થાઈલેન્ડના ફૂકેટમાં રિસોર્ટમાં ભીષણ આગ, 11 લોકોના કરુણ મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Phuket Commercial Building Fire: થાઈલેન્ડના લોકપ્રિય પ્રવાસન સ્થળ અને દક્ષિણી રિસોર્ટ ટાપુ ફુકેટમાં વહેલી સવારે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નિપજ્યાં છે અને અંદાજે 16 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટના સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હોવાથી તેઓને પોતાની જાતને સંભાળવાની પણ તક મળી ન હતી.
વહેલી સવારે લાગેલી આગે આસપાસની ઇમારતોને લપેટમાં લીધી
સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે આશરે 3:17થી 3:20 વાગ્યાની આસપાસ ફુકેટના પશ્ચિમી કિનારે આવેલા પ્રખ્યાત પાતોંગ બીચ નજીકના 'ફાંગ મુઆંગ સાઈ કોર રોડ' સ્થિત એક કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ ઇમારતમાં વાહનો ભાડે આપવાનો વ્યવસાય ચાલતો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તે ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આસપાસની અન્ય ઇમારતોને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ અંદાજે 40થી 50 મિનિટથી લઈને બે કલાકની ભારે જહેમત બાદ મોટા પાયે અભિયાન ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મૃતકો કે ઘાયલોમાં કોઈ વિદેશી પ્રવાસી સામેલ નહીં
પોલીસ દ્વારા ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ભોગ બનનાર લોકોમાં કોઈ પણ વિદેશી પ્રવાસી (ટુરિસ્ટ) સામેલ નથી. પ્રાથમિક અહેવાલો અનુસાર, 16 ઘાયલોમાંથી 15 થાઈ નાગરિકો હતા, જ્યારે એક વ્યક્તિ મ્યાનમારનો રહેવાસી હતો. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ
પાતોંગ જેવા ભીડભાડવાળા અને લોકપ્રિય પ્રવાસન વિસ્તાર નજીક આટલી મોટી આગ લાગવાની ઘટનાએ સ્થાનિક તંત્રની ચિંતા વધારી દીધી છે. હાલ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે આગ લાગવા પાછળનાં ચોક્કસ કારણો જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.




