India

ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી

By GS Team
17 Oct 20263 mins read
TukuTouch Logo
ચૂંટણી પંચમાં મોટાપાયે ફેરબદલ જોવા મળ્યો છે. મતદાર યાદીના SIR મુદ્દે રાજકીય ઘમાસાણ વચ્ચે, 2025 અને 2026માં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 18થી 20 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી કરાઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીના 20 મહિનાના કાર્યકાળમાં આ સૌથી મોટી કવાયત મનાય છે, જેમાં ઘણા અધિકારીઓ 3 વર્ષ પહેલાં જ બદલાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી

Major Reshuffle in Election Commission: મતદાર યાદીના SIRને લઈને દેશભરમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચના વહીવટી માળખામાં પણ મોટાપાયે ફેરફાર જોવા મળ્યા છે. વર્ષ 2025 અને 2026 દરમિયાન રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 18થી 20 મુખ્ય ચૂંટણી અધિકારીઓ(CEO)ની બદલી કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ફેબ્રુઆરી 2025માં પદભાર સંભાળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીના 20 મહિનામાં થયેલી આ બદલીઓને ટૂંકા ગાળામાં અધિકારીઓની ફેરબદલીની સૌથી મોટી કવાયતોમાંની એક માનવામાં આવી રહી છે. એક અહેવાલ અનુસાર, આ સમયગાળા દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારીઓ ઉપરાંત ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ, ખાસ કરીને નાયબ ચૂંટણી કમિશનરો(DEC)ના સ્તરે પણ અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છે.

અગાઉના કાર્યકાળમાં કેટલા અધિકારીઓની બદલી થઈ?

આંકડા અનુસાર, છેલ્લાં કેટલાંક વર્ષોમાં પણ મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થતી રહી છે, પરંતુ 2025-26નો સમયગાળો તુલનાત્મક રીતે વધુ વ્યસ્ત રહ્યો છે.

  • ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધી: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળના શરૂઆતના 20 મહિનામાં આશરે 18થી 20 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થઈ.
  • મે 2022થી ફેબ્રુઆરી 2025: ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના આશરે 33 મહિનાના કાર્યકાળ દરમિયાન લગભગ 23 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ સમયગાળામાં 2024ની લોકસભા ચૂંટણી પણ યોજાઈ હતી.
  • તે પહેલાંના 41 મહિના: મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને સુશીલ ચંદ્રાના કાર્યકાળ દરમિયાન આશરે 29 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થઈ હતી. આ સમયગાળામાં પણ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.

અહેવાલ અનુસાર, લોકસભાની ચૂંટણીઓ દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થવી સામાન્ય બાબત છે. જો કે, 2025 અને 2026માં અધિકારીઓની ફેરબદલીની પ્રક્રિયા વધુ ઝડપી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

ત્રણ વર્ષ પૂરા થાય તે પહેલાં જ અનેક અધિકારીઓની બદલી

વહીવટી કામગીરીમાં સાતત્ય જાળવવા માટે ચૂંટણી પંચ સામાન્ય રીતે મુખ્ય ચૂંટણી અધિકારીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પદ પર રાખે છે. જો કે, ઉપલબ્ધ આંકડા અનુસાર, તાજેતરની ફેરબદલીમાં ઓછામાં ઓછા સાત અધિકારીઓ એવા હતા, જેમણે આ પદ પર બે વર્ષથી પણ ઓછો સમય વિતાવ્યો હતો. વર્ષ 2025માં આઠથી નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ બદલવામાં આવ્યા હતા. ત્યારબાદ 2026માં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી વધુ 10 બદલીઓ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

બિહારથી શરૂ થયો મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલીનો સિલસિલો

અહેવાલ અનુસાર, વર્ષ 2025માં મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલીની શરૂઆત બિહારથી થઈ હતી. મતદાર યાદીના SIRની પ્રક્રિયામાંથી પસાર થનારું બિહાર પ્રથમ રાજ્ય હતું.

  • એપ્રિલ 2025: વિનોદ સિંહ ગુંજિયાલે એચ.આર. શ્રીનિવાસના સ્થાને બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પદભાર સંભાળ્યો.
  • મે 2025: નાગાલૅન્ડ અને છત્તીસગઢમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ બદલવામાં આવ્યા.
  • જૂન 2025: જમ્મુ-કાશ્મીર અને હરિયાણાને નવા મુખ્ય ચૂંટણી અધિકારીઓ મળ્યા.
  • જુલાઈ 2025: મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં નવા મુખ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.
  • ઑગસ્ટ 2025: મણિપુર અને લદાખમાં નવા અધિકારીઓએ જવાબદારી સંભાળી.
  • 2025ના અંતમાં: SIRના બીજા તબક્કાની શરૂઆતના થોડા દિવસ પહેલાં કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના મુખ્ય ચૂંટણી અધિકારીની બદલી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.