લિવ-ઇનમાં રહેતી મહિલા ઘરેલુ હિંસાનો કેસ કરી શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બદલાઇ રહેલી સામાજિક પરિસ્થિતિ સાથે કાયદાએ આગળ વધવું જોઇએ : સુપ્રીમનું અવલોકન
- 498-એ કલમ માત્ર વિવાહિત મહિલા પૂરતી મર્યાદિત નથી પ્રાથમિક તપાસ વગર આરોપીની ધરપકડ નહીં કરી શકાય : સુપ્રીમ
- આજના સમયમાં લિવ-ઇન રિલેશનશિપ એક હકીકત છે, તેથી કાયદાનું રક્ષણ મળવું પણ જરૂરી : સુપ્રીમ
નવી દિલ્હી : સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચેના વિવાદોમાં ઘરેલુ હિંસા સામે મહિલાઓને રક્ષણ આપતી આઇપીસીની કલમ ૪૯૮એ પરિણીત મહિલાઓ ઉપયોગ કરતી હોય છે. જોકે આ કલમનો વ્યાપ વધારી દેતો એક ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે લિવ-ઇન પાર્ટનરને પણ આ કલમ લાગુ પડી શકે છે અને મહિલા આ કલમ હેઠળ કાયદાનું રક્ષણ મેળવી શકે છે અને પોતાના લિવ ઇન પાર્ટનર પુરુષ સામે આ કલમનો ઉપયોગ કરી શકે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૪૯૮એના એક મામલાની સુનાવણી દરમિયાન મહિલાઓને અપાયેલા ક્રૂરતા સામે બચાવના અધિકારોને માત્ર પરિણીત મહિલાઓ સુધી જ સિમિત ના કરી શકાય. બદલાઇ રહેલી સામાજિક પરિસ્થિતિઓની સાથે કાયદાએ પણ આગળ વધવું જોઇએ. લિવ-ઇન રિલેશનશિપમાં રહેનાર પાર્ટનર સ્ત્રી હોય કે પુરુષ તેનાથી કોઇ ફરક નથી પડતો, ૪૯૮એ અંતર્ગત સુરક્ષા મેળવવાનો અધિકાર લગ્ન કરનારા કપલની જેમ લિવ-ઇનમાં રહેનારાને પણ મળવો જોઇએ.
સામાન્ય રીતે આઇપીસીની કલમ ૪૯૮એ પત્નીઓને પતિ અથવા સાસુ સસરા કે સાસરિયામાં ઘરેલુ હિંસાના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. આ કલમ હેઠળ જો કોઇ દોષિત ઠરે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ અને સાથે દંડની જોગવાઇ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે લગ્ન કરવાના હેતુથી જો કોઇ કપલ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતું હોય ત્યારે જ આ કલમ દ્વારા મહિલાને રક્ષણ મળી શકશે. ૪૯૮એના મામલામાં એક આરોપી ડોક્ટરની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ચુકાદો આપ્યો હતો.
ફરિયાદી મહિલા તીર્થાએ ડોક્ટર લોકેશ પર આરોપ લગાવ્યો હતો કે તેણે ક્રૂરતા કરી હતી, આ મામલે બાદમાં ૪૯૮એ સહિતની કલમો હેઠળ ડોક્ટર લોકેશ સામે ફરિયાદ દાખલ કરાઇ હતી, જેમાં મહિલાએ દાવો કર્યો હતો કે બન્નેના લગ્ન થયા હતા. જ્યારે આરોપીનો દાવો છે કે કોઇ જ લગ્ન નહોતા થયા માત્ર સંબંધમાં રહ્યા હતા. કર્ણાટક હાઇકોર્ટે ફરિયાદ રદ કરવાની ના પાડી દેતા આરોપી દ્વારા સુપ્રીમમાં અપીલ કરાઇ હતી, જોકે સુપ્રીમે હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો અને રાહત આપવાની ના પાડી દીધી હતી. સુપ્રીમે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપ આજે એક હકિકત બની ગયા છે, એવામાં આવા સંબંધમાં સામેલ મહિલાઓને પણ ક્રૂરતાથી રક્ષણ મળવું જરૂરી છે. જોકે સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે લગ્ન કરવાના ઇરાદાથી કે લગ્ન જેવા સંબંધો હોય તેવા લિવ-ઇન રિલેશનશિપના મામલામાં પણ આ ચુકાદો લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે કાયદાના વધી રહેલા દુરુપયોગને રોકવા માટે આ સ્પષ્ટતા કરી હતી. સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક તપાસ કર્યા વગર કોઇની પણ ધરપકડ નહીં કરી શકાય.
છૂટાછેડા લીધેલા હોય તો જ નોકરી ભેદભાવ
પરિણીત પુત્રીને પણ રહેમરાહે નોકરીનો અધિકાર : સુપ્રીમ
- લગ્ન બાદ પુત્રીઓનો સંબંધ તેમના માતા-પિતા સાથે પૂર્ણ નથી થઇ જતો : સુપ્રીમની સ્પષ્ટતા
નવી દિલ્હી : રહેમરાહે સંતાનોને કે પરિવારના લોકોને અપાતી નોકરી કે સહાયને લઇને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે. સુપ્રીમે કહ્યું છે કે માત્ર છૂટાછેડા લીધેલ કે ત્યજી દીધેલી પુત્રીઓને જ રહેમરાહે નોકરી આપવી અયોગ્ય છે, એક પરિણીત પુત્રીને પણ આ જ અધિકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમે કહ્યું છે કે તમામ પુત્રીઓ રહેમરાહે નોકરી કે સહાયને હકદાર છે.
બિહારમાં પરિણીત પુત્રીને રહેમરાહે નોકરી નહીં આપવાનો એક આદેશ સરકાર દ્વારા ૨૦૧૪માં જાહેર કરાયો હતો, જેની સામે એક મહિલા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મહિલાની દલીલોને માન્ય રાખી હતી અને સરકારના આ ભેદભાવવાળા આદેશને રદ કરી દીધો હતો. અરજદાર મહિલાએ પોતાના પિતાના મૃત્યુ બાદ રહેમરાહે નોકરી આપવાની માગણી કરી હતી, જોકે બિહાર સરકારે એમ કહીને તેની અરજી ફગાવી દીધી હતી કે તેણે છૂટાછેડા લીધેલા નથી અને હાલ પણ પરિણીતા તરીકેનો દરજ્જો ધરાવે છે. સુપ્રીમ કોર્ટે સરકારની આ દલીલોને ફગાવી હતી અને સ્પષ્ટતા કરી હતી કે માત્ર છૂટાછેડા લીધેલી કે તરછોડાયેલી પુત્રીઓને જ આ અધિકાર આપવા અને અન્ય પુત્રીઓને ન આપવા કાયદાકીય રીતે સ્વીકારી શકાય નહીં. સુપ્રીમે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે લગ્ન પછી પુત્રી પોતાના માતા પિતા સાથે સંબંધ તોડી નાખે તેવી કાયદામાં કોઇ ધારણા નથી, આ પહેલા પટના હાઇકોર્ટ દ્વારા પુત્રીની અપીલ ફગાવાઇ તે ચુકાદાને પણ સુપ્રીમે અયોગ્ય ઠેરવ્યો હતો.









