World

ઈરાની સેના IRGC અને અમેરિકી હથિયારોથી સજ્જ કુર્દો વચ્ચે સરહદ પર લોહિયાળ જંગ, શું નવું યુદ્ધ ફાટી નીકળશે?

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
ઇરાનમાં કુર્દ અને IRGC વચ્ચે સરહદી વિસ્તારોમાં ભીષણ અથડામણ થઈ છે, જેમાં 4 ઇરાની સૈનિકો અને 2 IRGC સભ્યો માર્યા ગયા છે. પાવેહ, મારીવાન અને મહાબાદ જેવા પશ્ચિમી ઇરાનના પહાડી વિસ્તારોમાં આ સંઘર્ષ ચાલી રહ્યો છે. પોલીસ ચોકી પર પણ હુમલો થયો હતો. કુર્દિશ જૂથો ઇરાની શાસન સામે મોટો સંઘર્ષ શરૂ કરવાના સંકેત આપી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાની સેના IRGC અને અમેરિકી હથિયારોથી સજ્જ કુર્દો વચ્ચે સરહદ પર લોહિયાળ જંગ, શું નવું યુદ્ધ ફાટી નીકળશે?

Iran IRGC Kurd Clash : અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) બાદ હવે વધુ એક યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. તાજેતરના દિવસોમાં સરહદ પર થયેલી અથડામણમાં કેટલાય ઈરાની સૈનિકો માર્યા ગયા છે. ઈરાનના શફાક ન્યૂઝે 30 જૂને ખુલાસો કર્યો કે, દેશના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં મંગળવારે બે અલગ-અલગ ઘટનાઓમાં 4 ઈરાની સૈનિકો માર્યા ગયા છે. તો બીજી તરફ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નજીકની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ પણ અહેવાલ આપ્યો છે કે, IRGCના 2 સભ્યો માર્યા ગયા છે, અને 2 અન્ય ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, આ એક સશસ્ત્ર આતંકવાદી હુમલો હતો, જે કેરમાનશાહ પ્રાંતના સરહદી શહેર પાવેહમાં કરવામાં આવ્યો હતો.

ઇઝરાયેલી અખબાર જેરૂસલેમ પોસ્ટના એક અહેવાલ મુજબ, ઈરાનના કુર્દિસ્તાન પ્રાંતના બાનેહ શહેરની અંદર ગોળીબારની ઘટના બની છે. એક બંદૂકધારીએ પોલીસ ચેકપોઇન્ટને નિશાન બનાવી હતી. આ હુમલામાં બે પોલીસકર્મી માર્યા ગયા છે, અને 3 અન્ય લોકો ઘાયલ થયા છે. આ હુમલો કોણે કર્યો હતો, તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. બીજી તરફ, ઈરાનમાં કુર્દો પર નજર રાખતી વેબસાઈટ Rojhelat.Infoના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં સશસ્ત્ર સંઘર્ષ હજુ પણ ચાલુ છે.

કુર્દ સરહદ પર ઈરાનમાં થઈ રહેલા હુમલા

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ લોહિયાળ સંઘર્ષનું કેન્દ્ર પાવેહ શહેર છે. આ સિવાય મારીવાન અને મહાબાદ શહેરોમાં પણ સંઘર્ષ થઈ રહ્યો છે. આ વિસ્તારો એકબીજાની નજીક નથી. મહાબાદ શહેર મારીવાનથી 230 કિમી દૂર છે. પાવેહ મારીવાનથી 100 કિમી દક્ષિણમાં છે. આ તમામ વિસ્તારો પશ્ચિમ ઈરાનમાં આવેલા છે, અને પહાડી છે. જ્યાં મોટી સંખ્યામાં કુર્દ લોકો રહે છે. મહાબાદમાં 1,70,000 લોકો રહે છે, જેમાં મોટાભાગના કુર્દ છે. Rojhelat એ જણાવ્યું કે, સશસ્ત્ર સંઘર્ષ ઈરાની કુર્દિસ્તાનના અલગ-અલગ ભાગોમાં થઈ રહ્યો છે.

આ પહેલા મારીવાન અને મહાબાદમાં IRGCના સભ્યો પર હુમલો થયો હતો, જેમાં તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. અહેવાલો અનુસાર, આ લડાઈમાં પૂર્વી કુર્દિસ્તાન ડિફેન્સ યુનિટના સભ્યો સામેલ હતા. આ લોકો કુર્દિસ્તાનને મુક્ત કરાવવા માટે લડાઈ લડી રહ્યા છે. તેમને તુર્કીના PKK જૂથનું સમર્થન પ્રાપ્ત છે. ઈરાન યુદ્ધ દરમિયાન અમેરિકાએ મોટા પાયે કુર્દોને હથિયારો આપ્યા હતા. ટ્રમ્પને આશા હતી કે, કુર્દ જમીની અભિયાન શરૂ કરશે, પરંતુ તેમણે એવું કર્યું ન હતું. આ બાબતે ટ્રમ્પ ગુસ્સે પણ થયા હતા, પરંતુ તાજેતરની ઘટનાઓ પરથી લાગે છે કે, કુર્દોએ હવે ઈરાની સેના સામે ગેરીલા યુદ્ધ છેડી દીધું છે. જેરૂસલેમ પોસ્ટના જણાવ્યા અનુસાર, કુર્દોના કેટલાય સંઘર્ષ કરતા જૂથોએ સંકેત આપ્યા છે કે, તેઓ હવે ઈરાની શાસન સામે મોટો સંઘર્ષ શરૂ કરવા જઈ રહ્યા છે.