- વેનેઝુએલા પર હુમલો કરી 'ચમત્કારિક રીતે' 30 જ મિનિટમાં ઓપરેશન પાર પાડયું
- વેનેઝુએલામાં ઈમર્જન્સી જાહેર : નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિઆ ફ્લોરેસ સામે અમેરિકન કોર્ટમાં ગુનાઈત આરોપો ઘડાશે : યુએસ એટર્ની
- રાજધાની કારાકસ સહિત સાત શહેરોમાં અમેરિકાની એરસ્ટ્રાઈક, કોઈ જાનહાની નહીં
- માદુરો ડ્રગ કાર્ટેલના ચીફ હોવાનો આક્ષેપ કરતા અમેરિકન સૈન્યે ચાર મહિનાથી વેનેઝુએલાને ઘેર્યું હતું
કારાકાસ/વોશિંગ્ટન : દુનિયામાં યુદ્ધો બંધ કરાવી શાંતિની વાતો કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત સાત શહેરો પર હવાઈ હુમલો કર્યો હતો. વધુમાં પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમની સ્પેશિયલ ડેલ્ટા ફોર્સ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિઆ ફ્લોરેસને પકડીને દેશની બહાર અજ્ઞાાત સ્થળે લઈ છે. કથિત રીતે 'ધરપકડ' કરાયેલા વેનેઝુએલાના પ્રમુખ માદુરોની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. નિકોલસ માદુરો સામે ન્યૂયોર્કની કોર્ટમાં ગુનાઈત આરોપો હેઠળ કાર્યવાહી થશે તેમ અમેરિકન એટર્ની જનરલ પામ બોન્ડીએ કહ્યું હતું. બીજીબાજુ અમેરિકાના હવાઈ હુમલા પછી વેનેઝુએલાએ દેશમાં ઈમર્જન્સી જાહેર કરી છે.
વેનેઝુએલા સાથે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે અમેરિકન સૈન્ય દળોએ ૨ અને ૩ વચ્ચેની રાતે વેનેઝુએલાની રાજધાની કારાકાસ તથા , મિરાંડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોના સાત શહેરોમાં અચાનક જ ભારે હવાઈ હુમલા કર્યા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકન સૈન્યે ફુએર્તે તિઉના આર્મી બેઝ અને લા કાર્લોટા એરબેઝ જેવા મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકાએ આધુનિક એફ-૩૫ જેવા ફાઈટર જેટ, અપાચે અને ચિનૂક જેવા હેલિકોપ્ટર તથા મિસાઈલોથી સાત શહેરો પર હુમલો કર્યો હતો. આ હુમલો ૩૦ મિનિટથી પણ ઓછો સમય ચાલ્યો અને સાત વિસ્ફોટો થયા. જોકે, આ હુમલામાં જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ અહેવાલ નથી.
બીજીબાજુ વેનેઝુએલાની માદુરો સરકાર અમેરિકાના હુમલાનો જવાબ આપે તે પહેલાં જ અમેરિકન સૈન્યની ડેલ્ટા ફોર્સે રાજધાની કારાકસમાં વિશેષ ઓપરેશન કરીને પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિઆ ફ્લોરેસને પકડીને દેશની બહાર અજ્ઞાાત સ્થળે ઉઠાવી ગઈ હતી. દુનિયાને વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની જાણ થઈ ત્યાં તો પ્રમુખ ટ્રમ્પે તેમના સૈન્યે માદુરો અને તેમના પત્નીને પકડી લીધા હોવાની જાહેરાત કરી હતી.
માદુરો પર 2020માં યુએસ કોર્ટમાં નાર્કો-ટેરરિઝમના આરોપ મૂકાયા
અમેરિકન એટર્ની જનરલ પામ બોન્ડીએ જણાવ્યું હતું કે, વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિઆ ફ્લોરેસ સામે ન્યૂયોર્કની કોર્ટમાં ગુનાઈત આરોપો ઘડાશે. આ દંપતી ટૂંક સમયમાં જ અમેરિકન કોર્ટમાં અમેરિકન ધરતી પર અમેરિકન ન્યાયનો સામનો કરશે. માદુરો પર ૨૦૨૦માં ન્યૂયોર્કમાં નાર્કો ટેરરિઝમના આરોપ મૂકાયા હતા, પરંતુ ડ્રગ્સની દાણચોરીમાં તેમની પત્ની પણ સંડોવાયેલી હોવાની તેમને જાણ નહોતી.
