World

પૂરની તબાહી બાદ નેપાળમાં વધુ એક આફતના એંધાણ: વિશાળ સરોવર તૂટવાનો ખતરો, ચીને 72 કલાકની આપી ચેતવણી

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભયાવહ પૂર વચ્ચે વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે ચેતવણી આપી છે કે નેપાળમાં 20 લાખ ઘન મીટર પાણીનું એક વિશાળ કુદરતી સરોવર બન્યું છે. આગામી 72 કલાકમાં તે તૂટવાનું જોખમ છે, જેનાથી ભોટે કોશી નદી સહિતના વિસ્તારોમાં વિનાશ વધુ વકરશે. હાલ 359 લોકોના મોત થયા છે અને સેંકડો લાપતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂરની તબાહી બાદ નેપાળમાં વધુ એક આફતના એંધાણ: વિશાળ સરોવર તૂટવાનો ખતરો, ચીને 72 કલાકની આપી ચેતવણી

Nepal Flood : નેપાળમાં ભારે પૂરથી સર્જાયેલી મોટી તબાહી વચ્ચે વધુ એક ભયાનક સંકટની ચેતવણી સામે આવી છે. ચીનના જળ સંસાધન મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળમાં છોછેન ખોલા અને પુરેપૂ ત્સાંગપો નદીઓના સંગમ નજીક આશરે 20 લાખ ઘન મીટર પાણી ધરાવતું એક વિશાળ કુદરતી સરોવર બની ગયું છે. આ સરોવર અત્યારથી જ ઓવરફ્લો થવા લાગ્યું છે અને આગામી 3 દિવસમાં તેમાં વધુ 30 લાખ ઘન મીટર પાણી ઉમેરાવાની શક્યતા છે, જેને પગલે સ્થિતિ વધુ ગંભીર બની છે.

નવું સરોવર તૂટવાનું કેટલું મોટું જોખમ?

ચીનના જળ સંસાધન મંત્રાલયે આ સરોવરના કુદરતી પાળા તૂટવાની શક્યતાને અત્યંત ગંભીર ગણાવી છે. જાહેર કરાયેલી ચેતવણી મુજબ આગામી 72 કલાક ખૂબ જ નિર્ણાયક છે. પાણીનો પ્રવાહ સતત વધવાથી આ કુદરતી બંધ પર ભારે દબાણ આવી શકે છે. જો આ બંધ તૂટશે તો એકઠું થયેલું લાખો ઘન મીટર પાણી અચાનક નીચેના વિસ્તારો તરફ ધસી જશે, જેના કારણે પહેલાંથી પૂરનો સામનો કરી રહેલા વિસ્તારોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.

સંકટ સામે ચીનનું મોનિટરિંગ

ચીની અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સંભવિત પૂરના રસ્તાઓનું રિયલ-ટાઇમ આકલન કરવા માટે કમ્પ્યુટર આધારિત ફ્લડ મોડલ ચલાવવામાં આવી રહ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બચાવ દળોને સમયસર સચોટ માહિતી પૂરી પાડવાનો અને નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત જળપ્રલયના જોખમને ઘટાડવાનો છે. જોકે પહાડી ભૂગોળ અને સતત ચાલુ રહેલો વરસાદ બચાવ અભિયાનમાં મોટો અવરોધ ઊભો કરી રહ્યા છે.

બીજા પૂરનું વધતું જોખમ

આ નવી ઝીલમાં આગામી 3 દિવસમાં આશરે 30 લાખ ઘન મીટર વધારાનું પાણી આવવાનો અંદાજ હોવાથી સ્થિતિ ચિંતાજનક બની છે. પાણીના વધતા દબાણને કારણે જો કુદરતી બંધ તૂટે તો ભારે વેગ સાથે પાણી નદીકાંઠાના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી શકે છે. આ સંજોગોમાં નદી કિનારે વસતા પરિવારો અને અગાઉથી અસરગ્રસ્ત વિસ્તારો માટે મોટો ખતરો ઊભો થયો હોવાથી આગામી 72 કલાક સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત નાજુક માનવામાં આવી રહ્યા છે.

નેપાળમાં અગાઉના પૂરથી મચેલી તબાહી અને મૃત્યુઆંક

નેપાળમાં તાજેતરમાં આવેલા ભીષણ પૂરના કારણે મોટો વિનાશ વેર્યો છે. ભોટે કોશી નદીની આસપાસ આવેલા પૂરમાં મૃત્યુઆંક 359 સુધી પહોંચ્યો હોવાના અહેવાલ છે. હાલ નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને સ્થાનિક પોલીસ બચાવ કામગીરીમાં લાગેલી છે. માત્ર નારાયણી નદીમાંથી જ 121 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

સેંકડો લોકો લાપતા, સરહદી વિસ્તારો પણ પ્રભાવિત

હિમાલયી સરહદી જિલ્લાઓમાં હજુ પણ સેંકડો લોકો ગુમ છે, જેમાં 600 થી વધુ વિદેશી નાગરિકો અને યાત્રાળુઓ પણ સામેલ છે. આ કુદરતી આફતની અસર નેપાળ-ચીન સરહદ સુધી પહોંચી છે. ચીનના તિબેટ ક્ષેત્રમાં પણ 3 લોકોના મોત થયા છે, 2 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે અને 558 લોકો હજુ લાપતા હોવાની વિગતો સામે આવી છે.