World

US China Tension: અમેરિકા તાઈવાનને 1.1 બિલિયન ડોલરના હથિયારો વેચશે

By GS Team
30 Aug 20222 mins read
This article was originally published on 30 Aug 2022
US China Tension: અમેરિકા તાઈવાનને 1.1 બિલિયન ડોલરના હથિયારો વેચશે

વોશિંગ્ટન, તા. 30 ઓગસ્ટ 2022 મંગળવાર

જો બાઈડન વહીવટીતંત્રએ તાઈવાનને અંદાજિત 1.1 બિલિયન ડોલરના હથિયારોનુ વેચાણ કરવાનુ આયોજન કર્યુ છે, આ માટે અમેરિકી કોંગ્રેસ પાસેથી ઔપચારિક મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.

સૂત્રો અનુસાર અમેરિકા પાસેથી તાઈવાનને મળનાર હથિયારોના પેકેજમાં 60 એન્ટી-શિપ મિસાઈલ અને 100 એર ટુ એર મિસાઈલ સામેલ છે. ચીને તાઈવાનની જળસીમામાં તેના યુદ્ધ જહાજો અને વિમાન મોકલવાનું ચાલુ રાખ્યું છે તેવા સમયે આ સમાચાર સામે આવ્યા છે. 

અમુક અઠવાડિયા પહેલા અમેરિકી કોંગ્રેસના સ્પીકર નેન્સી પેલોસીએ સ્વ-શાસિત દ્વીપનો પ્રવાસ કર્યો હતો અને તાઈવાનને અલગ કરવા અને ડરાવવા-ધમકાવવાના ચીનના પ્રયાસોની નિંદા કરી હતી ત્યારથી બીજિંગ પોતાના વ્યવહારમાં વધુ આક્રમક થઈ ગયુ છે જ્યારે પેલોસીની યાત્રાના જવાબમાં ચીને તાઈવાનના ચારેય તરફ મોટા પાયે અભૂતપૂર્વ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો જેમાં પહેલીવાર દ્વીપ મિસાઈલોની શૂટિંગ સામેલ હતી. 

સૂત્રો અનુસાર અમેરિકા દ્વારા તાઈવાનને આપવામાં આવનાર હથિયારોના પેકેજમાં જે હજુ શરૂઆતના તબક્કામાં છે, $ 355 મિલિયનના 60 AGM-84L હાર્પૂન બ્લોક II મિસાઈલ, $ 85.6 મિલિયનના 100 AIM-9X બ્લોક II સાઈડવાઈન્ડર એર ટુ એર મિસાઈલ અને $ 655.4 મિલિયનમાં એક સર્વેલન્સ રડારના કરારના વિસ્તરણનો સમાવેશ થાય છે. સાઈડવાઈન્ડર મિસાઈલ તાઈપેના અમેરિકા નિર્મિત F-16 ફાઈટર જેટ્સને લેસ કરશે. 

બાઈડન વહીવટીતંત્ર સૂચનાને ઔપચારિક બનાવી દે પછી કરારને અંતિમરૂપ આપ્યા પહેલા સીનેટની વિદેશ સંબંધ સમિતિ પર ડેમોક્રેટિક ચેર અને રેન્કિંગ રિપબ્લિકન અને હાઉસ ફોરેન અફેર્સ કમિટીના હસ્તાક્ષરની જરૂર પડશે. અમેરિકી સાંસદો દ્વારા આ ડીલને મંજૂરી આપવાની સંભાવના છે.