માદુરો અને તેમના પત્ની ક્યાં છે તેની કોઈને ખબર નથી : ઉપપ્રમુખ રોડ્રિગ્સ
દરમિયાન અમેરિકાના હુમલાના પગલે વેનેઝુએલામાં ઈમર્જન્સી જાહેર કરી દેવાઈ છે. વેનેઝુએલાના કાયદા મુજબ પ્રમુખ નિકોલસ માદુરોની ગેરહાજરીમાં ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ વચગાળાના પ્રમુખ તરીકે દેશનું સુકાન સંભાળશે. તેમણે અમેરિકા પાસેથી માદુરો અને તેમના પત્ની જીવિત હોવાના પુરાવા માગ્યા હતા. તેમણે કહ્યું કે, માદુરો અને તેમના પત્ની ક્યાં છે તેની કોઈને ખબર નથી. બીજીબાજુ સંરક્ષણ મંત્રી વ્લાદિમીર પાદરિનો લોપેશે સમગ્ર દેશમાં સૈન્યની તૈનાતીના આદેશ આપ્યા છે. તેમણે અમેરિકાના હુમલાની આકરી ટીકા કરી છે.
વેનેઝુએલાના રણનીતિક સંશાધનો પર કબજા માટે હુમલો કરાયો : સરકાર
વેનેઝુએલાની સરકારે અમેરિકન સરકારની આક્રમક્તાના જવાબમાં તુરંત 'સશસ્ત્ર સંઘર્ષ' અને અમેરિકાના હુમલાના વિરોધમાં નાગરિકોને રસ્તા પર ઉતરી વિરોધ કરવા હાકલ કરી છે. વેનેઝુએલા સરકારે કહ્યું કે, આ હુમલાને સામ્રાજ્યવાદી હુમલાને હરાવવા આખા દેશને એક થવું પડશે. આ હુમલાનો આશય વેનેઝુએલાના રણનીતિક સંશાધનો, વિશેષરૂપે ક્રૂડ ઓઈલ અને ખનીજો પર કબજો કરવાના આશયથી કરાયો છે. વધુમાં આ હુમલો દેશની આઝાદી ખતમ કરવાના આશયથી થયો છે, જેમાં અમેરિકા સફળ નહીં થાય. અમેરિકાનો આ હુમલો વેનેઝુએલામાં સત્તા પરિવર્તન માટે વસાહતી યુદ્ધ થોપવાના પ્રયાસો સમાન છે, જેને પાછલા બધા પ્રયાસોની જેમ નિષ્ફળ બનાવાશે.
કેરેબિયન સાગરમાં વેનેઝુએલાની અનેક બોટનો અમેરિકાએ નાશ કર્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લંબા સમયથી વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો પર અમેરિકામાં ડ્રગ્સની દાણચોરીનો આક્ષેપ મૂક્યો છે અને અગાઉ પણ કેરેબિયન સાગરમાં વેનેઝુએલાની અનેક બોટનો નાશ કરીને તેઓ અમેરિકામાં ડ્રગ્સ ઘૂસાડતી હોવાના આક્ષેપો કર્યા હતા. ટ્રમ્પ ઘણા સમયથી વેનેઝુએલામાં ડ્રગ્સની કાર્ટેલ પર જમીની હુમલા કરવાની ધમકી આપી રહ્યા હતા અને અમેરિકા ટૂંક સમયમાં જ આ હુમલા શરૂ કરશે તેમ કહ્યું હતું.
માદુરો ડ્રગ્સની દાણચોરી કરતા હોવાનું ટ્રમ્પ પુરવાર કરી શક્યા નથી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ૨૯ ડિસેમ્બરે ફરીથી વેનેઝુએલા વિરુદ્ધ અમેરિકન સૈન્યના જમીની હુમલાની સંભાવના વ્યક્ત કરી હતી. ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, અમેરિકાએ વેનેઝુએલાની ડ્રગ નૌકાઓના ડોકિંગ ક્ષેત્ર પર હુમલો કરીને તેનો નાશ કરી દીધો છે. અમેરિકન સૈન્યે સપ્ટેમ્બર મહિનાથી જ કેરેબિયન સાગર અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં ફરતી નૌકાઓ પર એક પછી એક અનેક હુમલા કર્યા હતા અને આ જહાજો મારફત ડ્રગ્સની દાણચોરી થતી હોવાના આક્ષેપ કર્યા હતા, પરંતુ તેના કોઈ પુરાવા આપ્યા નહોતા.
