- એન્થ્રોપિકના ચેટબોટ ક્લોડનું ચોંકાવનારું બિલ
- અનેક કંપનીઓ 'ટોકનમેક્સિંગ'નો શિકાર : ઉબરે 2026નું એઆઈ બજેટ ચાર મહિનામાં પૂર્ણ કરી દીધું
કેલિફોર્નિયા : છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક કંપનીઓમાં એઆઈના ઉપયોગને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ પાછળ કાર્યક્ષમતામાં વધારાની સાથે ખર્ચમાં બચાવના કારણ આગળ ધરવામાં આવતા હોય છે. પરંતુ, એઆઈ ટૂલ્સનો વધતો ઉપયોગ ઘણી કંપનીઓ માટે ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. એક ચોંકાવનારી ઘટનામાં એક કંપનીએ માત્ર એક મહિનામાં જ એન્થ્રોપિકના ચેટબોટ ક્લોડ માટે અંદાજે રૂ. ૪,૭૦૦ કરોડથી વધુનું બિલ ચૂકવ્યું હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, કંપનીએ કર્મચારીઓને ક્લોડ એઆઈનો અનલિમિટેડ અક્સેસ આપી દીધો હતો. પરંતુ, તેના ઉપયોગ પર કોઈ મર્યાદા, બજેટ કંટ્રોલ અથવા રિયલ-ટાઇમ મોનીટરીંગ સિસ્ટમ રાખવામાં આવી નહોતી. તેના પરિણામે કર્મચારીઓએ ભારે પ્રમાણમાં એઆઈ કોડિંગ ટૂલ્સ, ઓટોમેટેડ એઆઈ એજન્ટ્સ અને મલ્ટી-સ્ટેપ એજેન્ટિક વર્કફ્લોનો ઉપયોગ શરૂ કર્યો હતો. જેના કારણે ખર્ચ આસમાને પહોંચ્યો.
આ ઘટના પછી ટેક ઇન્ડસ્ટ્રીમાં ટોકનમેક્સિંગ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે કંપનીઓ વધુમાં વધુ એઆઈ ટોકન અને પ્રોસેસિંગ પાવરનો ઉપયોગ કરીને ઉત્પાદકતા વધારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેનો ખર્ચ અંદાજ કરતા વધુ નીકળે છે. એઆઈ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે ઘણી કંપનીઓ હજુ પણ એઆઈ ટૂલ્સને સામાન્ય સોફ્ટવેરની જેમ જ ઉપયોગમાં લઈ રહી છે. પરંતુ ક્લોડ જેવા જનરેટિવ એઆઈ મોડેલ્સમાં ખર્ચ યુઝેજ પર આધારિત હોય છે.
એઆઈ કોડિંગ અને ઓટોમેટેડ વર્કફ્લો માટે ભારે કમ્પ્યુટિંગ શક્તિની જરૂર પડતી હોવાથી બિલ ઝડપથી વધી શકે છે. તાજેતરમાં ઉબર વિશે પણ અહેવાલ આવ્યો હતો કે કંપનીએ ૨૦૨૬ માટેનું એઆઈ બજેટ માત્ર ચાર મહિનામાં જ પૂર્ણ કરી દીધું હતું.


