત્ત્વનું છે ચાબહાર પોર્ટ?

ચાબહાર બંદરની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે હોર્મુઝની બહાર ઓમાનની ખાડીમાં આવેલું છે. આ ઈરાનનું એકમાત્ર એવું ઊંડા પાણીનું દરિયાઈ બંદર છે જે તેને સીધું હિંદ મહાસાગર સાથે જોડે છે અને ઈરાન માટે તે આર્થિક રીતે કરોડરજ્જુ સમાન છે. ભારત માટે પણ આ પોર્ટ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે ભારતે દક્ષિણ એશિયાને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડતા વેપારી માર્ગ માટે અહીં મોટું રોકાણ કર્યું છે, જેથી પાકિસ્તાન પર નિર્ભર રહેવું ન પડે.

અમેરિકન પ્રમુખે આપી ચેતવણી, તણાવ વધ્યો

અત્યાર સુધી અમેરિકાના મોટાભાગના હુમલા બંદર અબ્બાસ અને હોર્મુઝની આસપાસના સૈન્ય ઠેકાણાઓ સુધી જ મર્યાદિત હતા, પરંતુ ચાબહાર પરનો આ હુમલો દર્શાવે છે કે અમેરિકા હવે ઈરાનના છેક પૂર્વીય દરિયાકાંઠા સુધી એક્શન લેવા તૈયાર છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ સીઝફાયરનો અંત આવી ગયો હોવાનું જાહેર કર્યું હતું અને ઈરાન પર વેપારી જહાજો પર હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે આ હુમલાનો હેતુ દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવાનો છે, જ્યારે બીજી તરફ ઈરાને આ હુમલાને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવીને કડક ચેતવણી આપી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે તણાવ વધી ગયો છે.