ઈસ્લામાબાદમાં એરફોર્સના ઓફિસરની જાહેરમાં હત્યા, મહિલાને બચાવવા જતા શૂટરે કર્યો આડેધડ ગોળીબાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Islamabad Firing : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં રવિવારે (5 જુલાઈ) એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. અહીં એર હેડક્વાર્ટર અને એર યુનિવર્સિટી નજીક આવેલા શાહીન ચોક વિસ્તારમાં પાકિસ્તાન એરફોર્સ (PAF)ના ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના ગ્રુપ કેપ્ટન અસીમ તારિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલો એ સમયે થયો જ્યારે તેઓ એક મહિલાને કિડનેપ થતી બચાવવા માટે વચ્ચે પડ્યા હતા.
મહિલા સહકર્મીનું અપહરણ કરવાનો પ્રયાસ
પાકિસ્તાન એરફોર્સના જણાવ્યા અનુસાર, શાહીન ચોક પાસે એક બાઈક સવારે એક મહિલાનું જબરદસ્તી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે, આરોપી કોઈ અજાણ્યો નહોતો પરંતુ તેની જ ઓફિસમાં સાથે કામ કરતો સહકર્મી હતો. તેણે ઓફિસથી લિફ્ટ આપવાના બહાને મહિલાને બાઈક પર બેસાડી હતી, પરંતુ રસ્તામાં અચાનક રૂટ બદલીને તે મહિલાને કોઈ સુમસાન જગ્યાએ લઈ જવા લાગ્યો હતો. મહિલાએ વિરોધ કરતા બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.
બહાદુરી બતાવતા ઓફિસર પર કર્યું ફાયરિંગ
એ જ રસ્તેથી પસાર થઈ રહેલા ગ્રુપ કેપ્ટન અસીમ તારિકે જ્યારે મહિલાની ચીસનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓ તરત જ તેની મદદ માટે આગળ આવ્યા. તેમણે બાઈક સવારને રોકવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે આરોપી અને ગ્રુપ કેપ્ટન વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ ગઈ. વિવાદ વધતા જ આરોપીએ અચાનક હેન્ડગન કાઢીને ગ્રુપ કેપ્ટન પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર
આ ગોળીબારમાં ગ્રુપ કેપ્ટન અસીમ તારિક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા હતા. વારદાતને અંજામ આપ્યા બાદ શૂટર પોતાની મોટરસાઈકલ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે પીડિત મહિલાનું નિવેદન નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.









