World

રશિયા-યુક્રેન યુદ્ધને ભડકાવવાનું કામ કરશે અમેરિકા, 11 કરોડ ડૉલરના હથિયારોની 'ડીલ'

By GS Team
23 May 20263 mins read
TukuTouch Logo
રશિયા-યુક્રેન યુદ્ધ પાંચમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યુ છે ત્યારે રશિયાના ચાલુ વર્ષે વધુને વધુ તીવ્ર બનેલા હુમલાનો પ્રતિકાર કરવા માટે અમેરિકા યુક્રેનને લગભગ 11 કરોડ ડોલરના શસ્ત્રોનું વેચાણ કરવા તૈયાર થયું છે. યુક્રેનને આ સોદા પેટે મળનારી મિડ રેન્જ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમથી ટકી રહેવામાં મદદ મળશે. આ દરમિયાન યુક્રેનના હુમલામાં રશિયામાં ચારના મોત થયાનો રશિયાએ દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા-યુક્રેન યુદ્ધને ભડકાવવાનું કામ કરશે અમેરિકા, 11 કરોડ ડૉલરના હથિયારોની 'ડીલ'

- પુતિનની ચીન મુલાકાત બાદ રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો સળવળાટ

- રશિયાના યુક્રેન પરના હુમલામાં ચાલુ વર્ષે 21 ટકા વધારો, ચાર મહિનામાં કુલ 815ના મોત, 4,174 ઇજાગ્રસ્ત

- યુક્રેને વ્યૂહરચના બદલી: રશિયામાં  700 થી 800 કિ.મી. અંદર જઈ ડ્રોન વડે બે ઓઇલ રીફાઇનરી પર હુમલા કર્યા

Donald Trump News : રશિયા-યુક્રેન યુદ્ધ પાંચમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યુ છે ત્યારે રશિયાના ચાલુ વર્ષે વધુને વધુ તીવ્ર બનેલા હુમલાનો પ્રતિકાર કરવા માટે અમેરિકા યુક્રેનને લગભગ 11 કરોડ ડોલરના શસ્ત્રોનું વેચાણ કરવા તૈયાર થયું છે. યુક્રેનને આ સોદા પેટે મળનારી મિડ રેન્જ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમથી ટકી રહેવામાં મદદ મળશે. આ દરમિયાન યુક્રેનના હુમલામાં રશિયામાં ચારના મોત થયાનો રશિયાએ દાવો કર્યો છે.

યુક્રેનને ગ્રાઉન્ડ ટુ એરહોક મિસાઇલના ઉપકરણો, સ્પેરપાર્ટ્સ,  લોજિસ્ટિક્સનું પણ વેચાણ કરાશે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ વેચાણના કારણે યુક્રેન વર્તમાન અને ભાવિ બંને પ્રકારના આક્રમણોને પહોંચી વળવા માટે સજ્જ થશે. 

રશિયન સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે યુક્રેને રશિયાએ કબ્જે કરેલા લુહાન્સ્ક વિસ્તાર પર કરેલા ડ્રોન હુમલામાં ડોર્મિટરીમાં રહેતા ચારના મોત થયા છે અને બીજા 39ને ઇજા પહોંચી છે. હજી પણ 18 લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાનું કહેવાય છે. 

ક્રેમલિનના પ્રવકતા પેસ્કોવે આ હુમલાની આકરી ટીકા કરી હતી. તેને ગંભીર ગુનો ગણાવ્યો હતો. જો કે યુક્રેનિયન સત્તાવાળાઓએ કોઈ ટિપ્પણી કરી નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે 217 યુક્રેનિયન ડ્રોન આંતર્યા છે, આ ડ્રોન રશિયાના અનેક વિસ્તારો પર હુમલો કરવા આવ્યા હતા. તેમા મોસ્કો વિસ્તાર અને સેન્ટ પિટર્સબર્ગનો પણ સમાવેશ થાય છે.

આ મહિનામાં ચોથી વખત યુક્રેને યારોસ્લાવલ ઓઇલ રીફાઇનરી પર હુમલો કર્યો હતો. આ રીફાઇનરી સરહદથી 700 કિલોમીટર અંદર આવેલી છે. યુક્રેન રશિયાના ક્રૂડ ઓઇલથી થતા વેચાણથી થતું યુદ્ધનું ફંડિગ રોકવા સતત તેના ઓઇલ પ્લાન્ટ પર હુમલા કરી રહ્યું છે. 

યુક્રેને આ ઉપરાંત વધુ એક રશિયન ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો. યુક્રેન સરહદથી રશિયાની અંદર 800 કિલોમીટર આવેલી સિઝરન રીફાઇનરી પર યુક્રેને ડ્રોન હુમલો કર્યો હતો. આ રિફાઇનરી રશિયાની રોસનેફ્ટની માલિકીની છે. આમ યુક્રેને એક પછી એક રશિયાની ઓઇલ એસેટ્સને નુકસાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. યુક્રેને યુદ્ધની વ્યૂહરચના બદલતા રશિયાના ઓઇલ ટાર્ગેટ્સ પર મોટાપાયા પર હુમલા કરવા માંડયા છે, જેથી રશિયા ઓઇલ વેચીને કમાણી કરતું અટકી જાય. તેની આ વ્યૂહરચના સફળ પુરવાર થઈ રહી છે. તેના લીધે રશિયાના ઓઇલ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમે રશિયન ઓઇલ રિફાઇનરીઝ, સ્ટોરેજ ફેસિલિટીઝ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચરને ટાર્ગેટ બનાવતા રહીશું, જેમાથી તે ઓઇલની આવક રળે છે. 

યુક્રેનને એરફોર્સે જણાવ્યું હતું કે તેણે રાત્રે ત્રાટકેલા 124 રશિયન ડ્રોનમાંથી 115ને ખતમ કર્યા છે કે જામ કરી દીધા છે. રશિયાના હુમલામાં એક બાળકને ઇજા થઈ છે. જ્યારે દક્ષિણી યુક્રેનમાં ખેરસનમાં રશિયન ડ્રોન હુમલામાં એકનું મોત થયું હતું. યુએનના જણાવ્યા મુજબ આ વર્ષે ચાલુ મહિનામાં રશિયન હુમલામાં યુક્રેનની જાનહાનિમાં ૨૧ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, જે યુદ્ધના આટલા વર્ષોમાં સૌથી વધુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં યુક્રેનમાં 815ના મોત થયા છે અને 4174ને ઇજા થઈ છે.