અમેરિકાની તેહરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી, ટ્રમ્પે કહ્યું - તેમની મરજી પ્રમાણે ડીલ નહીં થાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America Iran Conflict: અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેહરાન સમાધાન કરવા માગે છે, પરંતુ તેઓ તેમના મુજબ ડીલ કરવા માટે હમણાં તૈયાર નથી. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત પૂરી થવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
તેહરાન પર નવા પ્રતિબંધો લાદવાની અમેરિકાની તૈયારી
વોશિંગ્ટન તેહરાન પર આર્થિક દબાણ વધારવાની તૈયારી કરી રહ્યું છે અને નવા પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે, તે સમયે ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ, ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને યુદ્ધ પૂર્ણ કરવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે, ઇરાન હાલ પણ પોતાની તાકાત અને શરતો પ્રમાણે યુદ્ધ પૂરું કરવા માટે તૈયાર છે.
પેજેશકિયને દાવો કર્યો છે કે, દુનિયાએ ઇરાનની જીત સ્વીકારી છે અને અમેરિકા પર ઇરાનની સ્કૂલો, હોસ્પિટલો અને ઇમારતો તોડવાનો આરોપ લગાવ્યો છે. તેનો સીધો મતલબ એ થાય છે કે, બંને પક્ષ યુદ્ધ પૂર્ણ કરવા માટેની વાતચીત તો કરી રહ્યા છે, પરંતુ સમાધાન માટેની શરતોને લઈને બંને વચ્ચે અંતર જોવા મળ્યું છે.
વાતચીતની કોશિશ કેમ અટકી?
અમેરિકા અને ઇરાન વચ્ચે સિઝફાયર બાદ એક કરાર મામલે વાતચીત થઈ હતી. તે માટે 60 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમય પૂરો થયા પછી પણ કોઈ સ્થાયી સમાધાન થઈ શક્યું નથી. બંને પક્ષ સમાધાન ન થવા માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.
ઈરાનની મુખ્ય માગણીઓમાં અમેરિકાની નાકાબંધી હટાવવી, અમેરિકન સૈનિકોની વાપસી અને યુદ્ધથી થયેલા નુકસાનના વળતરનો સમાવેશ થાય છે. બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસન ઈરાન પાસેથી પરમાણુ કાર્યક્રમ અને અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર મોટી છૂટછાટો ઈચ્છે છે.
અમેરિકાનો આર્થિક દબાણ વધારવાનો પ્લાન
અમેરિકા હવે સૈન્ય કાર્યવાહી સાથે સાથે આર્થિક દબાણ વધારવાની રણનીતિ પર આગળ વધી રહ્યું છે. વોશિંગ્ટન તરફથી ઇરાન પર નવા અને કડક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઇરાને આ પ્રતિબંધો તેમના સાર્વભૌમત્વ અને અન્ય દેશોના સાર્વભૌમત્વ વિરોધી ગણાવ્યા છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘાઈએ અમેરિકાના આ પગલાંને ક્લાસિક ઔપનિવેશિક નીતિની વાપસી ગણાવી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, પ્રતિબંધો મુદ્દે પણ બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થયો નથી.
હજુ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મોટો મુદ્દો
હાલ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંને દેશો વચ્ચે મહત્ત્વનો મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તેલ પરિવહન માટે દુનિયાના પ્રમુખ માર્ગમાંથી એક છે અને ત્યાં વધી રહેલો તણાવ વૈશ્વિક ઉર્જા બજાર પર સીધી અસર કરે છે. ઇરાન અને અમેરિકા વચ્ચે તેને લઈને પણ મતભેદ છે. ઇરાનનું કહેવું છે કે, નાકાબંધી અને અમેરિકન સૈન્ય દબાણ હટાવ્યા વગર સમાધાન સુધી પહોંચવું મુશ્કેલ છે. તો બીજી તરફ, અમેરિકાએ તેહરાન પર દબાણ બનાવી રાખ્યું છે.









