'મને તો યુદ્ધમાં 32 દિવસ જ થયા છે...', ઈરાનમાં નિષ્ફળતાથી ધુંઆપુંઆ થઈ ટ્રમ્પે ‘વૉર હિસ્ટરી’ યાદ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America-Iran War: અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તાજેતરનું ભાષણ માત્ર લશ્કરી દાવાઓ સુધી જ મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેમણે ઇતિહાસનો સહારો લઈને એક મોટો સંકેત આપ્યો છે. આ યુદ્ધ જલ્દી સમાપ્ત નથી થવાનું. ટ્રમ્પે પોતાના ભાષણમાં અમેરિકન જનતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, 'વર્તમાન સંઘર્ષ લાંબો નથી, પરંતુ 'ટૂંકો' છે અને તેના મુકાબલામાં અમેરિકા પહેલા ઘણા લાંબા અને વધુ મુશ્કેલ યુદ્ધો લડી ચૂક્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ઈરાનમાં મારું યુદ્ધ તો ફક્ત 32 દિવસથી ચાલી રહ્યું છે.'
ટ્રમ્પે અમેરિકાની વૉર હિસ્ટ્રી ગણાવી
પોતાના તર્કને મજબૂત કરવા માટે ટ્રમ્પે ભૂતકાળના યુદ્ધોનો સંપૂર્ણ હિસાબ જનતાની સામે રાખ્યો. તેમણે કહ્યું કે, 'પ્રથમ વિશ્વયુદ્ધ 1 વર્ષ, 7 મહિના અને 5 દિવસ ચાલ્યું હતું. બીજું વિશ્વયુદ્ધ 3 વર્ષ, 8 મહિના અને 25 દિવસ ચાલ્યું હતું. કોરિયન યુદ્ધ 3 વર્ષથી વધુ ચાલ્યું હતું. વિયેતનામ યુદ્ધ 19 વર્ષ, 5 મહિના અને 29 દિવસ ચાલ્યું હતું. ઈરાક યુદ્ધ 8 વર્ષથી વધુ ચાલ્યું હતું.' આ ઉદાહરણો દ્વારા ટ્રમ્પે એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે, ઈરાન સામે ચાલી રહેલ લશ્કરી અભિયાન હજુ તેના ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે.
ઈરાન હવે મોટો ખતરો નથી
ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકા આ ઓપરેશનમાં ફક્ત 32 દિવસથી છે અને આ સમય દરમિયાન ઈરાનની લશ્કરી ક્ષમતાઓ લગભગ ખતમ કરી દીધી છે. ઈરાન હવે કોઈ મોટો ખતરો નથી. આ સાથે જ તેમણે ખાતરી પણ આપી કે અમેરિકા ટૂંક સમયમાં જ પોતાના કોર સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ્સ પૂર્ણ કરી લેશે અને કામ ખતમ કરી દેશે.'
અમેરિકાની અંદર યુદ્ધને લઈને અસંતોષ
જોકે, ટ્રમ્પના આ દાવા પાછળ એક રાજકીય સંદેશ પણ સ્પષ્ટ નજર આવે છે. અમેરિકાની અંદર આ યુદ્ધને લઈને અસંતોષ વધી રહ્યો છે. 13 અમેરિકન સૈનિકોના મોત, વધતી જતી મોંઘવારી અને તેલના ભાવમાં વધારાથી સામાન્ય જનતાની ચિંતા વધી ગઈ છે. ટ્રમ્પના પોતાના સમર્થકો વચ્ચે પણ એ સવાલ ઉઠવા લાગ્યો છે કે, અમેરિકા આ યુદ્ધમાં શા માટે સામેલ છે.
ટ્રમ્પે આ યુદ્ધને 'ઇન્વેસ્ટમેન્ટ' ગણાવ્યું
આ જ કારણ છે કે, ટ્રમ્પે આ યુદ્ધને 'ઇન્વેસ્ટમેન્ટ' ગણાવતા જનતાને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો છે કે આ યુદ્ધ એક જરૂરી પગલું છે. પરંતુ બીજી તરફ તેમના પોતાના જ નિવેદનો વારંવાર બદલાતા રહે છે. ક્યારેક તેઓ કહે છે કે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે, તો ક્યારેક કહે છે કે, અમે આગામી 2-3 અઠવાડિયામાં વધુ મોટા હુમલાઓ કરીશું.
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે બલિનો બકરો બનશે આ નાનકડો દેશ? ટ્રમ્પે આપી મોટી ધમકી
જમીની વાસ્તવિકતા પણ ટ્રમ્પના દાવાઓથી અલગ જ ચિત્ર દેખાડી રહી છે. એક તરફ અમેરિકા સીઝફાયરની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ હજારો સૈનિકોને મિડલ ઈસ્ટમાં તહેનાત કરવામાં આવી રહ્યા છે. રાજદ્વારી સ્તર પર અમેરિકાએ 15-મુદ્દાનો પ્રસ્તાવ પણ મોકલ્યો છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવાની વાત કરવામાં આવી છે.
ઈરાનનો વાતચીત માટે ઇન્કાર
બીજી તરફ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમે સીધી વાતચીત માટે તૈયાર નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે, 'વિશ્વાસનું સ્તર શૂન્ય છે અને જો અમેરિકા જમીની હુમલો કરે તો ઈરાન જવાબ આપવા માટે તૈયાર છે.'








