World

PM મોદીની ઐતિહાસિક મુલાકાત વચ્ચે ચીનની દાદાગીરીને પડકારવા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 મહત્ત્વના કરાર

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
40 વર્ષ બાદ PM મોદીની ન્યુઝીલેન્ડ મુલાકાત ઐતિહાસિક રહી. ઓકલેન્ડમાં બંને દેશો વચ્ચે 18 મોટા કરારો થયા, જેમાં 10 MoU અને 8 જાહેરાતોનો સમાવેશ થાય છે. આ સાથે ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધોને 'સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'નો દરજ્જો મળ્યો છે. હવે સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વેપાર, કૃષિ અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીની ઐતિહાસિક મુલાકાત વચ્ચે ચીનની દાદાગીરીને પડકારવા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 મહત્ત્વના કરાર
IMAGE - IANS

PM Modi New Zealand Visit: આશરે 40 વર્ષના લાંબા સમયગાળા બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડ મુલાકાત બંને દેશોના પરસ્પર સંબંધો માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ઓકલેન્ડમાં પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંને દેશોએ કુલ 18 મોટા કરારો અને જાહેરાતો પર સહમતી વ્યક્ત કરી છે, જેમાં 10 MoU અને 8 મોટી જાહેરાતોનો સમાવેશ થાય છે.

આ ઐતિહાસિક નિર્ણયોને પગલે ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધોને હવે 'સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'નો દરજ્જો મળી ગયો છે. હવે બંને દેશો સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વેપાર, કૃષિ, શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. વૈશ્વિક નિષ્ણાતો આ વ્યૂહાત્મક ભાગીદારીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી દાદાગીરી અને પ્રભાવને સંતુલિત કરવાના એક મજબૂત કદમ તરીકે જોઈ રહ્યા છે.

રક્ષા અને દરિયાઈ સુરક્ષા મજબૂત બનશે: સેનાઓ એકબીજાને આપશે લોજિસ્ટિક સપોર્ટ

આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન સૌથી મહત્ત્વના કરારો સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાને લઈને કરવામાં આવ્યા છે. હવે ભારત અને ન્યૂઝીલેન્ડની સેનાઓ દરિયાઈ સુરક્ષા, ગુપ્ત માહિતીઓ શેર કરવા અને સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત, બંને દેશોએ દરિયાઈ માર્ગોની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે સમુદ્રને લગતા નકશા અને હાઇડ્રોગ્રાફી ડેટા એકબીજા સાથે શેર કરવા પર પણ સંમતિ આપી છે. આ રક્ષા કરાર હેઠળ એક મોટો નિર્ણય એ પણ લેવાયો છે કે બંને દેશોની નૌસેનાઓ જરૂરિયાત ઊભી થવા પર એકબીજાને લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરી પાડી શકશે.

આતંકવાદ સામે સંયુક્ત મોરચો અને કૃષિ-ડેરી ક્ષેત્રે ટેક્નોલોજીની આપ-લે

આતંકવાદ અને કુદરતી આપદાઓ સામે લડવા માટે પણ બંને દેશોએ હાથ મિલાવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડે આતંકવાદ વિરોધી એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલી માહિતી શેર કરીને સંયુક્ત વ્યૂહનીતિ બનાવવામાં આવશે.

આ સાથે જ ભૂકંપ, સુનામી જેવી કુદરતી આપદાઓ સામે લડવા માટે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ટેકનોલોજીની આપ-લે કરાશે. કૃષિ અને ડેરી સેક્ટરમાં પણ આધુનિક સંશોધનો અને ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવામાં આવશે, જેના ભાગરૂપે 'કીવીફ્રૂટ એક્શન પ્લાન' શરૂ કરાયો છે. આ પ્લાન હેઠળ ભારતના નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં કીવીના બે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' બનાવવામાં આવશે, જ્યાં ખેડૂતોને નવી લેન્ડ ટેક્નોલોજી અને વિશેષ પ્રશિક્ષણ અપાશે.

2030 સુધીમાં 7 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય અને ચીન સામે મજબૂત કિલ્લાબંધી

આર્થિક મોરચે બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં પરસ્પર દ્વિપક્ષીય વેપારને 7 અબજ ન્યૂઝીલેન્ડ ડૉલર સુધી પહોંચાડવાનું મહત્ત્વનું લક્ષ્ય રાખ્યું છે, જેને ભવિષ્યમાં મુક્ત વ્યાપાર કરાર (FTA) તરફનું એક મોટું કદમ માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાસન, રમતગમત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નવા કરારો થયા છે, જેમાં ગુજરાતના લોથલ ખાતે બની રહેલા 'નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ'ના વિકાસમાં ન્યૂઝીલેન્ડ સહયોગ આપશે.

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા વધારવા માટે ન્યૂઝીલેન્ડે ભારતના 'ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિએટિવ' (IPOI)માં સામેલ થવાની સત્તાવાર જાહેરાત કરી છે અને ન્યૂઝીલેન્ડ હવે 'ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ'નો હિસ્સો પણ બનશે. અન્ટાર્કટિકા રિસર્ચ અને ક્લીન એનર્જી ક્ષેત્રે થયેલી આ ભાગીદારી એવા સમયે ખૂબ જ મહત્ત્વની છે જ્યારે ચીન આ વિસ્તારમાં પોતાનો પગપેસારો વધારી રહ્યું છે. આ કરારોથી દરિયાઈ સુરક્ષા મજબૂત થવાની સાથે પ્રાદેશિક સ્થિરતાને નવું બળ મળશે.