'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવતા ભારે વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yossi Mizrahi Hindu controversy: સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પર વારંવાર વિવાદોમાં રહેતા ઈઝરાયલી-અમેરિકન રબ્બી યોસી મિઝરાહીએ આ વખતે હિન્દુ ધર્મની માન્યતાઓ, ગૌપૂજા અને ભારતીય ડૉક્ટરો વિશે ઘોર અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ થયા બાદ ભારત અને ઈઝરાયલ સહિત વિશ્વભરમાં લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં મિઝરાહીએ ગાયની પૂજા કરવાની પરંપરાનો અનાદર કર્યો હતો અને ભારતીય ડૉક્ટરો પર પણ અત્યંત આપત્તિજનક નિવેદન આપ્યું હતું.
વાઇરલ વીડિયોમાં મિઝરાહીએ શું દાવો કર્યો?
વાયરલ વીડિયોમાં મિઝરાહીએ એક ભારતીય વ્યક્તિનો સંદર્ભ આપતા દાવો કર્યો કે કેટલીક વ્યક્તિઓ ગૌમૂત્રનું સેવન કરે છે અને દિલ્હીમાં ડૉક્ટરો પણ આવું કરતા હોવાની ટિપ્પણી કરી હતી. આ ઉપરાંત, તેમણે નવી દિલ્હીના રસ્તાઓ પર ગાયોને કારણે થતા ટ્રાફિક જામની મજાક ઉડાવી હતી. વીડિયોના અંતમાં તેણે હિન્દુઓ પર તંજ કસતા કહ્યું કે, 'હું ઈશ્વરનો આભાર માનું છું કે મને ભારતીયો જેવો નથી બનાવ્યો.' આ ટિપ્પણીઓને કારણે લોકોએ તેમને નસ્લવાદી ગણાવી તેમની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
ઈઝરાયલી લેખક અને પેલેસ્ટાઈનના રાજદૂતે ફટકાર લગાવી
મિઝરાહીના આ નિવેદન પર ઈઝરાયલના સંશોધક અને લેખક યેશાયા રોસેનમેને આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'મિઝરાહીની આ ટિપ્પણીઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલની છબીને ભારે નુકસાન પહોંચ્યું છે. મને આશા છે કે ભવિષ્યમાં મિઝરાહીના ઈઝરાયલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.'
બીજી તરફ, ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબ્દુલ્લા એમ અબુ શાવેશે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'કોઈપણ ધર્મ કે આસ્થાના લોકો વિરુદ્ધ નફરત ફેલાવવી અને ધાર્મિક પરંપરાઓનું અપમાન કરવું એ માનવતા માટે ખતરો છે.
કોણ છે યોસી મિઝરાહી? અગાઉ પણ રહ્યા છે વિવાદોમાં
ઈઝરાયલમાં જન્મેલા યોસી મિઝરાહી અમેરિકામાં રહેતા ઓર્થોડોક્સ યહૂદી ધર્મપ્રચારક છે અને 'ડિવાઈન ઈન્ફોર્મેશન' નામનું ઓનલાઈન ધાર્મિક પ્લેટફોર્મ ચલાવે છે. તેઓ અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. ડિસેમ્બર 2015માં તેમણે હોલોકોસ્ટમાં માર્યા ગયેલા યહૂદીઓની સંખ્યા પર વિવાદિત દાવો કર્યો હતો, જેના માટે પાછળથી તેમણે માફી માગવી પડી હતી. આ ઉપરાંત, ઓટિઝમ અને ડાઉન સિન્ડ્રોમ સંબંધિત નિવેદનો બદલ 2016માં 16 ઓર્થોડોક્સ રબ્બીઓએ પણ તેમની નિંદા કરી હતી. માર્ચ 2019માં બ્રિટનમાં તેની પ્રસ્તાવિત સભાઓ સમયે પણ મોટો વિવાદ થયો હતો.




