એઆઈ કેન્સરની 15 વર્ષમાં તૈયાર થતી દવાને મહિનાઓમાં બનાવી દેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ચિપ કંપની આર્મના સીઈઓ રેન હાસનું નિવેદન
- કરોડો મોલેક્યુલ્સના વર્ચ્યુઅલ સિમ્યુલેશનથી એઆઈ ૪૮ કલાકમાં કેન્સરની વેક્સિન બનાવશે : એલિસન
લંડન : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આપણા જીવનકાળ દરમિયાન કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ઇલાજ શોધી કાઢશે, એવો દાવો યુકે સ્થિત વિશ્વની જાણીતી ચિપ ડિઝાઇનિંગ કંપની આર્મના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રેને હાસે કર્યો છે. હાસ ફાર્મા ક્ષેત્રના જાણકાર વ્યક્તિ છે. તેમણે ૨૦૨૬ની શરૂઆતમાં જ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમની કંપની આર્મને સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ કસ્ટમ ચિપ બનાવવાની વિનંતી કરી હતી.
રેને હાસે જણાવ્યું કે, કેન્સરના ડીએનએ માર્કર અને માનવ કોષો પર થતી અસરોની જટિલતાને સમજવી હાલના માનવીઓ કે સુપરકમ્પ્યુટર્સ માટે અત્યંત મુશ્કેલ છે. પરંતુ, જેમ જેમ એઆઈ મોડેલ્સમાં વધુ ડેટા ઉમેરાશે અને એઆઈ પાવર્ડ કમ્પ્યુટર્સ વધુ શક્તિશાળી બનશે, તેમ એઆઈ આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધી લેશે.
સામાન્ય રીતે એક નવી કેન્સરની દવા ડેવલપ કરવા અને તેનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવામાં ૧૦થી ૧૫ વર્ષનો સમય લાગે છે. એઆઈ મોડલ્સ કરોડો મોલેક્યુલ્સનું વર્ચ્યુઅલ સ્ટિમ્યુલેશન કરીને દવા શોધવા અને તેના પરીક્ષણનો ગાળો ઘટાડી દેશે. એઆઈ કેન્સરનો એવો ઈલાજ શોધશે જે માણસ માટે શોધવો શક્ય નહોતો.
એઆઈ દ્વારા કેન્સરના ઈલાજ અંગે દાવો કરનાર રેને હાસ એકમાત્ર ટેક લીડર નથી. ઓરેકલના લેરી એલિસને કહ્યું હતું કે, એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી માત્ર ૪૮ કલાકમાં કેન્સરની વેક્સિન બનાવી શકાશે. ઓપનએઆઈના સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે, પૂરતો કમ્પ્યુટિંગ પાવર મળે તો એઆઈ કેન્સર મટાડવાનો રસ્તો શોધી શકે છે.




