World

ઇરાન યુદ્ધમાં અમેરિકાનું 2500 કરોડ ડોલરનું આંધણ, ઈરાનનું રિયાલ 18 લાખના નવા તળિયે

By GS Team
30 Apr 20263 mins read
TukuTouch Logo
અમેરિકાને ઇરાન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં અંદાજે 25 અબજ ડોલરનો ખર્ચો થયો છે, એમ પેન્ટાગોનના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે નીતિગત ઘડવૈયાઓ સમક્ષ જણાવ્યું હતું. હાઉસ આર્મ્સ કમિટી સમક્ષ સુનાવણી દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના નાણા દારુગોળા પાછળ ખર્ચવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇરાની ચલણ રિયાલે નવું જ તળિયું બનાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન યુદ્ધમાં અમેરિકાનું 2500 કરોડ ડોલરનું આંધણ, ઈરાનનું રિયાલ 18 લાખના નવા તળિયે

- પેન્ટાગોનના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરનું આર્મ્સ કમિટી સમક્ષ નિવેદન

- અમેરિકન કોંગ્રેસની આર્મ્સ કમિટીએ ઇરાન યુદ્ધ મુદ્દે હેગસેથનો ઉધડો લીધો

Donald Trump News : અમેરિકાને ઇરાન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં અંદાજે 25 અબજ ડોલરનો ખર્ચો થયો છે, એમ પેન્ટાગોનના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે  નીતિગત ઘડવૈયાઓ સમક્ષ જણાવ્યું હતું. હાઉસ આર્મ્સ કમિટી સમક્ષ સુનાવણી દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના નાણા દારુગોળા પાછળ ખર્ચવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇરાની ચલણ રિયાલે નવું જ તળિયું બનાવ્યું છે. 

અમેરિકન લશ્કરે આ ઉપરાંત તેની લશ્કરી કામગીરી અને સાધનો પાછળ પણ ખર્ચ કર્યો છે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે અમેરિકા ઇરાન સામેના યુદ્ધમાં રોજના એક અબજ ડોલર ખર્ચી રહ્યુ છે અને હવે આ યુદ્ધના બે મહિના થયા ત્યારે આ ખર્ચો 60 અબજ ડોલરથી પણ વધુ થયો હોવાનો અંદાજ અમેરિકન નિષ્ણાતો મૂકતા હતા. 

આ નિષ્ણાતોની સામે પેન્ટાગોનનો રિપોર્ટ અલગ જ વાત કહે છે. કેટલાયને શંકા છે કે કદાચ બાકીના ખર્ચા ટ્રમ્પ તંત્રએ બીજા ખર્ચામાં નાખી દીધા હોય તો આશ્ચર્ય નહી લાગે, કારણ કે જંગી ખર્ચ જોઈને કદાચ તેમણે મોટાપાયા પર સવાલોનો સામનો કરવો પડે. તેથી ટ્રમ્પ તંત્ર દ્વારા દર્શાવવામાં આવતા આંકડા પર પણ ભરોસો કરવો અઘરો થઈ પડે છે. 

જ્યારે ઇરાનનું ચલણ એક ડોલર સામે 18 લાખ રિયાલના સ્તરે પહોંચી ગયુ હતુ, જે બતાવે છે કે ઇરાનના અર્થતંત્રની હાલત કેવી થઈ છે. અર્થતંત્રની આટલી ખરાબ સ્થિતિ છતાં પણ ઇરાન હજી પણ અમેરિકા સામે જરા પણ નમતુ જોખવાના મૂડમાં નથી. 

ઇરાનને યુદ્ધવિરામ કરવા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફરીથી ચેતવણી આપી છે. ટ્રમ્પે ઇરાનને લઈને જણાવ્યું હતું કે તહેરાન પોતાના મામલાને યોગ્ય રીતે સંભાળી રહ્યું નથી. તેમને ખબર જ નથી કે પરમાણુ રહિત સમજૂતી કેવી રીતે કરી શકાય છે. તે ઝડપથી સમજદારી બતાવે તે યોગ્ય હશે. ટ્મ્પે આ બધી વાતો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેની સાથે તેમણે ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં ટ્રમ્પના હાથમા ઓટોમેટિક ગન બતાવાય છે અને પાછળ વિસ્ફોટો થતાં બતાવાય છે.

