World

એક જ મહિનામાં ફુગ્ગો ફૂટ્યો? સાઉદી-પાકિસ્તાન-તૂર્કિયેના 'ઇસ્લામિક નાટો'માં પડી ગઈ મોટી તિરાડ!

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેનો 'મક્કા પેક્ટ' જોખમમાં મુકાયો છે. 7 ઓગસ્ટે મક્કામાં થયેલા ત્રિપક્ષીય સંરક્ષણ સમજૂતી મુજબ, કોઈપણ દેશ પર હુમલો ત્રણેય પર હુમલો ગણાશે. જોકે, હૂથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી પર હુમલા છતાં પાકિસ્તાન ઈરાનને નારાજ કરવા કાર્યવાહી ટાળી રહ્યું છે. આ અસહકાર વચ્ચે સાઉદીએ પાકિસ્તાનને ઝટકો આપતા અફઘાનિસ્તાન સાથે 25 વર્ષનો 200 મિલિયન ડોલરનો ઊર્જા કરાર કર્યો છે, જે પાકિસ્તાની સેના માટે મોટો આંચકો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક જ મહિનામાં ફુગ્ગો ફૂટ્યો? સાઉદી-પાકિસ્તાન-તૂર્કિયેના 'ઇસ્લામિક નાટો'માં પડી ગઈ મોટી તિરાડ!
IMAGE - IANS

Saudi-Afghanistan Energy Deal: સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા કહેવાતા 'ઇસ્લામિક નાટો' અથવા 'મક્કા પેક્ટ'નું ભવિષ્ય મહિનો પૂરો થતાં જ જોખમમાં મુકાઈ ગયું છે. ગત 7 ઓગસ્ટે મક્કામાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે એક ત્રિપક્ષીય સંરક્ષણ સમજૂતી થઈ હતી, જેની શરત મુજબ ત્રણેયમાંથી કોઈપણ દેશ પર હુમલો ત્રણેય પર હુમલો ગણાશે. પરંતુ હાલમાં જ્યારે સાઉદી અરેબિયા પર ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ હુમલા કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન ઈરાનને નારાજ કરવાના ડરે યમન અને હૂથીઓ પર કાર્યવાહી કરવાનું ટાળી રહ્યું છે.

અફઘાનિસ્તાન સાથે સાઉદીની કરોડોની ઊર્જા ડીલ

આ અસહકાર વચ્ચે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપતા તેના શત્રુ દેશ અફઘાનિસ્તાન સાથે સીધો કરાર કર્યો છે. ગત 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનના તાલિબાન-નેતૃત્વવાળા વહીવટીતંત્રએ કાબુલમાં સાઉદી એનર્જી ફર્મ 'ડેલ્ટા ઇન્ટરનેશનલ' સાથે હાથ મિલાવ્યા છે. બંને પક્ષોએ પશ્ચિમી કુશક-તિરપુલ બેસિનમાં ઓઇલ અને ગેસની શોધખોળ માટે 25 વર્ષના 200 મિલિયન ડૉલરના કરારને આખરી સ્વરૂપ આપ્યું છે, જે ભવિષ્યમાં વધીને 50થી 60 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.

પાકિસ્તાની સૈન્યને મોટો આંચકો

અફઘાનિસ્તાનમાં અમેરિકાના પૂર્વ રાજદૂત તથા તાલિબાન સાથેના 2020ના દોહા કરારના મુખ્ય વાર્તાકાર ઝલમે ખલીલજાદની હાજરીમાં આ અગત્યનો કરાર કરવામાં આવ્યો છે. આ નવા ઘટનાક્રમને લીધે પાકિસ્તાનનો એ જૂનો દાવો ખોટો સાબિત થયો છે કે અફઘાનિસ્તાને કોઈપણ પ્રકારના બાહ્ય આર્થિક કે રાજદ્વારી સંબંધો માત્ર ઇસ્લામાબાદ મારફતે જ રાખવા જોઈએ. અગાઉ સાઉદી અરેબિયા દ્વારા પાકિસ્તાનમાં 20 અબજ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે ક્યારેય વાસ્તવિક સ્વરૂપ લઈ શકી નહીં, પરંતુ હવે સાઉદીએ પાકિસ્તાનને એક બાજુ મૂકીને અફઘાનિસ્તાન સાથે સીધો વેપાર શરૂ કર્યો છે. સાઉદી અરેબિયાના આ સ્વતંત્ર પગલાંથી પાકિસ્તાની સૈન્ય વ્યવસ્થામાં ભારે ખળભળાટ મચી ગયો છે, જેના પરિણામે પાકિસ્તાનની સત્તાની ડોર સંભાળી રહેલા સેના પ્રમુખની વૈશ્વિક પ્રતિષ્ઠા પણ જોખમમાં મુકાઈ ગઈ છે.