World

'મારાથી ભૂલ થઈ ગઇ...' ઈરાન યુદ્ધમાં કઈ વાતને લઈને ટ્રમ્પના મંત્રીએ માફી માગવી પડી?

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકન વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ઈરાન યુદ્ધમાં સૈનિકોના મોત અંગેના ખોટા નિવેદન બદલ જાહેરમાં માફી માંગી છે. તેમણે સ્વીકાર્યું કે ઈરાનમાં 18 અમેરિકન સૈનિકો શહીદ થયા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમણે પોતાની ભૂલ સ્વીકારી, દુઃખ વ્યક્ત કર્યું, અને જણાવ્યું કે તેઓ વેનેઝુએલાના અભિયાન વિશે વિચારી રહ્યા હતા. આ મુદ્દો ટ્રમ્પની પોસ્ટ બાદ વધુ ગરમાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'મારાથી ભૂલ થઈ ગઇ...' ઈરાન યુદ્ધમાં કઈ વાતને લઈને ટ્રમ્પના મંત્રીએ માફી માગવી પડી?
IMAGE - IANS

US Military News: અમેરિકન વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ઈરાન યુદ્ધમાં અમેરિકન સૈનિકોના મોત અંગે આપેલા ખોટા નિવેદન બદલ જાહેર માફી માંગી છે. તેમણે સ્વીકાર્યું છે કે ઈરાનમાં અમેરિકન સેનાના 18 જવાનો શહીદ થયા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન યુદ્ધમાં માર્યા ગયેલા અને ઘવાયેલા અમેરિકન સૈનિકોના આંકડાઓને લઈને બાઇડન અને ટ્રમ્પ પ્રશાસન પર પહેલાથી જ સવાલો ઊઠી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર માફી માંગી દુઃખ વ્યક્ત કર્યું

હોવર્ડ લુટનિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખીને પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે લખ્યું કે, 'ગઈકાલે G20 ઇનોવેશન સમિટમાં AI વિષય પર બોલતી વખતે ઈરાનમાં સૈન્ય કાર્યવાહી અંગેના એક પ્રશ્નનો જવાબ આપતા મારાથી ખોટું નિવેદન અપાઈ ગયું હતું. આપણી સેનાના 18 જવાનોએ જીવ ગુમાવ્યો છે અને તે પરિવારો માટે મારું દિલ અત્યંત દુઃખી છે. આ નુકસાન બદલ હું ખૂબ ખેદ વ્યક્ત કરું છું.' તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ વેનેઝુએલાના સૈન્ય અભિયાન વિશે વિચારી રહ્યા હતા, જેમાં કોઈ સૈન્યકર્મીનું મોત થયું નહોતું.

9/11 હુમલાનો ઉલ્લેખ કરી શહીદો પ્રત્યે આદર વ્યક્ત કર્યો

લુટનિકે વધુમાં કહ્યું હતું કે, '9/11 હુમલાની 25મી વરસી નજીક આવી રહી છે, ત્યારે હું અમેરિકન સેના અને દેશની સેવા કરતા તમામ જવાનોના બલિદાન પ્રત્યે આદર ધરાવું છું.' તેમણે પોતાના અંગત દુઃખનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આવા હુમલા ફરી ક્યારેય ન થવા જોઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકી હુમલામાં તેમણે તેમના ભાઈ ગેરી (36 વર્ષ), અંગત મિત્ર ડગ (39 વર્ષ) અને 656 જેટલા નજીકના મિત્રો તેમજ સાથે કામ કરતા લોકોને ગુમાવ્યા હતા.

ટ્રમ્પની પોસ્ટ બાદ મંત્રીએ જાહેર કરી માફી

લુટનિકનું આ વિવાદાસ્પદ નિવેદન બુધવારે સવારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આવ્યું હતું, જે તરફ શરૂઆતમાં બહુ ધ્યાન ગયું નહોતું. જોકે, ગુરુવારે સવારે આ મુદ્દો ઘેરો બનતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પની પોસ્ટના આશરે 45 મિનિટ બાદ લુટનિકે સત્તાવાર માફી માગી હતી.

સૈનિકોના આંકડા છુપાવવા બદલ પ્રશાસન પહેલેથી જ વિવાદમાં

ઈરાન યુદ્ધમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા જવાનોની સાચી માહિતી આપવા અંગે અમેરિકન પ્રશાસન સતત સવાલોના ઘેરામાં રહ્યું છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં સંરક્ષણ વિભાગની વેબસાઇટ પરથી ચાર મોત અને ડઝનબંધ ઘાયલોના આંકડા અચાનક હટાવી દેવામાં આવ્યા બાદ વિવાદ વધ્યો હતો. સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પણ સૈનિકોના મોત અંગેના મીડિયા કવરેજની ટીકા કરી ચૂક્યા છે. તેમણે અગાઉ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે જ્યારે ડ્રોન હુમલા કે દુઃખદ ઘટનાઓ બને છે, ત્યારે તેને મીડિયા દ્વારા અતિશય હાઇલાઇટ કરવામાં આવે છે.