ટ્રમ્પ ઇરાન સાથે ડીલ ન થાય તેવા સંજોગોમાં હોર્મુઝમાં લાંબા સમય માટે ઘેરાબંધી કરવાનું પણ આયોજન ધરાવે છે. આમ ઇરાને જેમ હોર્મુઝને હથિયાર બનાવ્યું હતું તે ટ્રમ્પ હવે હોર્મુઝને હથિયાર બનાવવા તૈયાર છે. તેમણે અધિકારીઓને ઇરાનની લાંબા સમયગાળા માટે ઘેરાબંધી કરવાનુઁ આયોજન તૈયાર કરવાની સૂચના આપી છે. ટ્રમ્પ આ રીતે ઇરાનને આર્થિક ફટકો મારવાનું આયોજન ધરાવે છે. 

અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ પહેલી જ વખત હાઉસ ઓફ આર્મ્સ કમિટી સમક્ષ આકરા સવાલોનો સામનો કરી રહ્યા છે. તેમા અમેરિકાનું સંરક્ષણ બજેટ વધારીને ૧.૫ લાખ કરોડ ડોલર કરવાની બજેટ દરખાસ્તનો પણ સમાવેશ થાય છે. હેગસેથ અને ચેરમેન ઓફ જોઇન્ટ સ્ટાફ જનરલ ડેન કેઇન ડ્રોન્સ, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સ અને યુદ્ધજહાજોની જરૂરિયાતનું કારણ સમજાવવું પડશે.

ડેમોક્રેટ્સ ઇરાન યુદ્ધના વધતા જતા ખર્ચ સામે સવાલ ઉઠાવી શકે છે. આ ઉપરાંત યુદ્ધમાં સ્કૂલ પર થયેલા બોમ્બાર્ડિંગના સવાલનો જવાબ પણ તેમણે આપવો પડી શકે છે. તેની સાથે માર્યા ગયેલા અમેરિકનો અંગે જણાવવુ પડી શકે છે અને મધ્યપૂર્વમાં યુદ્ધમાં અમેરિકન બેઝને થયેલા નુકસાનની વિગત આપવી પડી શકે છે.

હાઉસ આર્મર્ડ સર્વિસિસ કમિટીના ટોચના ડેમોક્રેટ એડમ સ્મિથે હેગસેથને પૂછયુ હતુ કે તેમને તે વાત મૂર્ખામીભરી લાગે છે કે પેન્ટાગોનની વ્યૂહરચના કોઈ વાસ્તવિક આધાર પર બનાવવામાં આવી હોય. મધ્યપૂર્વને નવો આકાર આપવા ઇરાનમાં યુદ્ધ તો શરૂ કરી દીધુ, પરંતુ સ્થિતિ સાવ વિપરીત છે. હેગસેથ સમજાવે કે મધ્યપૂર્વના યુદ્ધમાં ટ્રમ્પ તંત્રએ ગયા ધ્યેયો હાંસલ કર્યા, આ યુદ્ધનો હેતુ શું હતો. આ યુદ્ધ ક્યાં જઈ રહ્યું છે. અત્યાર સુધી કયા ધ્યેય હાંસલ કરાયા. યુદ્ધનો ખર્ચ તો આકાશને આંબી રહ્યો છે. 

યુએન પરમાણુ નિરીક્ષકનું માનવું છે કે ઇરાનનો સંવર્ધિત યુરેનિયમનો જથ્થો ઇસ્ફહાન ખાતે છે, જ્યાં ગયા વર્ષે અમેરિકા-ઇઝરાયેલે બોમ્બમારો કર્યો હતો. ઇરાને યુદ્ધ શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં 21ને મોતની સજા ફરમાવી છે.