World

અફઘાનિસ્તાનની ભૂમિ ભારત વિરોધી કાર્યવાહી માટે વાપરવા નહી દેવાય : મુત્તાકી

By GS TEAM
10 Oct 20252 mins read
અફઘાનિસ્તાનની ભૂમિ ભારત વિરોધી કાર્યવાહી માટે વાપરવા નહી દેવાય : મુત્તાકી

- દક્ષિણ- એશિયામાં સમીકરણો બદલાઈ રહ્યા છે

- ભારતના વિદેશ મંત્રી સાથે દૂરદર્શી અને ફળદાયી મંત્રણા થઈ અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતના ફાળાની પ્રશંસા કરીએ છીએ

નવી દિલ્હી : દક્ષિણ એશિયામાં સમીકરણો બદલાઈ રહ્યા છે. અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની ભારતની આશરે એક સપ્તાહ (૯મી ઓક્ટો.થી ૧૬મી ઓક્ટો.)ની મુલાકાત જ દર્શાવી આપે છે કે અફઘાનિસ્તાન હવે, ભારતને કેટલું મહત્ત્વ આપે છે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી, આમીરખાન મુત્તાકીએ ખાત્રીપૂર્વક કહ્યું હતું કે, 'અફઘાનિસ્તાન તેની ભૂમિ ભારત વિરોધી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવા નહીં દે'

શુક્રવારે રાષ્ટ્રપતિભવનની બાજુમાં જ આવેલા 'હૈદરાબાદ હાઉસ'માં આમીરખાન અને એસ. જયશંકર વચ્ચે, 'લંબાણપૂર્વક અને સઘન મંત્રણાઓ થઈ હતી.'

આ મંત્રણા પછી પત્રકારોને કરેલા સંબોધનોમાં મુત્તાકીએ કહ્યું 'અમારી વચ્ચેની મંત્રણા દીર્ઘ દ્રષ્ટિભરી અને ફળદાયી રહી હતી. બંને દેશોએ વ્યાપાર, વિકાસ અને સલામતી અંગે પારસ્પરિક સંપર્કો વધારવા સહમત થયા છે. આ સાથે તેઓએ તાજેતરમાં અફઘાનિસ્તાનમાં આવેલા પૂરો અને ધરતીકંપ સમયે પણ ભારતે આપેલી સહાયની પ્રશંસા કરી હતી.'

દ્વિપક્ષીય વ્યાપારમાં રહેલા અવરોધો દૂર કરવા બંને દેશો સહમત થયા છે. વાસ્તવમાં તાલિબાનોએ ૨૦૨૧માં સત્તા ગ્રહણ કર્યા પછી બંને દેશો વચ્ચેનો વ્યાપાર ઠપ્પ થઈ ગયો હતો તે હવે ફરી શરૂ કરવામાં આવશે.

સલામતી ક્ષેત્રે મુત્તાકીએ ભારપૂર્વક હતું કે, 'અફઘાનિસ્તાન પ્રાદેશિક સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે.' આ સાથે તેઓએ કહ્યું કે અફઘાનિસ્તાન કોઈપણ દેશ વિરૂદ્ધ તેની ભૂમિનો ઉપયોગ નહી કરવા દે. આ રીતે, દક્ષિણ એશિયામાં પ્રસરી રહેલાં ત્રાસવાદી નેટવર્ક પ્રત્યે ભારતે દર્શાવેલી ચિંતા અંગે અફઘાનિસ્તાન તરફથી સ્પષ્ટતા કરી હતી. સાથે ભારત દ્વારા ત્યાં શરૂ કરાયેલા વિકાસ કાર્યો જે બંધ પડયા છે તે ફરી શરૂ કરવા અનુરોધ કર્યો હતો.

મુત્તાકી ભારતની ૮ દિવસની મુલાકાત દરમિયાન ભારતના મહત્ત્વના ઔદ્યોગિક શહેરોની પણ મુલાકાત લેવાના છે અને ઉદ્યોગપતિઓને મળવાના છે.

નિરીક્ષકો કહે છે કે, અફઘાનિસ્તાનમાં ઘૂસી તેની દુર્લભ ધાતુઓ મેળવવાનો ચીનનો ઇરાદો હતો, બીજી તરફ પાકિસ્તાન પણ ત્યાં ઘૂસવા માંગતું હતું અમેરિકા બાગરામ લશ્કરી મથક પર કબ્જો જમાવવા માગતુ હતું તે બધા ઉપર પાણી ફરવાની સંભાવના છે. દક્ષિણ એશિયામાં ભારત સોફ્ટ પાવર તરીકે આગળ વધી રહ્યું છે તે નિશ્ચિત છે તે સાથે દક્ષિણ એશિયામાં સમીકરણો બદલાઈ રહ્યા છે તે નિશ્ચિત છે.