World

ટેક સેક્ટરમાં ફરી મોટી છટણીનો ખતરો: Oracle કરશે 10,000 કર્મચારીઓની હકાલપટ્ટી, ભારતીયો પર પણ અસર!

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
ઓરેકલ કંપની વૈશ્વિક સ્તરે 7,000 થી 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. ખર્ચ ઘટાડવા અને AI તેમજ ક્લાઉડ ટેકનોલોજીમાં રોકાણ વધારવા આ નિર્ણય લેવાયો છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ પર તેની અસર થવાની શક્યતા છે. સપ્ટેમ્બરમાં આ અંગે જાહેરાત થઈ શકે છે, જેનાથી કર્મચારીઓમાં ચિંતા વ્યાપી છે. કંપનીએ છેલ્લા 12 મહિનામાં 21,000 કર્મચારીઓની છટણી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેક સેક્ટરમાં ફરી મોટી છટણીનો ખતરો: Oracle કરશે 10,000 કર્મચારીઓની હકાલપટ્ટી, ભારતીયો પર પણ અસર!
IMAGE - IANS

Oracle Layoffs: દિગ્ગજ ટેકનોલોજી કંપની ઓરેકલ (Oracle)માં ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. અહેવાલો મુજબ, કંપની પોતાના વૈશ્વિક વર્કફોર્સમાંથી આશરે 7,000થી 10,000 જેટલી નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહી છે. કંપની પોતાના ખર્ચમાં કાપ મૂકવા માટે તમામ ટીમોને સૂચના આપી રહી છે, જેના કારણે કોઈ એક ચોક્કસ વિભાગને બદલે અલગ-અલગ ડિપાર્ટમેન્ટ્સમાં નોકરીઓ પર અસર પડી શકે છે.

ભારતીય કર્મચારીઓ પર પણ જોખમ

આ સંભવિત છટણીની સૌથી વધુ અસર ભારતમાં રહેલા ઓરેકલના કર્મચારીઓ પર પડી શકે છે. ઓરેકલ માટે ભારત એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં એન્જિનિયરિંગ, ક્લાઉડ સર્વિસ, ટેકનોલોજી અને સપોર્ટ ક્ષેત્રે મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. જોકે, ભારતમાં કેટલા લોકોને અસર થશે તેનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિનામાં જ કંપની આ અંગે નિર્ણય જાહેર કરી શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ પર વધતું રોકાણ

કંપનીમાં થઈ રહેલા આ ફેરફારો પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વધતો ઉપયોગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ મુખ્ય કારણો માનવામાં આવે છે. ઓરેકલે તેના વાર્ષિક અહેવાલમાં પણ સ્વીકાર્યું છે કે AI ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે વર્કફોર્સમાં ઘટાડો થઈ રહ્યો છે. કંપની એક તરફ પોતાના ખર્ચાઓ નિયંત્રણમાં રાખવા માગે છે, તો બીજી તરફ AI અને ડેટા સેન્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે.

છેલ્લા એક વર્ષમાં 21,000 કર્મચારીઓની છટણી કરી

ઓરેકલમાં છેલ્લા એક વર્ષથી સતત છટણીની પ્રક્રિયા ચાલી રહી છે. મે 2026ના અંત સુધીમાં કંપનીમાં ફુલ-ટાઇમ કર્મચારીઓની સંખ્યા ઘટીને લગભગ 1,41,000 થઈ ગઈ હતી, જે તેના એક વર્ષ પહેલા આશરે 1,62,000 હતી. આંકડા મુજબ, કંપનીએ છેલ્લા 12 મહિનામાં જ 21,000થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.

સપ્ટેમ્બર 11ના રોજ ક્વાર્ટરલી પરિણામો

ઓરેકલે આ નવી છટણી અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. જોકે, 11 સપ્ટેમ્બરે કંપનીના ક્વાર્ટરલી પરિણામો જાહેર થવાના છે તે પહેલા જ છટણીના આ અહેવાલોથી કર્મચારીઓમાં અસુરક્ષા અને ચિંતાનો માહોલ સર્જાયો છે.