World

એઆઈ ક્લોડનો ઉપયોગ જૈવિક શસ્ત્રો, મિસાઈલ બનાવવા, જાસૂસી માટે થયો હોવાનો ઘટસ્ફોટ

By GS Team
12 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકન AI કંપની એન્થ્રોપિકના સુરક્ષા રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રશિયા અને ચીન જેવા દેશોમાંથી સાયબર ગુનેગારો અને શંકાસ્પદ સંગઠનો જાસૂસી, બાયો વેપન્સ અને ડ્રોન હુમલા માટે તેના AI ક્લોડનો દુરુપયોગ કરી રહ્યા છે. એક વૈજ્ઞાનિકે ચિકનગુનિયા વાયરસને વધુ ખતરનાક બનાવવા ક્લોડની મદદ માંગી હતી. જોકે, કંપનીએ આવા 5 કેસમાં શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈ ક્લોડનો ઉપયોગ જૈવિક શસ્ત્રો, મિસાઈલ બનાવવા, જાસૂસી માટે થયો હોવાનો ઘટસ્ફોટ
  • અમેરિકન એઆઈ કંપની એન્થ્રોપિકના સુરક્ષા રિપોર્ટમાં દાવો
  • એક વૈજ્ઞાનિકે ચિકનગુનિયા વાયરસને ખતરકનાક બનાવવા ક્લોડની મદદ માગી : બધા શંકાસ્પદ એકાઉન્ટ બંધ કરાયા
  • રશિયામાં એક ઓપરેટરે ક્લોડ કોડની મદદથી સંપૂર્ણ પ્રકારે ઓટોનોમસ કામિકેજ ડ્રોન સ્વોર્મ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો

સાનફ્રાન્સિસ્કો : ચેટબોટને સરળ સવાલો પૂછવાથી લઈને શરૂ થયેલો એઆઈનો ઉપયોગ જૈવિક શસ્ત્રો, મિસાઈલ, બોમ્બ બનાવવા, જાસૂસી, માસ સર્વેલન્સ માટે થવા લાગ્યો છે. આ ઘટસ્ફોટ અમેરિકાની એઆઈ કંપની એન્થ્રોપિકે તેના સુરક્ષા રિપોર્ટમાં કર્યો છે. એન્થ્રોપિકે સુરક્ષા રિપોર્ટમાં દાવો કર્યો છે કે રશિયા, ચીન, ઈરાન જેવા દેશોમાંથી સાયબર ગૂનેગારો અને શંકાસ્પદ સંગઠનો જાસૂસી, બાયો વેપન્સ માટે તેના એઆઈ ક્લોડનો દુરુપયોગ થઈ રહ્યો છે. જોકે, આ બાબત ધ્યાનમાં આવતા તુરંત કંપનીએ સંબંધિત એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા.
એન્થ્રોપિકે તેના સુરક્ષા રિપોર્ટમાં જણાવ્યું છે કે તેણે તેના ક્લોડ મોડેલ મારફત જૈવિક હથિયારો વિકસિત કરવા સંબંધિત અનેક શંકાસ્પદ પ્રવૃત્તિઓને સમયસર અટકાવી દીધી હતી. આ વર્ષે સામે આવેલા કેટલાક કેસોમાં તેના હાઈકુ, સોનેટ અને ઓપસ મોડેલ્સના દુરુપયોગનો પ્રયત્ન થયો હોવાનું તેમને જણાયું હતું. કંપની મુજબ આ કેસોમાં શંકાસ્પદ સરકારી સંગઠનો, આર્થિક ફાયદો મેળવનારા સાયબર ગુનેગારો, પ્રોપેગેન્ડા નેટવર્ક, સ્પાયવેર વેન્ડર અને રાજકીય રૂપે પ્રેરિત ગુનેગારો સંડોવાયેલા હતા.
એન્થ્રોપિકે કહ્યું કે સૌથી સંવેદનશીલ કિસ્સો જૈવિક હથિયારોના રિસર્ચ સાથે સંકળાયેલો હતો, જેમાં કેટલાક શંકાસ્પદ સરકારી વૈજ્ઞાાનિક પણ સામેલ હતા. કંપની માટે એ નિશ્ચિત કરવું હંમેશા મુશ્કેલ રહ્યું કે, સંશોધકોનું કામ કાયદાકીય રૂપે યોગ્ય છે અથવા નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કરાઈ રહ્યું છે. આ કારણે કંપનીએ અત્યંત સાવધાની રાખવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે સામાન્ય બાયોલોજિકલ રિસર્ચ અને ખતરનાક વાયરસ-બેક્ટેરિયા બનાવવાના કામ વચ્ચેનું અંતર ખૂબ જ પાતળું હોય છે.
એન્થ્રોપિકના થ્રેટ ઈન્ટેલિજન્સ ચીફ જેકોબ ક્લેને કહ્યું કે, ચિકનગુનિયા વાયરસને વધુ ખતરકનાક બનાવવા માટે ક્લોડની મદદ લેવાઈ હતી. કંપનીએ તેના રિપોર્ટમાં જૈવિક હથિયારો માટે એઆઈ ક્લોડના દુરુપયોગના પાંચ કેસનો ઉલ્લેખ કરાયો હતો. મે મહિનામાં એક વૈજ્ઞાાનિકે ચિકનગુનિયા વાયરસને 'ગેઇન-ઓફ-ફંક્શન' રિસર્ચ માટે ગ્રાન્ટ એપ્લિકેશનનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં ક્લોડની મદદ માગી હતી. આ રિસર્ચનો આશય વાયરસમાં એવા મ્યુેટશન પેદા કરવાનો હતો, જનાથી તે જીવિત પ્રાણીઓને વારંવાર સંક્રમિત કરીને વધુ ખતરનાક બની શકે. એન્થ્રોપિક માટે આ બાબત એટલા માટે પણ ચિંતાજનક હતી, કારણ કે આ કામ કથિત રીતે એક મિલિટ્રી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ માટે કરાઈ રહ્યું હતું.
કંપનીની બાયોલોજિકલ સેફ્ટી ક્લાસિફાયરે આ વિનંતીને બ્લોક કરી દીધી. જોકે, આ યુઝરે એન્થ્રોપિકના સુરક્ષા ઘેરાને તોડવા માટે થર્ડ પાર્ટી પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો. કંપનીએ આવા અન્ય કેસો પણ પકડી પાડયા અને બધા જ એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરી દીધા તથા આકરું સુરક્ષા ફિલ્ટર લાગુ કર્યું. રશિયામાં એક ઓપરેટરે ક્લોડ કોડની મદદથી સંપૂર્ણ પ્રકારે ઓટોનોમસ કામિકેજ ડ્રોન સ્વોર્મ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુક્રેન યુદ્ધના ફૂટેજથી શીખીને આ એઆઈ ડ્રોન પોતે જ માણસોને ઓળખીને કોઈપણ માનવીય મદદ વિના વિસ્ફોટ કરવા સક્ષમ હતો.
એન્થ્રોપિકે દાવો કર્યો કે તેણે ચીનમાં સેના અને સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત એક એકાઉન્ટે ક્લોડનો ઉપયોગ કરીને ૧૬-મોડયુલવાળી ઈલેક્ટ્રોનિક વેફર અને એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયત્ન કરાયો હતો. પાછળથી આ સિસ્ટમનું સિમ્યુલેશન તાઈવાનના ૧૨ વાસ્તવિક સ્થળો પર કેન્દ્રીત કરાયું હતું. એઆઈએ જાસૂસી અને નિરીક્ષણનું કામ સરળ બનાવ્યું છે.