અમેરિકાએ 1990 માં પનામા પર કરેલા આક્રમણની દુનિયાને યાદ આવી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતા પહેલં કોંગ્રેસ સાથે ચર્ચા-મસલત કરી હતી કે કેમ તે તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે, અમેરિકાની ત્વરિત લશ્કરી કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરોને પત્ની સાથે ઉઠાવી જવાની ઘટનાએ દુનિયાને ૩૬ વર્ષ પહેલાં ૧૯૯૦માં પનામા પર અમેરિકાના આક્રમણની યાદ અપાવી દીધી. તે સમયે અમેરિકાએ પનામા પર આક્રમણ કરતા તેના નેતા મેન્યુએલ એન્ટોનિઓ નોરિએગા આત્મસમર્પણ કરી દીધું હતું.
માદુરોની ધરપકડ ટીવી શોની જેમ લાઈવ જોઈ : ટ્રમ્પ
યુએસની સ્પેશિયલ ડેલ્ટા ફોર્સ પહેલી વખત કોઈ દેશના પ્રમુખને ઉપાડી ગઈ
પ્રમુખ માદુરોને મિલિટ્રી બેઝમાં બેડરૂમમાંથી ઘસડીને બહાર કઢાયા, વોરશિપમાં અમેરિકા લઈ જવાયા
વોશિંગ્ટન : વેનેઝુએલા પર અમેરિકાના આક્રમણ વચ્ચે પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડી લેવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના આદેશ પર અમેરિકન સૈનિકોની સ્પેશિયલ યુનિટ ડેલ્ટા ફોર્સે માદુરોને પકડયા છે. આ યુનિટે અગાઉ પણ અમેરિકા માટે વિદેશોમાં અભિયાન ચલાવ્યા છે, પરંતુ આ યુનિટે પહેલી વખત કોઈ દેશના પ્રમુખને 'ઉપાડયા' છે.
વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને પકડનારી અમેરિકન 'ડેલ્ટા ફોર્સ' ફરી એક વખત સમાચારોમાં ચમકી છે. અમેરિકન આર્મીની ડેલ્ટા ફોર્સ અગાઉ ૨૦૧૯માં અલ-બગદાદીને મારવાના મિશન માટે ચર્ચામાં રહી હતી. આઈએસઆઈએસનો આતંકી વડો અલ બગદાદી લાંબા સમયથી અમેરિકા માટે પડકાર બનેલો હતો, જેનો સફાયો ડેલ્ટા ફોર્સે કર્યો હતો. ટ્રમ્પે ડેલ્ટા ફોર્સની પ્રશંસા કરતા કહ્યું કે, માદૂરોને પકડવાનું ઓપરેશન શાનદાર હતું. આ ઓપરેશન હેઠળ માદુરોની ધરપકડને લાઈવ જોવી એ કોઈ ટીવી શો જોવા સમાન હતું. ટીમે ખૂબ જ સારું પ્લાનિંગ કર્યું હતું અને બહાદુરથી તેનો અમલ કર્યો.
વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશનની વિગતો હવે સામે આવી રહી છે. અમેરિકન આર્મીની ડેલ્ટા ફોર્સે રાજધાની કારાકાસમાં રાતે ૨.૦૦ વાગ્યા પછી મિલિટ્રી બેઝમાંથી પ્રમુખ માદુરો અને તેમના પત્નીને બેડરૂમમાંથી ઘસડીને બહાર કાઢ્યા હતા. અમેરિકન સ્પેશિયલ ફોર્સની સાથે એફબીઆઈના એજન્ટોની પણ એક ટીમ હતી, જેમણે માદુરોને પકડયા હતા. હવે માદુરોને વોરશિપમાં ન્યૂયોર્ક લઈ જવાઈ રહ્યા છે, જ્યાં મેનહટન ફેડરલ કોર્ટમાં તેમના પર આરોપ ઘડાશે.
અમેરિકન મીડિયા મુજબ નિકોલસ માદુરોને પકડવા માટે પ્રમુખ ટ્રમ્પે ચાર મહિના પહેલા જ પેન્ટાગોનને એક સિક્રેટ આદેશ આપી દીધો હતો. આ હુમલો અચાનક નથી કરાયો, પરંતુ તેના માટે ઓપરેશનની રૂપરેખા બનાવાઈ હતી. ચાર મહિનાથી અમેરિકા કેરેબિયન સાગરમાં મોટાપાયે સૈન્ય જમાવડો કરી રહ્યું હતું. ટ્રમ્પના નિર્દેશ પછી અમેરિકાએ વેનેઝુએલાના જહાજો પર ૩૫ ઘાતક હુમલા કર્યા હતા.


