બાંગ્લાદેશની નદીમાંથી મળ્યો એરફોર્સ અધિકારીનો મૃતદેહ, શેખ હસીના દેશ છોડીને ભાગતા હોવાનો બનાવ્યો હતો વીડિયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info
Bangladesh Air Force Officer Tahsif Souri Dead Body: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના દેશ છોડીને જતાં સમયનો વીડિયો વાયરલ કરવાના મામલે ચર્ચામાં આવેલા પૂર્વ એરફોર્સ અધિકારી તહસિફ સૌરીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. 28 વર્ષીય સૌરીનો મૃતદેહ ઢાકાની તુરાગ નદીમાંથી મળી આવ્યો છે. તેમના પરિવારે હત્યાનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે, શેખ હસીનાનો વીડિયો શેર કરવાના કારણે તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
બાંગ્લાદેશ વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ તહસિફ સૌરી 27 ઑક્ટોબરની સાંજે ઘરથી બહાર ગયા હતા, અને પાછા ફર્યા ન હતા. રાત્રે 1:35 વાગ્યે તેમણે પોતાની માતાને મેસેજ મોકલ્યો હતો કે, 'મમ્મી, હું આવી રહ્યો છું.' ત્યારબાદ પરિવારજનોનો તેમની સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. ગુરુવારે નદીમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ પરિવારે આક્ષેપ કર્યો છે કે, ઑગસ્ટ 2024માં જ્યારે શેખ હસીના સૈન્ય વિમાનમાં દેશ છોડીને જઈ રહ્યા હતા, ત્યારે આ વીડિયો શેર કરવાના કારણે તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
વાયુસેનામાંથી નિવૃત્તિ અને રહસ્યમય મોત
બાંગ્લાદેશના ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ(ISPR)ના જણાવ્યા અનુસાર, સૌરીને 4 ઑગસ્ટ 2025ના રોજ નિયમોનુસાર નિવૃત્ત કરવામાં આવ્યા હતા, અને તેમના પર કોઈ સત્તાવાર આરોપ નહોતો. જોકે, તેમના સ્વજનો અને પૈત્રુક બહેન મોશફેકા જહાંએ ફેસબુક પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, વીડિયો શેર કરવાના કારણે તેમની હત્યા કરવામાં આવી છે. ઉત્તારખાન પોલીસ સ્ટેશને જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ ડૂબી જવાથી, આત્મહત્યા કે હત્યા થઈ છે તે જાણી શકાશે.




