Get The App

ભારત સહિત છ દેશોમાંથી રાજદૂતોને પાછા બોલાવ્યા

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
ભારત સહિત છ દેશોમાંથી રાજદૂતોને પાછા બોલાવ્યા 1 - image

- નેપાળની નવી સરકારનું મહત્ત્વનું પગલું

- કે.પી. શર્મા ઑલીએ ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ડેન્માર્ક, સાઉથ કોરિયા અને સાઉથ આફ્રિકામાં નીમેલા રાજદૂતોને બાલેન સરકારે પાછા બોલાવ્યા

કાઠમંડુ : જબરદસ્ત રાજદ્વારી પહેલ કરી નેપાળની બાલેન સરકારે પૂર્વેની ઑલી સરકારે ભારત સહિત છ દેશોમાં નિયુક્ત કરેલા રાજદૂતોને એક મહિનાની મુદતની નોટિસ આપવા સાથે પાછા બોલાવી લીધા છે. આ માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોક-બહાદુર છેત્રીએ જણાવ્યું હતું કે, તે નિર્ણય એક કેબિનેટ મિટિંગમાં લેવામાં આવ્યો હતો.

જે દેશોમાંથી ઑલીએ નિયુક્ત કરેલા રાજદૂતોને પાછા બોલાવવામાં આવ્યા છે તેના નામ આ પ્રમાણે છે, ભારત, ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, ડેન્માર્ક, સાઉથ કોરિયા અને સાઉથ આફ્રિકા.

બાલેન સરકારના આ નિર્ણયને લીધે ભારત સ્થિત શંકરપ્રસાદ શર્મા, ઓસ્ટ્રેલિયાસ્થિત રાજદૂત ચિત્રલેખા યાદવ, ડેન્માર્ક સ્થિત સુમ્મનીમા તુલાધર, શ્રીલંકા સ્થિત પૂર્ણબહાદુર નેપાળી, દ. કોરિયા સ્થિત શિવમય તુમ્લીહન્દે અને દક્ષિણ આફ્રિકા સ્થિત ડુવિલમન શ્રેષ્ઠને કાઠમંડુ પાછા બોલાવી લીધા છે.

આ સર્વે રાજદૂતોને સ્વદેશ આવવા માટે એક મહિનાનો સમય અપાયો છે.

આવું પહેલી જ વાર નથી બન્યું આ પૂર્વે ઓલી જન. ઝેડના વંટોળને લીધે વડાપ્રધાન પદ છોડી દુબાઈ ચાલ્યા ગયા હતા ત્યારે પણ સુશીલા કાર્કીની વચગાળાની સરકારે ઑલી સરકારે નિયુક્ત કરેલા ૧૭ રાજદૂતો પૈકી ૧૧ને પાછા બોલાવી લીધા હતા.

જન. ઝેડના આંદોલનને લીધે ચીન તરફી કે. પી. શર્મા ઑલીને ત્યાગપત્ર આપી દેવું પડયું હતું. તે પછી વચગાળાની સરકાર આવી અને ચૂંટણી પછી બાલેનની સરકાર આવી બાલેને સત્તામાં આવ્યા પછી તુર્ત જ સમગ્ર વહીવટી તંત્રમાં જબરજસ્ત ફેરફારો શરૂ કરી દીધા છે તેના ભાગરૂપે રાજદૂતોમાં પણ ફેરફાર હાથ ધરાઈ રહ્યા છે.