Get The App

એઆઇથી વિશ્વભરમાં વીજળી અને પાણીની ભારે અછત ઉભી થશે : યુએન

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
એઆઇથી વિશ્વભરમાં વીજળી અને પાણીની ભારે અછત ઉભી થશે : યુએન 1 - image

- વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘનું ચિંતાજનક તારણ

- ગયા વર્ષે ડેટા સેન્ટરો 448 ટીડબલ્યુએચ વીજળી અને 4.5 ટ્રિલિયન લિટર જેટલું પાણી ભરખી ગયા : રિસર્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

- વર્ષમાં 10 દેશોની જરૂરિયાત જેટલી વીજળી માત્ર ડેટા સેન્ટરો પાછળ ખર્ચાઇ રહી છે, 2030 સુધી સ્થિતિ વધુ કફોડી બનશે

- એઆઇથી પર્યાવરણને જોખમ : વીજળી, પાણીની ભારે ખપત ઉપરાંત લાખો ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન

વોશિંગ્ટન : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એઆઇને લઇને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં એઆઇની માગણીઓને પુરી કરવા ડેટા સેન્ટરો બમણી વીજળી ખપત કરી શકે છે. ગયા વર્ષે જ ડેટા સેન્ટરોએ સમગ્ર વિશ્વમાં ૪૪૮ ટેરાવોટ કલાકની વીજળીની ખપત કરી હતી. જે સમગ્ર સાઉદી અરબ કરતા પણ બમણી છે. જે પણ વીજળી ખપત થઇ તેમાંથી પાંચમો હિસ્સો માત્ર એઆઇ પાછળ કરવામાં આવ્યો હતો. એટલે કે એઆઇ વીજળી ખપતમાં પણ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. એટલે કે એઆઇ ભવિષ્યમાં વીજળી અને પાણીની ભારે અછત ઉભી કરી શકે છે તેવી ચેતવણી અપાઇ છે.  

પાણી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય પરની સંયુક્ત રાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્સ્ટિટયૂટ દ્વારા ચેતવણી આપતો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે ડેટા સેન્ટરો ૪૪૮ ટેરાવોટ કલાક વીજળીની સાથે સાથે ૪.૫ ટ્રિલિયન લિટર પાણીનો પણ ઉપયોગ કર્યો હતો, એટલે કે આ ડેટા સેન્ટરો માત્ર વીજળી જ નહીં સાથે બહુ પ્રમાણમાં પાણીનો પણ વપરાશ કરી રહ્યા છે. ગયા વર્ષે જે ૪.૫ ટ્રિલિયન લિટર પાણીનો ઉપયોગ કરાયો એટલુ પાણી સબ-સહારા આફ્રિકાના ૬૦ કરોડ લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પુરતું છે.  વીજળી પાણીનો ઉપયોગ કર્યા બાદ ૧૮.૯ કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પણ પેદા કર્યો. 

અત્યાર સુધી એઆઇને માત્ર એક સોફ્ટવેર તરીકે જ લોકો ખતરા સમાન માની રહ્યા હતા પરંતુ એઆઇ તેના કરતા પણ વધુ જોખમકારક હોવાનું આ રિપોર્ટમાં સામે આવ્યું છે. એઆઇ લોકોનું જીવન સરળ બનાવવાના ચક્કરમાં સમગ્ર પર્યાવરણનો નાશ કરીને વધુ ખરાબ બનાવી શકે છે. એઆઇ માત્ર સોફ્ટવેર જ નહીં એક ફીઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે જેમાં ડેટા સેન્ટરો, ઇલેક્ટ્રિસિટી જનરેટરો, કૂલિંગ સિસ્ટમ, ટ્રાન્સમિશન નેટવર્ક, ચિપ્સ, મિનરલ્સ, જમીન અને પાણી વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ઘટસ્ફોટ કરનારા રિપોર્ટના મુખ્ય કરતા ધરતા અને સંસ્થાના ડાયરેક્ટર કાવેહ મદાની દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 

એટલુ જ નહીં ભવિષ્યમાં એઆઇ માનવ જીવન કે પર્યાવરણ પર કેટલો ખતરો ઉભો કરશે તે અંગે પણ એક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં ડેટા સેન્ટરોની વાર્ષિક વીજળી ખપત બમણી થઇને ૯૪૫ ટીડબલ્યુએચ પર પહોંચી જશે. જેમાંથી ૪૦ ટકા હિસ્સો માત્ર એઆઇ પાછળ ખર્ચાઇ જશે. તેવી જ રીતે પાણીની ખપત પણ આ સમયગાળા દરમિયાન ૯.૩ ટ્રિલિયન લિટરે પહોંચી જશે અને સીઓટુ ઉત્સર્જન ૩૯૯ મિલિયન ટને પહોંચશે. એટલે કે એઆઇ સમગ્ર વિશ્વમાં વીજળી અને પાણીની અછત ઉભી કરી શકે છે. ગયા વર્ષે ૪૪૮ ટ્રિલિયન વોટ-અવર્સ વીજળી આ ડેટા સેન્ટરો ભરખી ગયા, જે ૧૦ દેશોની ખપત કરતા પણ વધુ છે.

32 દેશોમાં ફેલાયેલું 12 હજાર ડેટા સેન્ટર્સનું નેટવર્ક

ડેટા સેન્ટર્સ પર જ ટેકનોલોજીની ક્રાંતિ શક્ય બની છે. દુનિયામાં ૩૨ દેશોમાં ટોચની એઆઈ કંપનીઓના ૧૨ હજાર ડેટા સેન્ટર્સ ચાલી રહ્યા છે. એમાં એઆઈ ડેટા સેન્ટર્સની સંખ્યા પણ વધતી જાય છે. ૨૦૨૬ના આ પાંચ-છ મહિનામાં જ એઆઈ ડેટા સેન્ટર્સ પાછળ કંપનીઓ ૬૫૦ અબજ ડોલરનો ખર્ચ કરી ચૂકી છે. જમીનમાં એઆઈ ડેટા સેન્ટર્સના કારણે ફૂટપ્રિન્ટ ૬૯૦૦ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી છે, જે વધીને ૨૦૩૦માં ૧૪,૫૦૦ સ્કવેર કિલોમીટર થઈ જશે.  ટેક કંપનીઓએ એઆઈની ક્રાંતિ પછી તેમના સાધારણ ડેટા સેન્ટર્સને જ એઆઈ ડેટા સેન્ટર્સમાં ફેરવી દીધા છે. 

એક અંદાજ એવો છે કે અમેરિકામાં પાંચ હજાર ડેટા સેન્ટર્સ છે અને એમાંથી ૮૭ વિશાળ એઆઈ ડેટા સેન્ટર્સ છે. ચીનમાં સરકારી કંપનીઓના જ ૩૯ એઆઈ ડેટા સેન્ટર્સ ધમધમી રહ્યા છે. યુરોપમાં છ એઆઈ ડેટા સેન્ટર્સ ચાલી રહ્યા છે. ભારતમાં ૧૫૦ જેટલા ડેટા સેન્ટર્સ છે એમાંથી ૧૦-૧૫ ડેટા સેન્ટર્સ એઆઈ માટે બન્યા હોવાની શક્યતા છે.