World

અમેરિકન ન્યૂઝ ચેનલો વિફરી, પ્રમુખ ટ્રમ્પનો 'બહિષ્કાર' કરી ફેડરલ કોર્ટમાં કેસ કર્યો

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં ટ્રમ્પ સરકારે CNN, MS Now, Politico જેવા મીડિયા પર પ્રતિબંધ મૂકતા, અમેરિકન મીડિયાએ વિરોધ કર્યો. વ્હાઈટ હાઉસના કવરેજ પર પ્રતિબંધ સામે ફેડરલ કોર્ટમાં કેસ થયો છે. જનતાને સચોટ માહિતી મેળવવાનો અધિકાર હોવાની દલીલ છે. ટ્રમ્પે "ટ્રમ્પ ટીવી" ચેનલ પણ શરૂ કરી છે. આ ઘટનાથી જિનપિંગની મુલાકાતનું કવરેજ પણ પ્રભાવિત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન ન્યૂઝ ચેનલો વિફરી, પ્રમુખ ટ્રમ્પનો 'બહિષ્કાર' કરી ફેડરલ કોર્ટમાં કેસ કર્યો
  • ટ્રમ્પે સીએનએન, એમએસ નાઉ અને પોલિટિકો પર મૂકેલા પ્રતિબંધનો અમેરિકન મીડિયા દ્વારા વિરોધ
  • જનતાને પોતાની સરકાર અંગે સચોટ અને સ્વતંત્ર માહિતી મેળવવાનો અધિકાર : ફેડરલ કોર્ટમાં મીડિયા નેટવર્કની દલીલ
  • યુએનમાં ટ્રમ્પના પ્રવાસના વીડિયો ફીડ પર મોટી અસર પડી, આજથી શરૂ થતી જિનપિંગની મુલાકાતના કવરેજ પર અસરની આશંકા
  • ચેનલોને પાઠ ભણાવવા વ્હાઈસ હાઉસે ટ્રમ્પ ટીવી નામની ચેનલ શરૂ કરી

વ્હાઈટહાઉસ : દુનિયાના સૌથી જૂના લોકતંત્રોમાંના એક અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પે મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારતા અમેરિકાની ટોચની ચેનલોએ એક સાથે અવાજ ઊઠાવ્યો છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે પહેલી વખત અમેરિકા આવી રહ્યા છે આવા સમયે અમેરિકન મીડિયા ચેનલોએ પ્રમુખ ટ્રમ્પનો બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં તેમણે અમેરિકન સમાચાર સંસ્થાઓ સીએનએન, એમએસ નાઉ અને પોલિટિકોના વ્હાઈટ હાઉસ કવરેજ પર પ્રતિબંધ મૂકવાના પ્રમુખ ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ કર્યો છે. બીજીબાજુ અમેરિકન મીડિયાના વિરોધ વચ્ચે વ્હાઈટ હાઉસે પ્રમુખ ટ્રમ્પનું કવરેજ બતાવવા માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્રમ્પ ટીવી લોન્ચ કરી દીધું છે.
ટ્રમ્પ સરકારે શુક્રવારે અમેરિકાની ટોચની સમાચાર ચેનલો સીએનએન, એમએસ નાઉ અને પોલિટિકોના પત્રકારોને વ્હાઈટ હાઉસના કવરેજ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેના ભાગરૂપે સોમવારે સીએનને પ્રમુખ ટ્રમ્પના કાર્યક્રમનું નિર્ધારિત કરવરેજ કરતાં રોકવામાં આવી હતી. ટ્રમ્પ સરકારના આ પગલાંના વિરોધમાં અમેરિકન મીડિયાની ટોચની ન્યૂઝ ચેનલો સીએનએન, ફોક્સ ન્યૂઝ, એબીસી ન્યૂઝ, સીબીએસ ન્યૂઝ અને એનબીસી ન્યૂઝે સાથે મળીને સંયુક્તરૂપે વ્હાઈટ હાઉસના પ્રમુખ ટ્રમ્પના પૂલ કવરેજનું પ્રસારણ નહીં કરવાની જાહેરાત કરી હતી.
અમેરિકાની અગ્રણી ન્યૂઝ ચેનલોએ પ્રમુખ ટ્રમ્પના કવરેજનો બહિષ્કાર કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ટ્રમ્પના પ્રવાસના વીડિયો ફીડ પર મોટી અસર પડી છે. વધુમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અમેરિકા સાથે ટેરિફ વિવાદ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે પહેલી વખત અમેરિકા આવી રહ્યા છે. તેવા સમયે પ્રમુખ ટ્રમ્પના કવરેજના બહિષ્કારની પણ મોટી અસર પડી શકે છે.
અમેરિકાની ટોચની ચેનલોએ વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં કેસ કરતાં આરોપ મૂક્યો છે કે ટ્રમ્પ સરકાર દ્વારા પસંદગીની ચેનલો પર પ્રતિબંધ મૂકવો એ કાયદાનો ભંગ છે. મીડિયા નેટવર્કોએ કહ્યું કે, જનતાને પોતાની સરકાર અંગે સચોટ અને સ્વતંત્ર માહિતી મેળવવાનો અધિકાર છે. કોઈપણ સરકાર કોઈ સમાચાર સંસ્થાના રિપોર્ટિંગ પર વાંધો હોવાના કારણે તેના પર પ્રતિબંધ મૂકી શકે નહીં.
વ્હાઈટ હાઉસે મીડિયા નેટવર્કના બહિષ્કાર અંગે કોઈ ટીપ્પણી કરી નથી. પરંતુ ટ્રમ્પે સોશિય મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, વ્હાઈટ હાઉસ સ્વતંત્ર પ્રેસને ટાર્ગેટ નથી કરી રહ્યું.
તે ફેક ન્યૂઝ પર હુમલો કરી રહ્યું છે, જે અમેરિકામાં કેન્સરની જેમ ફેલાયું છે. તે ભ્રષ્ટ, સમન્વિત અને સંપૂર્ણપણે નિયંત્રણથી બહાર છે. તે આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. તેને હવે રોકવું જોઈએ.
દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ટ્રમ્પનો બહિષ્કાર કરી તેમના એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા પછી ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ શરૂ કર્યું હતું. તે જ રીતે મીડિયા નેટવર્ક્સે ટ્રમ્પો બહિષ્કાર કરતા વ્હાઈટ હાઉસે ટ્રમ્પ ટીવી નામથી ૨૪ ક્લાક ચાલતું નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ પર ટ્રમ્પના જૂના ભાષણ, જાહેર કાર્યક્રમના વીડિયો, સરકારી જાહેરાતો અને સરકાર સંબંધિત માહિતીઓનું પ્રસારણ કરાશે.