World

નેપાળમાં 300 કિ.મી.ની ઝડપે તારાજી બાદ હવે બીજા પૂરનું જોખમ

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
નેપાળ-તિબેટ સરહદે આવેલા ફ્લેશ ફ્લડથી ભારે તારાજી સર્જાઈ છે, જેમાં મૃત્યુઆંક 800ની નજીક પહોંચ્યો છે. 600 વિદેશીઓ સહિત 3000 લોકો હજુ લાપતા છે, જ્યારે 9,500ને બચાવવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોના મતે હિમશિખર તૂટતાં 300 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પાણી ખીણમાં ધસી આવ્યું હતું. નવા ત્રણ સરોવરો રચાતા વધુ પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં 300 કિ.મી.ની ઝડપે તારાજી બાદ હવે બીજા પૂરનું જોખમ

કાઠમંડુ : નેપાળ-તિબેટ સરહદેથી આવેલા ફ્લેશ ફ્લડે ભારે તારાજી સર્જી છે. આ હોનારતમાં મૃત્યુઆંક વધીને ૮૦૦ નજીક પહોંચી ગયો છે અને ૬૦૦ વિદેશી સહિત ૩૦૦૦ લોકો હજુ પણ લાપતા છે જ્યારે ૯,૫૦૦ લોકોને બચાવી લેવાયા છે. નેપાળ હજુ પૂરની તારાજીમાંથી બેઠું થયું નથી ત્યારે વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે કે બુધવારે નેપાળમાં હિમ શિખર તૂટી પડતાં પાણીનો પ્રવાહ પ્રતિ ક્લાક ૩૦૦ કિ.મી.ની ગતિએ ખીણ વિસ્તારમાં ત્રાટક્યો હતો. હિમ શિખર પડવાના કારણે તે વિસ્તારમાં હવે વધુ ત્રણ સરોવર રચાતા બીજા પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે.
નેપાળમાં બુધવારે વિનાશક પૂરે તારાજી સર્જ્યા પછી ચાર દિવસ પછી પણ લોકો પોતાના આપ્તજનોને શોધી રહ્યા છે ત્યારે વૈજ્ઞાાનિકો અને નિષ્ણાતો ત્રિશુલી નદી અને ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક પૂરના કારણોનું વિશ્લેષણ કરી રહ્યા છે. પર્વતારોહી સંજિત સિંહ બાલે કહ્યું કે, આ હિમપ્રપાત જેવી હોનારત લાગે છે. હિમશિખરનો લગભગ અડધાથી એક કિ.મી. જેટલો બરફ ૫,૦૦૦ મીટરની ઊંચાઈએથી ખીણમાં પડયો, જેના કારણે આવેલા પૂરે વિનાશક તારાજી સર્જી.
હિમાલયન ગ્લેશિયર અને માઉન્ટેન રિસર્ચર ધનંજય રેગ્મીએ જણાવ્યું કે, તિબેટમાં બુધવારે પર્વત પરથી હિમશિખર તૂટી પડયા સર્જાયેલું સરોવર ફાટયા પછી પાણીનો પ્રવાહ પ્રતિ કલાક ૩૦૦ની ગતિએ આગળ વધ્યો હશે. આ વિસ્તારમાં હવે ત્રણ સરોવર રચાઈ ગયા છે. હવે પર્વત પરથી કોઈપણ ખડક પડે તો ત્રણેય સરોવર પર પરાવર્તીત અસરોથી વધુ એક પૂર આવવાનું જોખમ તોળાયેલું છે. આ પૂર ટાળવાનો એકમાત્ર વિકલ્પ નિયંત્રિત રીતે તળાવમાંથી પાણી ઘટાડવાનો છે.
દરમિયાન નેપાળમાં સતત પાંચમા દિવસે સર્ચ અને રેસ્ક્યુ અભિયાન ચાલુ છે. નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીઆરઆરએમએ)એ રવિવારે ચેતવણી આપી હતી કે, ભોટેકોશી નદીમાં ફરીથી જળસ્તર વધી રહ્યું છે. આ હોનારતના કારણે નેપાળમાં ૬૦૦ વિદેશીઓ સહિત ૩,૦૦૦થી વધુ લોકો લાપતા છે. હોનારતના પાંચમા દિવસે પણ નેપાળ આર્મી સર્ચ અને રેસ્ક્યુ અભિયાન ચલાવી રહી છે.
નેપાળમાં સ્થિતિ એટલી ખરાબ છે કે હવે હોસ્પિટલોમાં મૃતદેહો રાખવાની જગ્યા ખૂટી પડી છે. આ સિવાય હોસ્પિટલોમાં લાપતા લોકોને શોધવા માટે સ્થાનિક લોકોના ટોળા ઉમટી રહ્યા છે. સરકારે હવે મૃતદેહોની ઓળખ કરીને તેમનો નિકાલ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. વડાપ્રધાન બાલેન શાહે કહ્યું કે, અજ્ઞાાત મૃતદેહોના ડીએનએ નમૂના અને ઓળખની વિગતો સુરિક્ષત રખાશે. ત્યાર પછી સરકાર તેમના અંતિમ સંસ્કાર કરશે અથવા દફનાવી દેશે. અજ્ઞાાત મૃતદેહોની ભવિષ્યમાં ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએના નમૂના, યુનિક આઈડી અને જિયો ટેગિંગ કરાશે.
બીજીબાજુ ચીનના મીડિયાના અહેવાલો મુજબ આ હોનારતથી ચીનની સરહદે તિબેટમાં મૃત્યુઆંક વધીને ૧૬ થયો છે જ્યારે ૫૫૦થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૭૫થી વધુ ભારતીયો અને ૧૨૮થી વધુ ભારતીય મૂળના લોકોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. રવિવારે વિદેશ મંત્રાલયે એક્સ પર આ હોનારતમાં બચાવાયેલા ૧૪૯ લોકોની યાદી જાહેર કરી હતી.