World

અમેરિકાએ સાઉદીનો ખેલ પાડી દીધો, ઈરાન સમર્થક હુથીઓ સાથે કરી 'ડીલ'

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ વચ્ચે ઓમાનની રાજધાની મસ્કતમાં ગુપ્ત વાટાઘાટો થઈ છે. આ બેઠકમાં હુથી નેતા મોહમ્મદ અબ્દુસલામ અને અબ્દેલમલિક અલ-અજીરી જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ આ વાતચીતની પુષ્ટિ કરી છે. લાલ સાગરમાં શિપિંગ સુરક્ષા પર અનૌપચારિક સમજૂતી થઈ છે, જેમાં હુથીઓએ અમેરિકી જહાજોને નિશાન ન બનાવવાની ખાતરી આપી છે. આ ઘટનાક્રમથી સાઉદી અરેબિયા પર દબાણ વધ્યું છે, કારણ કે હુથીઓએ સાઉદીના તેલ ટેન્કરો પર હુમલા ચાલુ રાખવાની ધમકી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાએ સાઉદીનો ખેલ પાડી દીધો, ઈરાન સમર્થક હુથીઓ સાથે કરી 'ડીલ'
AI Image

US Houthi Secret Talks Strain Saudi: યમનમાં હુથી વિદ્રોહીઓ સામે સંઘર્ષ કરી રહેલા સાઉદી અરેબિયા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મુશ્કેલીઓ વધી રહી છે. સાઉદીના સૌથી મોટા સહયોગી અમેરિકા અને ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ વચ્ચે સીધા સંપર્ક અને બેઠકોની વિગતો સામે આવી છે. ઓમાનની મધ્યસ્થતામાં રાજધાની મસ્કતમાં યોજાયેલી આ બેઠકમાં હુથી તરફથી મોહમ્મદ અબ્દુસલામ અને અબ્દેલમલિક અલ-અજીરી જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ પુષ્ટિ કરી છે કે અમેરિકા હુથીઓ સાથે સીધી વાતચીત કરી રહ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

લાલ સાગરમાં શિપિંગ સુરક્ષા પર સમજૂતીના સંકેત

જોકે હજુ સુધી કોઈ ઔપચારિક કરારની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ રાજદ્વારી વર્તુળો અનુસાર બંને પક્ષો વચ્ચે અનૌપચારિક સમજૂતી બની ચૂકી છે. હુથીઓએ અમેરિકાને ખાતરી આપી છે કે તેઓ અમેરિકી અને અન્ય આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન નહીં બનાવે તેમજ અગાઉ થયેલા યુદ્ધવિરામનું પાલન કરશે. બીજી તરફ, હુથીઓએ ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને સાઉદીનું તેલ લઈ જતા ટેન્કરો પર હુમલા ચાલુ રાખવાની ખુલ્લી ધમકી આપી છે. ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકા લાલ સાગરમાં પોતાના જહાજોને સુરક્ષિત રાખવા અને હુથીઓ સાથેના સીધા સૈન્ય સંઘર્ષથી બચવા માંગે છે.

સાઉદી અરેબિયાના તેલ નિકાસ માર્ગ પર મોટો ખતરો

આ ઘટનાક્રમ વચ્ચે હુથી વિદ્રોહીઓએ યમનના લાલ સાગર તટીય વિસ્તારમાં ઝડપી આગળ વધારો કરીને બાબ અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના અનેક ટાપુઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ દરિયાઈ માર્ગ સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઈલની વૈશ્વિક નિકાસ માટે જીવનરેખા સમાન છે. આ જ દરમિયાન હુથી ડ્રોન અને મિસાઈલો સાઉદીના શહેરો અને તેલ સંસ્થાનો પર સતત ત્રાટકી રહ્યા છે, જેના કારણે પવિત્ર મક્કા શહેરમાં પણ ડ્રોન હુમલાનું એલર્ટ જારી કરવાની ફરજ પડી હતી.

સહયોગીઓ પાછળ હટતાં રિયાધ પર વધ્યું દબાણ

આ સમગ્ર સ્થિતિમાં સાઉદી અરેબિયા સંપૂર્ણપણે એકલું પડી ગયું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. સાઉદી સમર્થિત લડવૈયાઓ કે સાઉદીના હવાઈ હુમલા હુથીઓને રોકવામાં નિર્ણાયક સાબિત થઈ શક્યા નથી. પાકિસ્તાન અને તુર્કીયે જેવા દેશોએ યમનમાં સીધા સૈન્ય અભિયાન ચલાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, જ્યારે અમેરિકા અને બ્રિટને પણ હુથી ઠેકાણાઓ પર બોમ્બમારા કરવાની સાઉદીની માંગણી સ્વીકારી નથી. જો આ અનૌપચારિક સમજૂતી કાયમ રહે અને હુથીઓ માત્ર સાઉદી જહાજોને જ નિશાન બનાવતા રહેશે, તો સાઉદી અરેબિયાએ પોતાની શિપિંગ સુરક્ષા અને બાબ અલ-મંદેબ મોરચે એકલા હાથે જ આકરા દબાણનો સામનો કરવો પડશે.