World

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પહેલીવાર PM મોદી અને ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત, જાણો શું થઈ ચર્ચા

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન PM મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ પ્રત્યક્ષ મુલાકાત હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે આ બેઠક પ્રાદેશિક શાંતિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. PM મોદી રશિયન પ્રમુખ પુતિનને પણ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પહેલીવાર PM મોદી અને ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત, જાણો શું થઈ ચર્ચા

PM Modi Meets Iranian President Pezeshkian: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન(SCO) સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ફેબ્રુઆરીમાં ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ પ્રત્યક્ષ(ઇન-પર્સન) મુલાકાત છે. ઈરાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ બેઠકમાં બંને દેશોએ પોતાના દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને પરસ્પર રસ ધરાવતા ક્ષેત્રોમાં સંયુક્ત સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

શા માટે મહત્ત્વપૂર્ણ છે આ બેઠક?

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ ચરમસીમા પર છે ત્યારે આ બેઠક યોજાઈ છે. ભારત અગાઉ ઈરાનના ટોચના દસ વેપારી ભાગીદારોમાં સામેલ હતું, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા અને તેહરાન પર અમેરિકન પ્રતિબંધોના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ છે. જૂન મહિનામાં પણ બંને નેતાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ સંઘર્ષના ઉકેલ માટે થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું હતું અને વિસ્તારમાં કાયમી શાંતિ અને સ્થિરતા માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શાંતિ અને પ્રાદેશિક સ્થિરતા પર ઈરાનનો પક્ષ

ઈરાની પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને શાંતિનો માર્ગ અપનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, ઈરાન સામેથી યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ કોઈ પણ હુમલાનો વળતો જવાબ આપશે. અમેરિકાએ ઈરાનના એક ટાપુ પર કરેલી સૈન્ય કાર્યવાહી બાદ તેમનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે વિસ્તારમાં વધતી અશાંતિ તમામ દેશો માટે નુકસાનકારક છે, આથી આર્થિક અને સુરક્ષાના હેતુઓ સિદ્ધ કરવા માટે સહિયારા પ્રયાસો અનિવાર્ય છે. ઉપરાંત, તેમણે SCO સમિટને વૈશ્વિક સ્તરે સ્વતંત્ર વિચારોનું મજબૂત પ્રતીક ગણાવ્યું હતું.

આર્મેનિયાના પીએમ સાથે બેઠક અને પુતિન સાથે મુલાકાતની શક્યતા

સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન વચ્ચે પણ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, અર્થતંત્ર, ફાર્મા, વિજ્ઞાન-ટૅક્નોલૉજી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો હતો. આ મુલાકાત દરમિયાન પશ્ચિમ એશિયાની સ્થિતિ અને અન્ય વૈશ્વિક મુદ્દા પર વડાપ્રધાન મોદીએ વિચારોની આપ-લે કરી હતી. આ ઉપરાંત તેઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરવાના છે અને કિર્ગિઝ પ્રમુખ સાદિર જપારોવના નિમંત્રણ પર 6ઠ્ઠી 'વર્લ્ડ નોમેડ ગેમ્સ'ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.