- નેવી સીલનું હોલિવૂડ સ્ટાઈલમાં 48 કલાકનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
- એફ-15નો એરમેન જીવ બચાવવા 48 કલાક પર્વતોમાં 7000 ફૂટની ઊંચાઈ પર છૂપાઈ ગયો હતો એરમેનને બચાવવામાં હથેળી આકારની કોમ્બેટ સર્વાઈવર ઈવેડર લોકેટર કમ્યુનિકેશન ડિવાઈસે મહત્વની ભૂમિકા ભજવી
દુબઈ/વોશિંગ્ટન: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ઈરાને અમેરિકાનું ફાઈટર જેટ એફ-૧૫ તોડી પાડયું હતું. ટુ-સીટર ફાઈટર જેટના એક પાયલટને અમેરિકાએ સુરક્ષિત બચાવી લીધો હતો જ્યારે બીજો એરમેન ઈરાનમાં લાપતા હતો. સળગતા ફાઈટર જેટમાંથી કૂદી પડેલો એરમેન જીવ બચાવવા ઈરાનના પર્વતો પર ૭,૦૦૦ ફૂટની ઊંચાઈ પર જતો રહ્યો હતો. ૪૮ કરતા કરતાં વધુ સમય સુધી ઈરાનમાં રહેલા આ એરમેનને અમેરિકાની સ્પેશિયલ ફોર્સે હોલિવૂડ ફિલ્મ સ્ટાઈલનું ઓપરેશન હાથ ધરી અંતે બચાવી લીધો હતો. એરમેન માટેના જીવન મરણ સમાન આ અભિયાનને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સૈન્યનું સૌથી સાહસિક સર્ચ અને રેસ્ક્યુ અભિયાન ગણાવ્યું હતું.
અમેરિકન સૈન્ય ઈતિહાસમાં પહેલી વખત બે પાયલટોને દુશ્મનના વિસ્તારમાંથી અલગ-અલગ અભિયાનોમાં બચાવી લેવાયા : ટ્રમ્પ
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધને પાંચ સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે ઈરાને શુક્રવારે અમેરિકાનું એફ-૧૫ઈ સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ તોડી પાડયું હતું, જેના એક પાયલટને અમેરિકાએ ટૂંકા સમયમાં જ બચાવી લીધો હતો જ્યારે અન્ય એક એરમેન લાપતા થઈ ગયો હતો. તે ઈરાનના સૈનિકોથી જીવ બચાવવા માટે ઇરાનના પર્વતોમાં છુપાઈ ગયો હતો. આ એરમેનને ઈરાનમાંથી બચાવીને પાછો લાવવાના અભિયાનને પ્રમુખ ટ્રમ્પ પોતાની જીત સમાન ગણાવ્યું હતું.
આ અભિયાન અંગે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, અમે તેને બચાવી લીધો છે. છેલ્લા કેટલાક કલાકોમાં અમેરિકન સેનાએ આપણા એક ઉત્કૃષ્ટ અધિકારી, જે એક સન્માનિત કર્નલ પણ છે તેમને બચાવી લીધા. સ્પેશિયલ ફોર્સે અમેરિકન ઈતિહાસના સૌથી સાહસિક સર્ચ અને રેસ્ક્યુ અભિયાનોમાંથી એકને સફળતાપૂર્વક પાર પાડયું છે. મને તમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે તે હવે સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત છે.
અમેરિકન સૈન્ય એરમેનના લોકેશન પર ૨૪ કલાક નજર રાખી રહ્યું હતું અને તેને બચાવવા અભૂતપૂર્વ યોજના બનાવી રહ્યું હતું. કર્નલને પાછા લાવવા માટે અમેરિકન સૈન્યે દુનિયાના સૌથી ઘાતક હથિયારોથી સજ્જ કેટલાક વિમાનો મોકલ્યા હતા. કર્નલને થોડીક ઈજાઓ થઈ છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે સાજા થઈ જશે. તેમને ઈરાનની સરહદમાંથી બહાર કાઢી લેવાયા છે.
એફ-૧૫ના એરમેનને બચાવવા માટે અમેરિકાની વિશેષ કમ્યુનિકેશન ડિવાઈસ કોમ્બેટ સર્વાઈવર ઈવેડર લોકેટરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈરાનના સૈનિકોથી છુપાતા એરમેન આ ડિવાઈસની મદદથી સતત અમેરિકન સૈન્યને પોતાના લોકેશનની જાણ કરતો રહ્યો હતો. હથેળીના કદની આ ડિવાઈસ પાયલટના સર્વાઈવલ જેકેટમાં ફીટ કરાય છે.
અમેરિકન સૈન્યે બે દિવસ સુધી ચલાવેલા આ ખતરનાક રેસ્ક્યુ ઓપરેશનમાં નેવી સીલના સેંકડો ઓપરેશન સૈનિકોને તૈનાત કર્યા હતા. આ ટીમ ઈરાનની અંદર સુધી ગઈ હતી. આ ઓપરેશન માટે અમેરિકન સૈન્યે એચએચ-૬૦ ડબલ્યુ જોલી ગ્રીન-૨ રેસ્ક્યુ હેલિકોપ્ટર, એ-૧૦ વાર્થોગ ફાઈટર વિમાન, એચસી-૧૩૦ ટેન્કર, એફ-૩૫ સ્ટીલ્થ જેટ અને સ્પેશિયલ ફોર્સને તૈનાત કર્યા હતા.
ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકન સેના દ્વારા હાથ ધરવામાં આવેલું બચાવ અભિયાન ચમત્કારિક હતું. સૈન્ય ઈતિહાસમાં પહેલી વખત બે અમેરિકન પાયલટોને દુશ્મનના વિસ્તારમાં ખૂબ જ અંદરથી અલગ અલગ અભિયાનોમાં બચાવી લેવાયા છે. અમે ક્યારેય કોઈપણ અમેરિકન યોદ્ધાને પાછળ નહીં છોડીએ. અમે ઈરાનના આકાશમાં પોતાનું હવાઈ વર્ચસ્વ અને શ્રેષ્ઠતા હાંસલ કરી લીધું છે.


