5 દિવસ પછી પણ 2500થી વધુ ગુમ, નેપાળમાં મૃતકાંક 800ની નજીક, સામૂહિક અંતિમ સંસ્કારની ફરજ પડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Floods Crisis: નેપાળમાં ભયાનક પૂરે ભારે તારાજી સર્જી છે. પૂર આવ્યાના પાંચ દિવસ બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ શકી નથી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 788 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હજારો પરિવારો પોતાના સ્વજનોની શોધખોળ કરી રહ્યા છે. બીજી તરફ, ઓળખ ન થઈ શકી હોય તેવા અનેક મૃતદેહોના જરૂરી પુરાવા સુરક્ષિત રાખીને સામૂહિક રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં ફરીથી વધારો થતાં રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
130 મીટર લાંબો પુલ વહી જતાં 400 પરિવારો સંપર્કવિહોણા
મધ્ય નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં ફરી પૂરના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે. સતત ત્રણ કલાક સુધી પાણીના તેજ વહાવના કારણે રશુવા અને ગોરખા વિસ્તારને જોડતો 130 મીટર લાંબો ઘ્યાલચોક-ચારૌદી પુલ ધરાશાહી થઈ ગયો છે. આ પુલ તૂટી જવાથી આસપાસના 400થી વધુ પરિવારોનો મુખ્ય સંપર્ક માર્ગ કપાઈ ગયો છે. આ પુલ સ્થાનિક ખેડૂતો માટે દૂધ અને શાકભાજી બજાર સુધી પહોંચાડવાનો એકમાત્ર રસ્તો હતો. અગાઉ 26 ઓગસ્ટે ધવાદિઘાટનો પુલ પણ વહી ગયો હતો, જેના કારણે હવે તમામ વૈકલ્પિક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન
પૂર અને કાંપના કારણે સૌથી પડકારજનક રેસ્ક્યૂ ઓપરેશન હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની ટનલમાં ચાલી રહ્યું છે. રશુવાના 'અપર ત્રિશૂલી-1' અને નુવાકોટના 'અપર ત્રિશૂલી-3A' પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નેપાળી સેનાની સાથે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતો તહેનાત છે. ભારતીય ટીમ ટનલની અંદર 3 કિલોમીટર સુધી અંદર જઈને તપાસ કરી રહી છે અને છેલ્લા બે દિવસમાં 250 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલની અંદર રસ્તો બનાવવા માટે સેનાના એન્જિનિયરો કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ અને ભારે મશીનોની મદદ લઈ રહ્યા છે.
રાહત કામગીરી ઝડપી: 9,000થી વધુ લોકોને સુરક્ષિત ખસેડાયા
નેપાળના વડાપ્રધાન બાલેન શાહના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 9,435થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ માટે 394 હવાઈ ઉડાન ભરવામાં આવી છે. જમીન પર નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર બળના 20,618થી વધુ જવાનો દિવસ-રાત બચાવ કામગીરીમાં લાગેલા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 26 અસ્થાયી રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં હજારો લોકોને આશ્રય અને જમવાનું આપવામાં આવી રહ્યું છે. પૂરના કારણે ઘવાયેલા 267 લોકોને સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
ભારત તરફથી સતત મદદ અને નેટવર્ક બહાલ કરવાના પ્રયાસો
સંકટની આ ઘડીમાં ભારત તરફથી નેપાળને સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા ટનલ રેસ્ક્યૂ સાધનો, ડીએનએ ટેસ્ટિંગ કિટ્સ, દવાઓ, ખાદ્ય સામગ્રી, પોર્ટેબલ જનરેટર, સ્લીપીંગ બેગ્સ અને સ્ટીલ-બેલી બ્રિજ સહિત 68.5 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. બીજી તરફ, પૂરના કારણે ઠપ થયેલા ટેલિકોમ ટાવરોને ઝડપથી રિપેર કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં નેપાળ ટેલિકોમ અને એનસેલના 180થી વધુ ટાવર ફરી કાર્યરત કરી દેવાયા છે. રેસ્ક્યૂ ટીમો વચ્ચે સંપર્ક જળવાઈ રહે તે માટે 20 સેટેલાઈટ ફોન પણ ફાળવવામાં આવ્યા છે.




