World

500% ટેરિફની ધમકી આપનારા અમેરિકાએ ભારત માટે ચેન્જ કર્યો પ્લાન, હવે શું છે ટ્રમ્પના ઈરાદા?

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી અંગે અમેરિકાના તેવર બદલાયા છે. પહેલા ભારત પર 500% ટેરિફની ધમકી આપનાર અમેરિકાએ હવે 100% વધારાનો ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકન સીનેટમાં રશિયા સેન્ક્શન બિલના નવા ડ્રાફ્ટમાં ભારત-ચીનને મોટી રાહત મળી છે. વૈશ્વિક બજાર અને સંબંધો બગડવાની ભીતિએ અમેરિકાએ નરમાઈ દાખવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

500% ટેરિફની ધમકી આપનારા અમેરિકાએ ભારત માટે ચેન્જ કર્યો પ્લાન, હવે શું છે ટ્રમ્પના ઈરાદા?
IMAGE - IANS

US Tariff Threat India: રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસની ખરીદી કરવા બદલ ભારત પર ભારે-ભરકમ દંડ લગાવવાની તૈયારી કરી રહેલા અમેરિકાના તેવર હવે બદલાયેલા જોવા મળી રહ્યા છે. અમેરિકાએ હવે ભારત પર 100% વધારાનો ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ સામે રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટ્રમ્પ પ્રશાસને સંસદમાં એક બિલ રજૂ કરીને ભારત પર 500% ટેરિફ લગાવવાની પેરવી કરી હતી, જેનું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ સમર્થન કર્યું હતું. જોકે, હવે અમેરિકાએ પોતાના આકરા વલણમાં નરમાઈ લાવીને 500% ટેરિફને ઘટાડીને 100% કરવાની વાત કહી છે.

નવા બિલમાં ભારત અને ચીનને મોટી રાહત

મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકન સીનેટમાં તાજેતરમાં જ રશિયા સેન્ક્શન બિલનો એક નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ સુધારાયેલા બિલમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા ભારત અને ચીન જેવા દેશો પર પ્રસ્તાવિત ટેરિફના જોખમને ઘણું ઓછું કરી દેવામાં આવ્યું છે. અગાઉના પ્રસ્તાવમાં જ્યાં 500% સુધીનો બ્લેન્કેટ ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવી હતી, ત્યાં હવે સંશોધિત બિલમાં આ મહત્તમ મર્યાદા ઘટાડીને 100% કરી દેવામાં આવી છે.

અમેરિકાના તેવર અચાનક કેમ બદલાયા?

અહેવાલો મુજબ, આ બિલને રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષોના સાંસદોનું સમર્થન મળેલું છે. આ બિલ દ્વારા અમેરિકા એવા દેશો પર સકંજો કસવા માંગે છે જે કોઈને કોઈ રીતે રશિયાને આર્થિક ફાયદો પહોંચાડી રહ્યા છે. અમેરિકાએ અનેક પ્રસંગોએ આક્ષેપ કર્યો છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધનું ફંડિંગ કરી રહ્યું છે. ગયા વર્ષે આ જ બાબતને ટાંકીને અમેરિકાએ ભારતમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર 50% વધારાનો ટેક્સ લગાવી દીધો હતો, જોકે બાદમાં તેને ઘટાડીને 12% કરી દેવાયો હતો. હવે ફરી એકવાર 500% ટેરિફની ધમકી આપ્યાના તુરંત બાદ અમેરિકન સાંસદોના વલણમાં નરમાઈ જોવા મળી રહી છે.

નિષ્ણાતોનું માનવું છે કે 500% જેટલો ભારે-ભરકમ ટેરિફ લગાવવાથી વૈશ્વિક ઓઇલ માર્કેટમાં મોટી ઉથલપાથલ મચી શકી હોત અને ભારત-ચીન જેવા મોટા દેશો સાથે અમેરિકાના વ્યાપારી તેમજ વ્યૂહરચનાત્મક સંબંધો દાવ પર લાગી શકતા હતા. આ સિવાય ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને પણ છેલ્લા ઘણા મહિનાઓથી વાતચીત ચાલી રહી છે, જે આવા કોઈ આકરા પગલાંથી ખોરવાઈ શકી હોત. આ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ટેરિફની મર્યાદામાં નરમાઈ દાખવી છે.

સીનેટર લિન્ડસે ગ્રેહામના નિધન બાદ બિલમાં ફેરફાર

અગાઉ આ કડક કાયદાની જોરદાર વકીલાત કરનારા અમેરિકન સીનેટર લિન્ડસે ગ્રેહામનું ગત શનિવારે નિધન થયું હતું. ગ્રેહામ યુદ્ધમાં યુક્રેનને અમેરિકન સહાય આપવાના મોટા સમર્થક હતા અને એટલે જ તેમણે ભારત જેવા દેશો સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. ભારત પર 500% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ પણ ગ્રેહામનો જ હતો. હવે તેમના નિધન બાદ અમેરિકન સાંસદો ફરી એકવાર આ બિલને નવા સ્વરૂપે કેન્દ્રમાં લાવ્યા છે.

ભારત અને ચીન સહિત આ દેશો હતા નિશાના પર

અમેરિકન સીનેટ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલ મુખ્યત્વે એવા દેશોને ટાર્ગેટ કરે છે જે રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસના સૌથી મોટા ખરીદદારો છે. ક્રૂડ ઓઇલના ટોપ-5 ખરીદદારોમાં ચીન, ઈઝરાયલ, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન ઉપરાંત નેચરલ ગેસના મોટા ખરીદદારોમાં ચીન, ફ્રાન્સ, જાપાન, હંગેરી અને બેલ્જિયમ જેવા દેશો મુખ્ય ટાર્ગેટ પર છે. આ દેશો પર મહત્તમ ટેરિફ લગાવવાની વાત હતી. જોકે, આ નવા બિલમાં એક રાહતની વાત એ પણ છે કે જે દેશો રશિયા પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે સક્રિય પગલાં ભરી રહ્યા છે, તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. આ નિયમનો ફાયદો જાપાન, ફ્રાન્સ, હંગેરી અને બેલ્જિયમ જેવા દેશોને મળી શકે છે.