World

'ભારતીયોને મારી નાખો, એમની મહિલાઓને ગુલામ બનાવી લો...', ઓસ્ટ્રેલિયામાં વંશીય ભેદભાવનો દાવો

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટ્રક ડ્રાઇવરો સાથે વંશીય ભેદભાવ અને ગંભીર ધમકીઓનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલી એક ક્લિપમાં ઓસ્ટ્રેલિયન ડ્રાઇવરો ભારતીયો વિરુદ્ધ નફરતભરી અને હિંસક વાતો કરતા જોવા મળે છે. આ વીડિયો ABCની તપાસનો ભાગ છે. ઘણા ડ્રાઇવરોએ રેડિયો કમ્યુનિકેશનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે, કારણ કે તેમને પંજાબી કે ભારતીય શૈલીમાં વાત કરવા બદલ ગાળો સાંભળવી પડે છે. આ ઘટના પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારતીયોને મારી નાખો, એમની મહિલાઓને ગુલામ બનાવી લો...', ઓસ્ટ્રેલિયામાં વંશીય ભેદભાવનો દાવો

Indian Truck Drivers Australia: ઓસ્ટ્રેલિયાથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્યાં કામ કરતા ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરોને સતત વંશીય ભેદભાવ અને ગંભીર ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ક્લિપ ખૂબ વાઇરલ થઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટ્રક ડ્રાઇવરો દ્વારા ભારતીયો વિરુદ્ધ જાહેરમાં નફરત અને હિંસક વાતો કરવામાં આવી રહી છે. આ વાઇરલ ક્લિપે ઓસ્ટ્રેલિયામાં વસતા પ્રવાસી ડ્રાઇવરોની સુરક્ષાને લઈને એક નવી ચર્ચા જગાવી છે અને ત્યાંના ભારતીય સમુદાયમાં ચિંતાનો માહોલ પેદા કર્યો છે.

વીડિયોમાં ભારતીયો વિરુદ્ધ નફરત અને હિંસક વાતો

ઇન્સ્ટાગ્રામમાં આ વીડિયો ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (ABC)ની એક તપાસનો ભાગ છે. સામાન્ય રીતે ટ્રક ડ્રાઇવરો વચ્ચે રેડિયો કમ્યુનિકેશનનો ઉપયોગ રોડ સુરક્ષા કે રસ્તાની માહિતી આપવા માટે થતો હોય છે, પરંતુ આ ક્લિપમાં તેની જગ્યાએ નફરત અને હિંસાથી ભરેલા અવાજો સાંભળવા મળી રહ્યા છે. આ ક્લિપમાં એક વ્યક્તિ અત્યંત આપત્તિજનક અને ક્રૂર ટિપ્પણી કરતા કહી રહ્યો છે કે, 'ભારતીયોને મારી નાખો, શ્વેત લોકો માટે ઊભા થાઓ, દેશમાં ગૃહયુદ્ધ આવવાનું છે. અમે બધા ભારતીય પુરુષોને મારી નાખીશું, તેમના બાળકોને પાણીમાં ડુબાડી દઈશું અને તેમની મહિલાઓને ગુલામ તરીકે વેચી દઈશું.'

બોલવાની ભારતીય ઢબ પર અપાય છે ભયંકર ગાળો

અનેક ડ્રાઇવરોએ સ્વીકાર્યું છે કે ઓસ્ટ્રેલિયાના રોડ પર હવે વંશીય ભેદભાવ તેમની રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયો છે. એક ડ્રાઇવરે પોતાનું દર્દ વ્યક્ત કરતા જણાવ્યું કે, જો તમારો બોલવાની ઢબ ઓસ્ટ્રેલિયન હોય તો બધું બરાબર રહે છે, પરંતુ જો તમે પંજાબી કે ભારતીય શૈલીમાં રેડિયો પર વાત કરો છો, તો સામેથી ભયંકર ગાળો સાંભળવી પડે છે. આ પ્રકારની સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને હવે ઘણા ભારતીય ડ્રાઇવરોએ રેડિયો કમ્યુનિકેશનનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દીધું છે.

જાહેર સ્થળો પર પણ ભારતીયો અસુરક્ષિત: પેટ્રોલ પંપ પર બની શરમજનક ઘટના

આ વંશીય દુર્વ્યવહાર માત્ર ટ્રકના રેડિયો સુધી સીમિત નથી, પરંતુ જાહેર સ્થળો પર પણ ભારતીયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી જ એક ઘટનાનો ઉલ્લેખ કરતા ભારતીય મૂળના એક ઓસ્ટ્રેલિયન નાગરિકે જણાવ્યું કે, તેઓ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના એક પેટ્રોલ પંપ પર પોતાની પત્ની સાથે પંજાબી ભાષામાં વાત કરી રહ્યા હતા. તે જ સમયે એક અજાણ્યો વ્યક્તિ તેમની નજીક આવ્યો અને આક્રમક રીતે કહ્યું કે, 'આ ઓસ્ટ્રેલિયા છે, અહીં અંગ્રેજીમાં વાત કરો.' એટલું જ નહીં, તે વ્યક્તિ પેટ્રોલના પૈસા ચૂકવીને પાછો ફર્યો ત્યારે પોતાના ટ્રકમાં બેસતા પહેલા ભારતીય ડ્રાઇવર પર થૂંકીને ચાલ્યો ગયો હતો. પીડિતે આ ઘટનાને પોતાના જીવનની સૌથી અપમાનજનક ક્ષણ ગણાવી છે.

ટ્રકિંગ એસોસિએશનની ચિંતા અને પીએમ મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

આ ગંભીર મુદ્દા પર ઓસ્ટ્રેલિયન ટ્રકિંગ એસોસિએશન (ATA) અને નેશનલ હેવી વ્હીકલ રેગ્યુલેટરે કડક વલણ અપનાવીને આવી હરકતોની સખત નિંદા કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા માનસિક ઉત્પીડનથી ડ્રાઇવરોનું ધ્યાન ભટકે છે, જે અંતે મોટા રોડ અકસ્માતોનું કારણ બની શકે છે.

આ ચોંકાવનારો વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની ત્રણ દિવસીય ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરીને ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે. પીએમ મોદીની આ ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા અને વેપાર સહિતના અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં ઐતિહાસિક કરારો થયા છે, ત્યારે બીજી તરફ ડ્રાઇવરો સાથેની આ ઘટનાએ તંત્ર સામે સવાલો ઊભા કર્યા છે.